ઓવરીની ગાંઠ કૅન્સરની છે કે નહીં એ કેમ ખબર પડે?

22 June, 2022 07:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શું એવી કોઈ ટેસ્ટ ન હોઈ શકે જેના દ્વારા પાકા પાયે કહી શકાય કે આ કૅન્સરની ગાંઠ નથી જ. મેં તમારા જ છાપામાં વાંચ્યું હતું કે આવી બાબતોમાં ગફલતમાં રહેવું નહીં એટલે મને એમ લાગે છે કે કંઈક પાછળથી નીકળે અને મોડું થઈ જાય એના કરતાં હું ટેસ્ટ કરાવી લઉં.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

મારી ઉંમર ૬૨ વર્ષ છે અને સોનોગ્રાફીમાં જાણ થઈ છે કે મને ઓવરીમાં ગાંઠ છે. ડૉક્ટર કહે છે કે આ સાદી ગાંઠ છે એટલે એમાં ચિંતા જેવું કઈ નથી, પરંતુ મને વિશ્વાસ બેસતો નથી. કદાચ આ ગાંઠ સાદી ન હોય અને કૅન્સરની નીકળી તો? મને પાકી ટેસ્ટ કરાવીને ખાતરી કરવી છે. શું એવી કોઈ ટેસ્ટ ન હોઈ શકે જેના દ્વારા પાકા પાયે કહી શકાય કે આ કૅન્સરની ગાંઠ નથી જ. મેં તમારા જ છાપામાં વાંચ્યું હતું કે આવી બાબતોમાં ગફલતમાં રહેવું નહીં એટલે મને એમ લાગે છે કે કંઈક પાછળથી નીકળે અને મોડું થઈ જાય એના કરતાં હું ટેસ્ટ કરાવી લઉં.  

સારું છે કે તમે એ વાતે જાગ્રત છો કે ગાંઠ સાદી અને કૅન્સર બન્નેની હોઈ શકે છે. સામાન્ય રીતે ઓવેરિયન કૅન્સર ત્રીજા-ચોથા સ્ટેજમાં જ સામે આવે છે. અમુક કેસમાં એવું પણ થતું હોય છે કે લાગે કે નૉર્મલ ગાંઠ જ છે અને પછીથી એ કૅન્સરની નીકળે તો આ પરિસ્થિતિમાં પસ્તાવું પડે. તમારી કઈ-કઈ ટેસ્ટ થઈ એ વિશે તમે વિસ્તારથી જણાવ્યું નથી. મુખ્ય વાત એ છે કે જ્યારે તમને ઓવરીમાં ગાંઠ જેવું નીકળે ત્યારે ફક્ત ગાયનેકને જ નહીં, ઑન્કૉલૉજિસ્ટને પણ બતાવવું જરૂરી છે. આ ગાંઠ નુકસાનદાયક છે કે નહીં, કૅન્સરની ગાંઠ છે કે સામાન્ય એનું ચોક્કસ નિદાન અત્યંત જરૂરી છે. વળી, એ નિદાન સાવ સરળ પણ નથી. આ માટે પહેલાં દરદીની હિસ્ટરી લેવી જરૂરી છે. પેલ્વિસ એક્ઝામિનેશન. ઍબ્ડૉમિન અને પેલ્વિસનો અલ્ટ્રા સાઉન્ડ કે સી.ટી. સ્કૅન અને એના પૅરામીટર્સ નોંધવામાં આવે છે. ઓવરીની સાઇઝ, શેપ અને સ્ટ્રક્ચર એનાથી ખબર પડે છે. ટ્યુમર માર્કર્સ જાણવા માટે અમુક બ્લડ-ટેસ્ટ થાય છે, એ પણ દરદીની પરિસ્થિતિ જોઈને સજેસ્ટ કરી શકાય છે. 
પરંતુ જે મુખ્ય ટેસ્ટ છે એ છે ટિશ્યુ ડાયગ્નોસિસ, જેના માટે સર્જરી કરવી પડે. લેપ્રોસ્કોપી બાયોપ્સી દ્વારા ઓવરીના એ કોષોનું લૅબમાં અવલોકન કરીએ ત્યારે ખબર પડે કે આ કોષો કૅન્સરની ગાંઠના છે કે નહીં. સામાન્ય રીતે થાય છે એવું કે આ સર્જરી માટે તરત કોઈ તૈયાર થાય નહીં. પહેલાં તો તમે ઑન્કૉલૉજિસ્ટને મળો. એ તમને તપાસે, તમારું અલ્ટ્રાસાઉન્ડ જુએ અને પછી નિર્ણય લઈ શકાય કે આ ગાંઠને છેડવા જેવી છે કે નહીં. આ કોઈ સામાન્ય વસ્તુ છે કે અસાધરણ કૅન્સરની ગાંઠ, કારણ કે આ નિદાન ધારીએ એટલું સહેલું નથી. પેચીદું છે.

health tips columnists