તાવ ન ઊતરે તો કેટલા દિવસ રાહ જોવાની?

01 July, 2022 09:42 PM IST  |  Mumbai | Dr. Pankaj Parekh

હું તેને દર વખતે જે પૅરાસિટામૉલ આપું છું એ જ આ વખતે પણ આપી, પણ તેના પર દવા કેમ કામ કરતી નથી? શું તેને કોવિડ હશે?

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

મારી દીકરી ૮ વર્ષની છે. દર ચોમાસે તે બીમાર પડી જાય છે એટલે અમે તેને પલળવા દેતા નથી, એમ છતાં તે બીમાર પડી જાય છે. તેને બે દિવસથી તાવ છે. પહેલા દિવસે ૯૯ જેટલું ટેમ્પરેચર હતું. આજે ૧૦૦ થઈ ગયું છે અને ધીમે-ધીમે એ વધતું જશે. શરદી-ઉધરસ જેવું કાંઈ જ નથી, બસ તાવ છે. હું તેને દર વખતે જે પૅરાસિટામૉલ આપું છું એ જ આ વખતે પણ આપી, પણ તેના પર દવા કેમ કામ કરતી નથી? શું તેને કોવિડ હશે? ડૉક્ટર કહે છે કે રાહ જોઈએ, પણ રાહ જોવામાં કશું મોડું થઈ ગયું અને તાવ મગજ પર ચડી ગયો તો? મને એની ખૂબ ચિંતા થાય છે. હું શું કરું? 
   
ચોમાસામાં મોટા ભાગે બાળકો માંદાં પડે જ છે, કારણ કે આ ઋતુ એવી છે જ્યારે વાઇરસ, બૅક્ટેરિયા વધુ પ્રમાણમાં વાતાવરણમાં રહે છે. મોટા ભાગે ચોમાસામાં બાળકો જે માંદાં પડતાં હોય છે એ વાઇરલ ઇન્ફેક્શન જ હોય છે, છતાં ક્યારેક પાણીજન્ય રોગો પણ થઈ જતા હોય છે. એનું પ્રથમ ચિહ્‍‍ન તાવ જ હોય છે. કોઈ પણ ઇન્ફેક્શન આવે એટલે તરત બાળકનું શરીર રીઍક્ટ કરે અને તેને તાવ આવે. તાવ આવવો એ હંમેશાં ખરાબ જ હોય એવું નથી. શરીર આ રીતે જુદા-જુદા વાઇરસ અને બૅક્ટેરિયા સામે લડત આપી રહ્યું હોય છે. જો તાવ ૧૦૦ જેટલો હોય અને તે રમતું હોય તો ખાસ ચિંતા ન કરવી. જોકે તાવ ૯૯ જેટલો પણ હોય અને બાળક ખૂબ હેરાન થતું હોય, ઇરિટેબલ હોય તો ચોક્કસ તેને દવા આપી શકાય. એ દરેક બાળકની પરિસ્થિતિ પર આધાર રાખે છે. 
સામાન્ય રીતે જો બાળકને તાવ જ હોય અને બીજાં કોઈ જ લક્ષણો ન હોય તો એ વાઇરલ ઇન્ફેક્શન જ હોય અને બે દિવસમાં તેનો તાવ થોડો ઊતરવો જોઈએ. ૪૮ કલાક પછી પણ જો તેનો તાવ ન ઊતરતો હોય તો તેની અમુક ટેસ્ટ કરવી જરૂરી રહે છે. ઘણી વખત વાઇરલ તાવ પણ પૅરાસિટામૉલથી ઊતરતો નથી અને એની સાથે આઇ ઇબુપ્રોફેન ઍડ કરીને કે અલગથી આપવી પડે છે, પણ જો ૪૮ કલાક સુધી ૧૦૦થી વધુ તાપમાનનો તાવ ન ઊતરે તો તેની બ્લડ-ટેસ્ટ અને યુરિન-ટેસ્ટ કરાવવી જરૂરી છે, જેમાં CBC, CSR, મલેરિયા, ડેન્ગી, કોવિડ પણ સામેલ છે. આ ટેસ્ટ પરથી બાળકને કયા પ્રકારનું ઇન્ફેક્શન છે એ સમજી શકાય છે અને એ રીતે ટ્રીટમેન્ટ થાય છે. 

health tips columnists