Health Funda: મોન્સૂનની શરૂઆત અને બદલાતા મોસમમાં તમારી હેલ્થનું આટલું ધ્યાન તો જરૂરી

27 June, 2026 10:28 AM IST  |  Mumbai | Dr. Rishita Bochia Joshi

Health Funda: મુંબઈમાં હવે ચોમાસાની પેટર્ન બદલાઈ રહી છે, જેની સીધી અસર આપણી રોગપ્રતિકારક શક્તિ (ઈમ્યુનિટી) અને પાચનતંત્ર પર પડે છે. આ બદલાતી ઋતુમાં તમારી હેલ્થ જાળવી રાખવા માટે શું કરવું તે જાણીએ ડૉ. રિશિતા બોચિયા જોષી પાસેથી

તસવીર ડિઝાઇનઃ કિશોર સોસા

સુંદર અને ટકાઉ ઘર બનાવવા મજબૂત પાયો, સારી અને યોગ્ય સામગ્રી તેમજ કુશળ કામદારોની જરૂર પડે છે તેમ આપણા શરીરનું સર્વાંગી સ્વાસ્થ્ય જળવાય તે માટે ખોરાક, કસરત અને મનની સ્વસ્થતા જરૂરી છે. ખોરાક આપણા શરીરને ઊર્જા આપે છે. નિયમિત કસરત શરીરને મજબૂત બનાવે છે, સાથે સાથે મનને તેજ અને તણાવમુક્ત રાખે છે. આમ સર્વાંગી સ્વાસ્થ્ય માટે તન અને મન બન્ને સ્વસ્થ હોવા ખૂબ જરુરી છે. સોશ્યલ મીડિયા જ્યારે આંગળીના ટેરવે છે ત્યારે સરળતાથી માહિતી મળી જાય કે, સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું ખાવું જોઈએ? ડાયટિંગમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું? કઈ કસરત કરવી જોઈએ? માનસિક શાંતિ માટે શું જરુરી છે? વગેરે વગેરે બધી જ માહિતી મળી જાય છે. પરંતુ વ્યક્તિ દીઠ દરેક બાબત જુદી-જુદી હોય છે. પણ સર્વાંગી સ્વાસ્થ્યને લગતી કેટલીક બાબતો બહુ કૉમન હોય છે. તમને મૂંઝવણ થતી હોય કે સુખાકારી અને સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું કરવું તો ગુજરાતી મિડ-ડે ડોટ કોમ તમારી માટે લઈને આવ્યું છે – ‘હેલ્થ ફંડા’ (Health Funda). જેમાં દર શનિવારે ‘હેલ્થ એન ફૂડવિલા’ (Health n Foodvilla)નાં ડાયટિશન અને ફૂડ ન્યુટ્રિશનિસ્ટ, હોલિસ્ટિક ફંક્શનલ હેલ્થ કૉચ ડૉ. રિશિતા બોચિયા જોષી (Dr. Rishita Bochia Joshi) ખોરાક, શારિરીક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્યને લગતા વિષયો પર આપણી સાથે વાત કરશે.

આજના ‘હેલ્થ ફંડા’ના એપિસોડમાં ડૉ. રિશિતા બોચિયા જોષી વાત કરે છે, મુંબઈમાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે છતા ગરમી અને બફારો કાયમ છે. ત્યારે આ વરસતા વરસાદ અને બદલાતી મોસમાં છત્રી જેટલી સાથે રાખવી જરુરી છે એટલું જ જરુરી છે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. તો આ ઋતુમાં હેલ્થ કરીએ તે સાચવવી તે સમજીએ…

મુંબઈગરાઓ માટે વરસાદનું આગમન માત્ર એક ઋતુ બદલાવા જેવું નથી, પણ એક આખો અહેસાસ છે – અસહ્ય ગરમી અને બફારાના દિવસો પછી આ વખતે તો મેઘરાજાની કાગડોળે રાહ જોવાઈ રહી હતી. અકળાવી મૂકે તેવી ગરમી અને અસહ્ય ઉકળાટના અઠવાડિયાઓ પછી, અને છેલ્લા એક દાયકાના સૌથી કોરાકટ જૂન મહિના બાદ, આખરે વરસાદ આવ્યો ખરો પણ મોડો અને એય પાછો ક્યાંક ધોધમાર તો ક્યાંક સાવ ઝરમર!

મોડું થયેલું આગમન, એકસાથે તૂટી પડતો વરસાદ અને પછી લાંબો ખેંચાઈ જતો કોરો સ્પેલ — હવામાનના આ બદલાતા મિજાજની સીધી અસર આપણું શરીર મૂંગા મોઢે સહન કરી રહ્યું છે. અને આની સૌથી મોટી અને પહેલી અસર જો ક્યાંય દેખાતી હોય, તો એ છે આપણી રોગપ્રતિકારક શક્તિ (ઈમ્યુનિટી) અને પાચનક્રિયા પર.

