મારા બાળકને કબજિયાત છે એ કેમ ખબર પડે?

03 September, 2021 04:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાળકને કબજિયાત હોય શકે છે? એ કઈ રીતે ખબર પડે કે મારા બાળકને કબજિયાત છે કે નહીં અને જો હોય તો મારે એ માટે શું કરવું?

પ્રતીકાત્મક તસવીર

મારું બાળક ૯ મહિનાનું છે. એ દરરોજ મળ પાસ કરતું નથી. પહેલાં એવું હતું નહીં. જ્યારે એ ફક્ત સ્તનપાન કરતું એટલે કે પહેલાં ૬ મહિના દરમિયાન દરરોજ નિયમિતપણે એ પૉટી કરી લેતું, પરંતુ ૬ મહિના પછી અમે ધીમે-ધીમે બહારનો ખોરાક ચાલુ કર્યો. માંડ એ થોડું લિક્વિડ લેતો થયો છે. ફ્રૂટ જૂસ કે સૂપ આપું છું એને. ભાતનું ઓસામણ કે દાળનું પાણી આપું છું એને. થોડું બહારનું દૂધ બૉટલ વડે આપું છું. સ્તનપાન પણ ચાલુ જ છે, પરંતુ હવે ક્યારેક બે દિવસે તો ક્યારેક ત્રણ દિવસે પોટી જાય છે. બાળકને કબજિયાત હોય શકે છે? એ કઈ રીતે ખબર પડે કે મારા બાળકને કબજિયાત છે કે નહીં અને જો હોય તો મારે એ માટે શું કરવું?

 જવાબ : જો બાળક દરરોજ પોટી ન જતું હોય તો ઘણાં માતા-પિતા સમજે છે કે એને નક્કી કબજિયાત છે, પણ એવું હોતું નથી. દરેક માતા-પિતાએ કબજિયાત કોને કહેવાય એ સમજવું જરૂરી છે. જો બાળક અઠવાડિયામાં ૩ વારથી ઓછી વાર જતું હોય તો કહી શકાય કે એને કઈ પ્રૉબ્લેમ છે. આ પરિસ્થિતિ એક મહિનાથી સતત રહેતી હોય તો એમ માની શકાય. આ સિવાય એને પેટમાં દુખાવો રહેતો હોય, ભૂખ ન લાગતી હોય, મળ ખૂબ જ સખત હોય, મળ પાસ કરવામાં દુખાવો થતો હોય તો સમજી શકાય કે આ કબજિયાતનાં લક્ષણ છે. આ લક્ષણોને ધ્યાનથી સમજો. જો ન સમજાય તો એક વખત ડૉક્ટરને બતાવી દો. 
જે બાળકો બૉટલ ચૂસીને દૂધ પીવે છે એ બાળકોમાં કબજિયાત થવી ખૂબ કૉમન છે, કારણ કે બૉટલ ચૂસે એની સાથે-સાથે બૉટલમાંની ઘણી હવા પણ બાળક ચૂસી લે છે. આમ પેટમાં ગૅસ ભરાય છે જે પાચન પ્રક્રિયાને નડતરરૂપ છે. પાચનમાં તકલીફ કબજિયાત કરી શકે છે. નાનાં બાળકોને માતા-પિતા ફાઇબરયુક્ત ખોરાક બરાબર ખવડાવતા નથી. બાળક શાકભાજી અને ફળો પૂરતી માત્રામાં ખાય એ અત્યંત જરૂરી છે. મોટા ભાગનાં બાળકો ફળો અને શાકભાજી ન ખાતા હોય તો માતા-પિતા એને જૂસ બનાવીને આપે છે, પરંતુ જૂસમાં ફાઇબર્સ હોતા નથી એટલે એ ખાસ કામના નથી. તમે એને રાબ આપો. સૂપ આપો તો એ પણ થોડું જાડું આપો. ફ્રૂટની ચીર એને હાથમાં આપી દો. એને ખાવાની આદત પડશે અને ફાઇબર પણ જશે.

health tips columnists