રોજ એક જ આઇટમ ખાવાનું હેલ્ધી છે ખરું?

24 September, 2019 03:12 PM IST  |  મુંબઈ | સેજલ પટેલ

રોજ એક જ આઇટમ ખાવાનું હેલ્ધી છે ખરું?

ખિચડી

ઘણા લોકો સિમ્પલ લાઇફના નામે રોજ સાંજે ખીચડી અથવા સૅન્ડવિચ અથવા શાક-ભાખરી જ ખાવાનું પસંદ કરે છે. ભલે કદાચ તેમણે જે એક વાનગીની પસંદગી કરી છે એ દેખીતી રીતે તો સ્વાસ્થ્યપ્રદ હશે છતાં શરીરને પોષણ આપવાની બાબતમાં એ આદત નબળી પુરવાર થઈ શકે છે, એટલું જ નહીં, એનાથી શરીરમાં પૂરતા પોષણનો અભાવ જન્મી શકે છે.

જેમ સ્વસ્થ રહેવા માટે જન્ક-ફૂડ, ફાસ્ટ-ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડને તિલાંજલિ આપવી જરૂરી છે એમ હેલ્ધી ફૂડ તમારા ડેઇલી ડાયટમાં ઉમેરાય એ પણ એટલું જ મહત્વનું છે. હેલ્ધી ફૂડ કોને કહેવાય એ બાબતે હવે તો ઘણી જાગૃતિ ફેલાઈ રહી છે એટલે લોકો ઘરે બનાવેલું, સાદું અને સિમ્પલ ફૂડ વધુ પ્રીફર કરે છે. જોકે ઘર કા ખાનાની વાત આવે ત્યારે બીજી એક કૉમન ભૂલ એ થઈ રહી છે એક જ ડિશ પર ભારોભાર પસંદગી ઢોળી દેવાની.

ખાવામાં સાદગીના નામે લોકો રોજ એક જ વાનગી બનાવીને ખાય છે. જેમ કે ઘણી વાર જોવા મળ્યું છે કે કેટલાક લોકો રોજ સાંજે ખીચડી જ ખાય. એક જ ટાઇપના ચોખા અને મગની ફોતરાવાળી દાળમાંથી બનેલી ખીચડીમાં એક ચમચી ઘી રેડીને તેઓ ખાઈ લે. આમ જોવા જઈએ તો ખીચડી એ કમ્પ્લીટ પોષણ આપતી ડિશ છે, પણ શું રોજ આ જ પ્રકારની ખીચડી ખવાથી હેલ્ધી રહેવાય? અમુક ઉંમરલાયક લોકોને તો રોજ સાંજે ભાખરી-શાક જ જોઈએ. શાકમાં પણ વરાઇટી ન ચાલે. દૂધી-બટાટા કે કાંદા-બટાટા જ જોઈએ. હેલ્ધી બ્રેકફાસ્ટ જ ખાવા માગતા લોકો સવારે દૂધ અને ખાખરા કે રવા ટોસ્ટ જ ખાઈ લેતા હોય છે. નવી જનરેશન વળી રાતનું ભોજન લાઇટ હોવું જોઈએ એવું માનતી હોવાથી સાંજે બ‍્રાઉન બ્રેડની એક સૅન્ડવિચ ખાઈને પેટ ભરી લે છે. આપણને લાગે કે કદીયે બહારનું ખાવાનું નહીં ખાતા અને કોઈ એક જ હેલ્ધી વાનગી પ્રત્યે આટલો લગાવ ધરાવતા લોકોની ફૂડ-હૅબિટ ઘણી જ સ્વસ્થ કહેવાતી હશે. જોકે એવું માની લેવું ઠીક નથી એમ જણાવતાં જુહુનાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘યસ, જે લોકો જીભના ચટાકા માટે જન્ક, પ્રોસેસ્ડ અને ફાસ્ટ-ફૂડ ખાતા હોય છે એની સરખામણીએ ઘરનું ખાવાનું પસંદ કરતા અને સિમ્પલ ફૂડ-હૅબિટ રાખનારા લોકો વધુ સ્વસ્થ હોય છે. જોકે શરીરની રોજિંદી જરૂરિયાત પૂરી કરવા માટે રોજ એક જ ફૂડ-આઇટમ ખાવા જેટલું સિમ્પ્લીસ્ટિક રૂટીન બનાવી દેવું એ પણ થોડું અનહેલ્ધી તો છે જ. ફૂડ જેટલું નૅચરલ ફૉર્મમાં હોય અને આપણી જૂની રેસિપીને ધ્યાનમાં રાખીને બનેલું હોય તો એ સારું જ છે, પરંતુ એક જ પ્રકારનું ફૂડ ખાવાથી શરીર અમુક જ પ્રકારે કામ કરવા માટે ટેવાઈ જાય છે અને અમુક ચોક્કસ પ્રકારનાં જ પોષક તત્ત્વોની પૂર્તિ થાય છે.’

