28 March, 2026 01:43 PM IST | Mumbai | Dr. Rishita Bochia Joshi
તસવીર ડિઝાઇનઃ કિશોર સોસા
સુંદર અને ટકાઉ ઘર બનાવવા મજબૂત પાયો, સારી અને યોગ્ય સામગ્રી તેમજ કુશળ કામદારોની જરૂર પડે છે તેમ આપણા શરીરનું સર્વાંગી સ્વાસ્થ્ય જળવાય તે માટે ખોરાક, કસરત અને મનની સ્વસ્થતા જરૂરી છે. ખોરાક આપણા શરીરને ઊર્જા આપે છે. નિયમિત કસરત શરીરને મજબૂત બનાવે છે, સાથે સાથે મનને તેજ અને તણાવમુક્ત રાખે છે. આમ સર્વાંગી સ્વાસ્થ્ય માટે તન અને મન બન્ને સ્વસ્થ હોવા ખૂબ જરુરી છે. સોશ્યલ મીડિયા જ્યારે આંગળીના ટેરવે છે ત્યારે સરળતાથી માહિતી મળી જાય કે, સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું ખાવું જોઈએ? ડાયટિંગમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું? કઈ કસરત કરવી જોઈએ? માનસિક શાંતિ માટે શું જરુરી છે? વગેરે વગેરે બધી જ માહિતી મળી જાય છે. પરંતુ વ્યક્તિ દીઠ દરેક બાબત જુદી-જુદી હોય છે. પણ સર્વાંગી સ્વાસ્થ્યને લગતી કેટલીક બાબતો બહુ કૉમન હોય છે. તમને મૂંઝવણ થતી હોય કે સુખાકારી અને સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું કરવું તો ગુજરાતી મિડ-ડે ડોટ કોમ તમારી માટે લઈને આવ્યું છે – ‘હેલ્થ ફંડા’ (Health Funda). જેમાં દર શનિવારે ‘હેલ્થ એન ફૂડવિલા’ (Health n Foodvilla)નાં ડાયટિશન અને ફૂડ ન્યુટ્રિશનિસ્ટ, હોલિસ્ટિક ફંક્શનલ હેલ્થ કૉચ ડૉ. રિશિતા બોચિયા જોષી (Dr. Rishita Bochia Joshi) ખોરાક, શારિરીક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્યને લગતા વિષયો પર આપણી સાથે વાત કરશે.
આજના ‘હેલ્થ ફંડા’ના એપિસોડમાં ડૉ. રિશિતા બોચિયા જોષી વાત કરે છે, હિબિસ્કસ ટી (જાસૂદના ફૂલમાંથી બનતી ચા) અને તેના ફાયદા.
આજના સમયમાં, દરેક વ્યક્તિ હંમેશા એક સુપરફૂડની શોધમાં હોય છે. પરંતુ દર વખતે સુપરફૂડ શોધવા માટે બહુ મહેનત નથી કરવી પડતી. એ સુપરફૂડ આપણી આસપાસના પદાર્થોમાં કે પછી પ્રકૃતિમાં જ હોય છે. - જેમ કે દેખાવમાં ઘેરા લાલ અને સ્વાદમાં સહેજ ખાટા હિબિસ્કસ (જાસૂદ)ના ફૂલ. તેના તેજસ્વી રંગ અને તાજગીભર્યા સ્વાદ માટે જાણીતા જાસૂદના ફૂલમાંથી બનતું એક લોકપ્રિય પીણું એટલે હિબિસ્કસ ટી (Hibiscus Tea). પરંપરાગત જાસૂદની ચા એટલે કે હિબિસ્કસ ટી અત્યારે મોર્ડન વેલનેસ વર્લ્ડમાં બહુ લોકપ્રિય થઈ રહી છે.
તાજેતરમાં, આધ્યાત્મિક લીડર સદગુરુ (Sadhguru)એ માર્ચ અને એપ્રિલ જેવા ઋતુ પરિવર્તન દરમિયાન હિબિસ્કસ ટી પીવાનું સૂચન કર્યું હતું. તેમણે ધ્યાન દોર્યું કે, હિબિસ્કસ ટી શરીરને શાંત કરવામાં મદદ કરે છે અને તેને ઠંડક આપે છે, જે બદલાતા હવામાન દરમિયાન શરીરના સુખાકારી માટે ઉપયોગી બને છે.
પરંતુ શું હિબિસ્કસ ટી ફક્ત એક ટ્રેન્ડ છે કે પછી શું તેના ખરેખર વિજ્ઞાન દ્વારા સમર્થિત સ્વાસ્થ્ય લાભો છે?!
