માનસિક રીતે હું વૃદ્ધાવસ્થા માટે કઈ રીતે તૈયાર થાઉં?

22 December, 2021 06:38 PM IST  |  Mumbai | Kinjal Pandya

શારીરિક અને માનસિક રીતે શું હું ખરેખર નબળો થતો જાઉં છું? એ પ્રશ્નનો જવાબ મને ખબર છે પણ એનો સ્વીકાર નથી કરી શકતો. જેને લીધે હું ખૂબ ફ્રસ્ટ્રેટ થઈ રહ્યો છું.

મિડ-ડે લોગો

મારી ઉંમર ૬૦ વર્ષની થશે. ૧ મહિનામાં હું રિટાયર્ડ થઈ જઈશ. મારા ઘરના મને વારંવાર અહેસાસ દેવડાવે છે કે હવે હું બુઢ્ઢો થઈ ગયો છું. વર્ષોથી જે કામ કરતા આવ્યા છે એ કામ કરવાની કૅપેસિટી ઘટી હોવાનું દેખાય છે, પણ એનો સ્વીકાર સરળ નથી. શારીરિક અને માનસિક રીતે શું હું ખરેખર નબળો થતો જાઉં છું? એ પ્રશ્નનો જવાબ મને ખબર છે પણ એનો સ્વીકાર નથી કરી શકતો. જેને લીધે હું ખૂબ ફ્રસ્ટ્રેટ થઈ રહ્યો છું. ચીડિયો સ્વભાવ બનતો જાય છે. આ માટે હું શું કરું?
   
વૃદ્ધત્વ એક સત્ય છે, પણ આ સત્યનો સ્વીકાર ઘણા લોકો માટે અઘરો બનતો હોય છે. લૉજિકલી સમજવાનું એ છે કે વ્યક્તિની શારીરિક ક્ષમતા ઉંમર પ્રમાણે સતત ઘટતી જ રહે છે. જેમ કે ૧-૨ વર્ષના બાળક જેટલી ફ્લેક્સિબિલિટી ૧૫ વર્ષના બાળકમાં નથી હોતી. ૧૫ વર્ષના બાળક જેટલો સ્ટૅમિના ૨૫ વર્ષના યુવાનમાં પણ નથી હોતો અને ૨૫ વર્ષના યુવાન જેવી તાકાત ૩૫ વર્ષની વ્યક્તિમાં નથી હોતી. ઉંમરની સાથે શરીર નબળું થતું જાય એ નૅચરલ છે. તો આટલી ચિંતા શા માટે? આ પ્રિપરેશન એક દિવસનું નથી. દરરોજ એ થોડું-થોડું કરવું પડશે કારણકે આ પ્રોસેસ લાંબી છે. 
વૃદ્ધાવસ્થામાં આવતાંની સાથે જ વ્યક્તિના જે હેલ્થ પ્રૉબ્લેમ્સ શરૂ થાય છે તે પહેલાં કરતાં ઘણા વધારે હોય છે જેને કારણે તેમની ક્વૉલિટી ઑફ લાઇફ એટલે કે જીવનની ગુણવત્તા પર સીધી અસર પડે છે. વૃદ્ધત્વનો સ્વીકાર મોટા ભાગે સહજપણે આવી નથી જતો, લાવવો પડે છે. ખુદને માનસિક રીતે એના માટે સજ્જ કરો. કોઈ પણ કામ પહેલાંની જેમ કરવાનો પ્રયત્ન જરૂર કરો પરંતુ દુરાગ્રહ ન કેળવો. કોઈ કામ કરતા જો તમે થાકતા હો તો એ થાક લાગી શકે છે, એ નોર્મલ છે. થાક લાગવો જ ન જોઈએ એવું વિચારીને ખુદને કષ્ટ ન આપો. બીજો ઉપાય એ છે કે તમારી એજ ગ્રુપના લોકોને મળતા રહો, જેને કારણે એ અહેસાસ રહે કે ક્ષમતા મારી એકલાની નહીં, બધાની ઘટે છે. એક વખત તમે આ વાતને સ્વીકારશો તો જીવન વધુ સરળ બનશે. કારણકે કોઈ પણ તકલીફનો ઉપાય ત્યારે જ મળે જ્યારે પહેલાં તમે સ્વીકારો કે તમને તકલીફ છે. ક્ષમતા ઘટી ગઈ છે એવું વિચારવા કરતાં હવે મારો આરામનો સમય છે એમ વિચારવું. એનાથી પણ ખાસ્સો ફરક પડશે.

health tips life and style