જ્યારે પણ હવામાન પલટો મારે છે ને, ત્યારે એની સૌથી પહેલી ખબર આપણા શરીરને પડે છે – ચોમાસા દરમિયાન હવામાં વધતો ભેજ, ઘડીકમાં ગરમી ને ઘડીકમાં ઠંડીનું આ તાપમાન અને દૂષિત પાણી, આ બધું ભેગું થઈને જાતજાતના ઈન્ફેક્શન માટે જાણે એક પરફેક્ટ પ્લેટફોર્મ તૈયાર કરી દે છે.

બાકી, ઈન્સ્ટાગ્રામની રીલ્સ તમને ગમે તેટલી સલાહો આપે, પણ ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કોઈ મોંઘી-દાટ ઈમ્પોર્ટેડ બેરીઝ કે વિદેશી પાવડરની બિલકુલ જરૂર નથી. આપણા પરંપરાગત ભારતીય રસોડામાં જ એ બધું જ હાજર છે, જેની તમારા શરીરને ખરેખર જરૂર છે.

શરૂઆત કરીએ સાવ સરળ નુસખાઓથી:

આદુવાળું ગરમ પાણી –

સવારે ઉઠીને માત્ર એક ગ્લાસ આદુવાળું નવશેકું પાણી પીવાથી તમારી પાચનક્રિયા સરસ રીતે એક્ટિવ થઈ જાય છે.

હળદરવાળું દૂધ –

રાત્રે સૂતી વખતે હળદરવાળું દૂધ પીવાથી શરીરનો સોજો (inflammation) ઉતરે છે અને ઈન્ફેક્શન સામે લડવાની તાકાત વધે છે.

પરંપરાગત ઉકાળો –

આદુ, મરી, તુલસી અને તજ જેવી ઘરગથ્થુ વસ્તુઓમાંથી બનેલો આપણો દેશી ઉકાળો એ માત્ર કોઈ અંધશ્રદ્ધા કે જૂની પુરાણી માન્યતા નથી, પણ સાયન્સ દ્વારા પ્રમાણિત થયેલું ઈમ્યુનિટી બૂસ્ટર છે.

ઋતુગત ફળો –

આ દિવસોમાં જાંબુ, દાડમ અને પપૈયા જેવા સિઝનલ ફળો ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. આ ફળો એન્ટીઑકિસડન્ટથી ભરપૂર હોય છે અને પેટ માટે પણ એકદમ હળવા રહે છે.

તાજો, ગરમાગરમ અને ઘરે રાંધેલો ખોરાક -

છેલ્લે, સૌથી સહેલો અને સસ્તો ઈલાજ - પણ સૌથી મહત્વની વાત જેની તરફ આપણું ધ્યાન જ નથી જતું – એ છે તાજો, ગરમાગરમ અને ઘરે રાંધેલો ખોરાક! ચોમાસામાં બહારનું સ્ટ્રીટ ફૂડ કે કાચું સલાડ ખાવાથી ઈન્ફેક્શનનું જોખમ સૌથી વધારે રહે છે, કારણ કે આ દિવસોમાં પાણી અને હવામાં બેક્ટેરિયા બહુ ઝડપથી ફેલાય છે.

હાઇડ્રેટેડ રહો -

અને હા, ચોમાસામાં શરીરને હાઇડ્રેટ રાખવાનું એટલે કે પૂરતું પાણી પીવાનું બિલકુલ ન ચૂકતા. આ ઋતુમાં પાચનની તકલીફોથી બચવા માટે શરીર માટે પાણી ખૂબ જ જરૂરી છે, અને ખાસ કરીને નવશેકું (હૂંફાળું) પાણી પીવાનો આગ્રહ રાખવો, જેથી ગળામાં કોઈ ઈન્ફેક્શન ન થાય અને ગળું એકદમ સાફ રહે.

મુંબઈગરાઓ કાયમ વરસાદ અને વરસાદની ઋતુની ઉજવણી કરશે જ અને દિલ ખોલીને તેને માણશે. પણ કદાચ હવે, સમય આવી ગયો છે કે આપણે વરસાદને માણવાની સાથે થોડું ધ્યાન પણ આપીએ — આપણા શરીરનો અવાજ સાંભળીને, આપણી આદતોને થોડી બદલીને અને ફરી એકવાર આપણા એ જ સાદા, સરળ અને સદાબહાર દેશી નુસખાઓ તરફ પાછા વળીને.

 

(શબ્દાંકનઃ રચના જોષી)

health funda dr rishita bochia joshi mumbai monsoon mumbai rains monsoon news healthy living health tips life and style lifestyle news columnists exclusive gujarati mid day rachana joshi