મને હાઇપરટેન્શન છે એની કેમ ખબર પડે?

15 August, 2022 12:05 PM IST  |  Mumbai | Dr. Sushil Shah

શું મારે હવે બીપીની દવા ચાલુ કરવી જોઈએ? મને એ જણાવો કે હાઈ બીપી હોવાનાં લક્ષણો શું હોય? જો બીપી હોય અને દવા ન લઈએ તો શું થાય? આમ તો હું વધારાનું મીઠું લેતો નથી.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક

મારી ઉંમર ૫૪ વર્ષ છે. આમ તો મને હાઇપરટેન્શન નથી, પણ છેલ્લા થોડાઘણા દિવસથી ઘરમાં વસાવેલા ઇલેક્ટ્રૉનિક ડિવાઇસ વડે બીપી માપતાં સિસ્ટોલિક ૧૪૫થી ૧૫૦ અને ડાયસ્ટોલિક ૯૮થી ૧૩૫ સુધી આવે છે. તો શું હવે મને બીપી રહેવા લાગ્યું છે? શું મારે હવે બીપીની દવા ચાલુ કરવી જોઈએ? મને એ જણાવો કે હાઈ બીપી હોવાનાં લક્ષણો શું હોય? જો બીપી હોય અને દવા ન લઈએ તો શું થાય? આમ તો હું વધારાનું મીઠું લેતો નથી. ચાઇનીઝ ફૂડ કે બહારનું ફૂડ પણ ખાતો નથી. તો શું હમણાં થોડાક દિવસ મીઠું સાવ ઓછું કરીને ટ્રાય કરી જોઉં? 

તમારાં રીડિંગ્સ કહે છે કે તમને હાઇપરટેન્શન છે. આ રીડિંગ્સ નૉર્મલ નથી જ. જો તમારું સિસ્ટોલિક ૧૩૦થી ૧૩૯ની વચ્ચે છે અને ડાયસ્ટોલિક ૮૦થી ૮૯ વચ્ચે છે તો તમને હાઇપરટેન્શન છે. વળી આ રીડિંગ એક જ વાર આવે તો માની શકાય કે થોડું સ્ટ્રેસ થઈ ગયું હશે એટલે આવું રીડિંગ આવ્યું છે. તમે સતત ચાર-પાંચ દિવસ જુદા-જુદા સમયે આ રીડિંગ લો અને બધાં રીડિંગ્સ નોંધો. તમારો પ્રશ્ન જોતાં મને લાગે છે કે એ તમે કરી ચૂક્યા છો. ૧૪૫થી ૧૫૦ સુધીમાં જે રીડિંગ્સ આવે છે એ ઘણાં વધારે છે, જેમાં દવાની જરૂરિયાત છે જ. 
હાઇપરટેન્શન એક એવો રોગ છે જેનાં કોઈ લક્ષણો છે જ નહીં. એટલે જ એને સાઇલન્ટ કિલર કહે છે. જ્યારે તમે માપો ત્યારે જ ખબર પડે કે તમને હાઇપરટેન્શન છે કે નહીં. તમે માપ્યું એ સારું થયું, પરંતુ હવે દવા લેવામાં બિલકુલ ઢીલ કરવા જેવી નથી. વધારે મીઠું ખાવાથી જ હાઇપરટેન્શન થાય એવું નથી, પરંતુ મીઠું ઓછું કરવાથી ફાયદો તો થશે જ. ચાઇનીઝ અને બહારનું ફૂડ નથી ખાતા એ પણ સારી બાબત છે, પરંતુ આ બધા લાઇફસ્ટાઇલ સંબંધિત ફેરફારોથી હાઇપરટેન્શન એકદમ ઠીક થઈ જાય એવું નથી. એનાથી એને કાબૂમાં રાખી શકાય છે. દવાઓ તો લેવી જ પડે છે અને લેવી જ જોઈએ. નહીંતર હાઇપરટેન્શનને કારણે લોહીની નળીઓ પર સીધી અસર થાય છે. એને લીધે રેટિના, કિડની, હાર્ટ કે મગજ જેવાં અંગો અસરગ્રસ્ત થઈ શકે છે. ઘણા ઘાતક રોગો જેમ કે હાર્ટ-અટૅક કે બ્રેઇન સ્ટ્રોક માટે એ જવાબદાર બને છે. એને કારણે વ્યક્તિનું અંગ ફેલ પણ થઈ શકે છે. હાઇપરટેન્શન આવે એટલે દવાની છોછ રાખવાની જરૂર નથી. દવા તમને ભવિષ્યમાં હાઇપરટેન્શનને કારણે આવતી તકલીફોથી બચાવશે. એટલે એ તાત્કાલિક શરૂ કરો. 

health tips columnists