દીકરીને બાલભદ્ર ચૂર્ણ ક્યાં સુધી આપી શકાય?

09 September, 2022 07:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મારી દીકરી પોણા બે વર્ષની છે. તેને જ્યારે દાંત આવી રહ્યા હતા ત્યારે કોઈકે બાલભદ્રચૂર્ણ આપવાનું કહેલું. એનાથી સારું પણ થઈ ગયું. એ પછી ચોમાસા દરમ્યાન તેને બહુ શરદી-કફ થયા કરતા હતા.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક

મારી દીકરી પોણા બે વર્ષની છે. તેને જ્યારે દાંત આવી રહ્યા હતા ત્યારે કોઈકે બાલભદ્રચૂર્ણ આપવાનું કહેલું. એનાથી સારું પણ થઈ ગયું. એ પછી ચોમાસા દરમ્યાન તેને બહુ શરદી-કફ થયા કરતા હતા. એ વખતે પણ અમે તેને બાલભદ્રચૂર્ણ આપેલું તો સારું થઈ ગયું. તેનો શારીરિક વિકાસ તેની ઉંમર મુજબનો નથી તો આ ચૂર્ણ આપી શકાય? કઈ ઉંમર સુધી આ ચૂર્ણ આપી શકાય? 

જવાબ : સૌથી પહેલાં તો એ સમજો કે આ કોઈ બાળકો માટેનું ટૉનિક નથી કે એને રેગ્યુલર બેસિસ પણ આપવાનું ચાલુ કરી દેવાય. હા, જ્યારે ચોક્કસ સમસ્યાઓ થાય ત્યારે એનો ઉપયોગ કરવામાં કંઈ ખચકાવા જેવું નથી. બાલચતુર્ભદ્ર ચૂર્ણના નામ પરથી સમજી શકાય કે એ બાળકો માટે બનાવવામાં આવેલું ચાર ઔષધોનું મિશ્રણ છે. એમાં નાગરમોથા, પીપળી, કાકડાશિંગ અને અમલતાસ એ ચાર દ્રવ્યો વપરાય છે. બાર વર્ષની ઉંમર સુધી તમે બાળકને આ ચૂર્ણ આપી શકો છો.

આમ તો તૈયાર ચૂર્ણ પણ લઈ શકાય, બાકી ઘરે બનાવવું હોય તો ઉપર જણાવેલા ચારેય દ્રવ્યો સમભાગે લઈ ખરલમાં ઘૂંટીને કપડાથી ચાળીને ચૂર્ણ બનાવવું અને કાચની બરણીમાં ભરી લેવું. આ ચૂર્ણનું યોગ્ય અનુપાન કેવી રીતે કરાય એ સમજીએ. વાયુને કારણે વિકાર થયો હોય તો સાકર કે સાકરના પાણી સાથે આપવું અને કફજ વિકાર હોય તો એક વર્ષ જૂના મધ સાથે આપવું. 
આ ચૂર્ણ બાળકોની બીમારીઓ જેવી કે શરદી, તાવ, ખાંસી, ઝાડા અને ઊલટી માટે ખૂબ જ જાણીતું છે. સાધારણ ભાષામાં એ ચૌહદી કે ચૌભુજના નામે પણ જાણીતું છે. આ ચૂર્ણ બાળકો માટે એક અમૃત સમાન ગુણકારી છે. બાળકોને તાવ સાથે પાતળા જુલાબ થવા, પીધેલા દૂધનું યોગ્ય પાચન ન થવું, પેટ ફૂલી જવું, પેટમાં દુખાવો થવો જેવી તકલીફોમાં માતાના દૂધમાં અથવા તો ઉપરોક્ત અનુપાન સાથે આ ચૂર્ણ આપવાથી બાળકને તરત જ ફાયદો થશે. બાળકોને થતી શરદી-ઉધરસ અને ખાંસીમાં આ ચૂર્ણ આપી શકાય. બાળકને દાંત આવવાના હોય ત્યારે તેને તાવ-ઊલટી કે ઝાડા જેવી તકલીફ હોય છે એમાં પણ ખૂબ મદદરૂપ છે. નાનું બાળક ધરાવતા દરેક ઘરમાં રાખવા જેવું ઔષધ છે.

health tips columnists