માઇક્રો ન્યુટ્રિયન્ટ્સની કમી થાય

રોજ એક જ પ્રકારનું ફૂડ ખાવાથી ક્યારેક નુકસાન પણ થઈ શકે છે એમ સમજાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘આપણા શરીરને જે પોષક તત્ત્વોની જરૂર હોય છે એ પાંચ બેઝિક ગ્રુપમાં છે. કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન્સ અને મિનરલ્સ. કુદરતી રીતે મળતી ચીજોમાં આ પાંચેય બેઝિક ચીજોનું વૈવિધ્યસભર કૉમ્બિનેશન હોય છે. કોઈ એક જ અનાજ, દાળ, શાક કે ફળમાં જરૂરી બધું જ સમાવિષ્ટ થઈ જતું હોય એવું નથી. તમારા શરીરની જરૂરિયાત મુજબ તમારે વિવિધ ચીજોનું કૉમ્બિનેશન કરીને સંતુલિત પોષણ શરીરને આપવાનું છે. જો તમે કોઈ એક જ ફૂડ-ગ્રુપની ચીજો અને એ જ ગ્રુપની અન્ય ચીજોને સાવ જ અવગણો તો તમને ચોક્કસ પોષક તત્ત્વો જ મળશે અને અમુક ન્યુટ્રિયન્ટ્સની ઊણપ પેદા થઈ શકે છે. આ ઊણપ સૂક્ષ્મ અને અતિસૂક્ષ્મ માત્રામાં જરૂરી વિટામિન્સ અને મિનરલ્સની હોય છે. આ ડેફિશ્યન્સી ઘણી વાર શરૂઆતના તબક્કામાં ખબર પણ નથી પડતી, પરંતુ બૉડીને એ ધીમે-ધીમે નિષ્ક્રિય કરે છે.’

વેઇટ-લૉસની પ્રક્રિયા ધીમી પડે

સિમ્પલ ફૂડ-હૅબિટ્સ કેળવીને એક જ વાનગી રોજ ખાવાની આદતના સહારે જો તમે વેઇટ-લૉસ કરવાની ઇચ્છા ધરાવતા હો તો એમાં પણ તકલીફ પડશે. ભલે તમે બૉડી માટે હાનિકારક એવું કશું જ નથી ખાતા, પરંતુ એમ છતાં બૉડીને એની આદત પડી જશે. એ વિશે વાત કરતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘આપણું શરીર નાનું બેબી જેવું છે. એને ટ્રેઇન કરવું જરૂરી છે. બાકી જો એક જ પ્રકારની આદત કેળવો તો એને એની આદત જ પડી જાય. એક જ વાનગી ખાનારા લોકોમાં પણ એવું જ જોવા મળ્યું છે કે એનાથી શરૂઆતમાં બે-અઢી કિલો વજન સરળતાથી ઘટી જાય, પણ પછી વજન ઘટે જ નહીં. તમે ક્વૉન્ટિટી ઘટાડો તો પોષણ ઘટશે અને વેઇટ-લૉસની સાથે કુપોષણ પેદા થશે. એને બદલે બૉડીને ક્રૉસ-ટ્રેઇન કરવું જરૂરી છે. મેનિપ્યુલેટ કરીને મેટાબૉલિઝમને સતત સતેજ રાખવી જરૂરી છે. એક જ પ્રકારનું અનાજ અથવા દાળ તમે ખાતા રહેશો તો શરીરમાં પેદા થતાં એન્ઝાઇમ્સ પણ નથી વપરાતાં. પાચન અને પોષક તત્ત્વોના શોષણ સાથે સંકળાયેલા બાઇલ જૂસ કે ઇન્સ્યુલિન જેવાં એન્ઝાઇમ્સ પેદા થાય છે. દરેક કેમિકલનો પોતાનો રોલ છે. તમે માત્ર પ્રોટીન જ ખાશો તો કાર્બોહાઇડ્રેટને પચાવનારા એન્ઝાઇમ્સ સૂતાં રહેશે અને માત્ર કાર્બોહાઇડ્રેટ જ ખાશો તો પ્રોટીનનાં એન્ઝાઇમ્સ સૂતેલાં રહેશે. આપણી બૉડી પાસે બધું જ છે. એને ઓવરયુઝ પણ ન કરવું અને અન્ડરયુઝ પણ નહીં. સિમ્પલ અને વન ફૂડ મેન્યૂથી તમે લાંબા ગાળા સુધી વેઇટ-લૉસનો ગોલ અચીવ નથી કરી શકતા અને શરીરની સિસ્ટમ એક ચોક્કસ તબક્કે સ્થિર થઈ જાય છે.’