હિબિસ્કસ ટી સૂકા હિબિસ્કસ ફૂલ (જાસૂદના ફૂલ)ની પાંખડીઓને ગરમ પાણીમાં પલાળીને બનાવવામાં આવે છે. આ કુદરતી રીતે બનતું કેફીન-મુક્ત પીણું છે જેનો સ્વાદ ક્રેનબેરી જેવો જ થોડો તીખો હોય છે. આ ચાનો સ્વાદ તો ઉત્તમ હોય જ છે, પણ તેમાંથી મળતા પોષક તત્વો પણ એટલા જ ગુણકારી હોય છે.
હિબિસ્કસ ટી વિટામિન સી અને એન્થોસાયનિન જેવા એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે. આ શરીરને નુકસાનથી બચાવવામાં, બળતરા ઘટાડવામાં અને એકંદર સ્વાસ્થ્યને ટેકો આપવામાં મદદ કરે છે.
હિબિસ્કસ ટીના સૌથી વધુ ચર્ચાસ્પદ ફાયદાઓમાંનો એક બ્લડ પ્રેશર પર તેની અસર છે. અભ્યાસો સૂચવે છે કે, નિયમિતપણે હિબિસ્કસ ટી પીવાથી હાઈ અને લો બ્લડ પ્રેશર બંને સ્તરો ઘટાડવામાં મદદ મળી શકે છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે સારું છે.
ખરાબ કૉલેસ્ટ્રોલ તરીકે ઓળખાતા LDL ને ઘટાડીને કૉલેસ્ટ્રોલ સુધારી શકે છે.
લીવરના સ્વાસ્થ્યને ટેકો આપે છે અને શરીરને વધુ સારી રીતે કાર્ય કરવામાં મદદ કરે છે.
વજન નિયંત્રણમાં મદદ કરી શકે છે.
પાચનમાં સુધારો કરે છે અને બ્લોટિંગ ઘટાડવામાં મદદ કરે છે.
આ ટીની હળવી મૂત્રવર્ધક અસર છે, જેનો અર્થ એ છે કે તે શરીરને વધારાનું પાણી દૂર કરવામાં મદદ કરે છે અને સરળ રીતે કુદરતી ડિટોક્સને ટેકો આપે છે.
આ ચાની સુંદરતા તેની સરળતામાં રહેલી છે.
સૌ પ્રથમ ઉકળતા પાણીમાં સૂકા હિબિસ્કસ (જાસૂદ)ની પાંખડીઓ ૧-૨ ચમચી ઉમેરો. પછી તેને ૫-૭ મિનિટ સુધી પલાળવા દો. ત્યારબાદ આ પાણીને ગાળી લો અને હિબિસ્કસ ટીનો ચુસકી લો.
વધારાના વિટામિન સી અને સારા સ્વાદ માટે લીંબુ ઉમેરી શકાય.
તાજા સ્વાદ માટે ફુદીનો ઉમેરી શકાય.
આદુ નાખવાથી પણ સારો સ્વાદ આવે છે.
વજન નિયંત્રણ અને કૉલેસ્ટ્રોલમાં મદદ કરવા માટે હિબિસ્કસ ટીમાં એક ચપટી તજ પાવડર ઉમેરી શકાય.
ગરમ ટી અથવા ઉનાળામાં આઇસ ટી તરીકે હિબિસ્કસ ટીનો વિકલ્પ એકદમ બેસ્ટ છે.
ભલે હિબિસ્કસ ટીના ઘણા ફાયદા છે, તે દરેક માટે યોગ્ય નથી.
જો તમે બ્લડ પ્રેશર અથવા કૉલેસ્ટ્રોલ માટે દવાઓ લઈ રહ્યા છો, તો હિબિસ્કસ ટી ટાળો અથવા મર્યાદિત કરો.
જો તમને પહેલાથી જ લો બ્લડ પ્રેશર હોય તો સાવચેત રહો.
જો તમે ગર્ભવતી હો તો હિબિસ્કસ ટીનું સેવન ટાળો.
જો તમને હર્બલ ટીથી એલર્જી હોય તો હિબિસ્કસ ટી ન પીવી.
તમારી દિનચર્યામાં હિબિસ્કસ ટી ઉમેરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી સારી છે.
આજની ફાસ્ટ લાઇફમાં જ્યાં આપણે કૃત્રિમ અને ઝડપી ઉકેલો પર વધુ પતી નિર્ભરતા રાખીએ છીએ ત્યારે, સમય જતાં ધીમું થવું અને કંઈક સરળ, કુદરતી અને વિશ્વસનીય પસંદ કરવું.
(શબ્દાંકનઃ રચના જોષી)