વરાઇટીની પાછળ વિજ્ઞાન

કુદરતે હજારો ચીજ ખાવાલાયક બનાવી છે અને એ ચીજો ઊગવાનું પણ કુદરત જ કન્ટ્રોલ કરે છે. અમુક જ સીઝનમાં અમુક ફળ અને શાકભાજી ઊગે છે. ભલે હવે આપણે કુદરતને પડકારીને દરેક સીઝનમાં બધું જ મેળવતા થઈ ગયા છીએ.

કોલ્ડ-સ્ટોરેજમાં રાખેલી કેરીઓ તમે ઠંડીની સીઝનમાં પણ ખાઓ તો એ ખોટું છે, પણ ઉનાળામાં તાજી પેદા થયેલી કેરીઓ ન ખાવી એ પણ ઠીક નથી. નેચરની વરાઇટી પાછળનું વિજ્ઞાન ઊંડું છે જે સમજવું જોઈએ એમ જણાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘વરાઇટી અને ચોક્કસ ચીજોનું કૉમ્બિનેશન એ રસોઈકળાનું બહુ મહત્વનું પાસું છે. પહેલાં ગુજરાતી ઘરોમાં દરેક વાર મુજબ મેન્યૂ બનતા. જેમ કે સોમવારે તુવેરની દાળ, મંગળવારે મગની દાળ, બુધવારે મગ, ગુરુવારે ચણાની દાળ, શુક્રવારે કઢી અને શનિવારે અડદની દાળ. રવિવાર એક છુટ્ટો રાખવાનો અને એમાં મનમરજી થાય. બીજું, તમે જોશો તો એમાં કૉમ્બિનેશન પણ ફિક્સ રહેતાં. જેમ કે કઢી બનાવો તો સાથે મગની લચકો દાળ બને. અડદની દાળ બનાવો તો એમાં લસણ-હિંગનો વઘાર અચૂક હોય. આ બધું ચીજોને સુપાચ્ય અને બેસ્ટ પોષક તત્ત્વો શરીરને મળી રહે એ માટેનું જ વિજ્ઞાન છે.’

આ પણ વાંચો : સ્માર્ટફોનથી આંખો શુષ્ક બની જાય છે, સર્વેમાં આવ્યો ચોકાવનારો ખુલાશો

દરેક ચીજની ખાસિયતનો ઉપયોગ

દરેક ફૂડ ઇન્ગ્રેડિયન્ટની ચોક્કસ ખાસિયત છે. ચોખામાંથી પણ કાર્બોહાઇડ્રેટ મળે અને ઘઉંમાંથી પણ. જોકે એ ઉપરાંત જે માઇક્રો અને મેક્રો ન્યુટ્રિયન્ટ્સની વરાઇટી બન્નેમાં છે એનો લાભ લેવા માટે તમારે રોજિંદા જીવનમાં બન્ને ચીજોનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવો જ જોઈએ. દરેક ફૂડ-ગ્રુપમાં વરાઇટીનો ઉપયોગ સંતુલિત પોષણની ચાવી છે એમ સમજાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘ફળો અને શાકભાજીમાં પણ વરાઇટી એટલે જ મહત્વની છે. સફરજન પણ ફ્રૂટ છે જ, પણ તમે રોજ એક જ સફરજન ખાઈને સૂક્ષ્મ પોષક તત્ત્વોની પૂર્તિ નહીં કરી શકો. તમારે સીઝનલ ફળ અને સીઝનલ શાકભાજી તમારી થાળીમાં ઉમેરવાં જ પડશે.’

સિમ્પલ વન-ફૂડના ગેરફાયદા

ચોક્કસ પોષક તત્ત્વોની ઊણપ પેદા થઈ શકે

પાચનક્ષમતા નબળી પડે અને આંતરડાંમાં હેલ્ધી બૅક્ટેરિયાની કમી થઈ શકે

અમુક જ ચીજ રોજ ખાવાથી ક્યારેક ચોક્કસ પોષક તત્ત્વોનો ઓવરડોઝ થઈ જાય

ખાવાનું તમારા માટે સંતોષજનક અને આનંદદાયી ન રહેતાં રૂટીન બની જાય

વજન ઘટવાની પ્રક્રિયા સ્થગિત થઈ જાય

health tips