આપણે જે કાંઈ ખાઈએ છીએ એ કેટલું સેફ છે?

07 June, 2019 07:30 PM IST  |  મુંબઈ | સેજલ પટેલ

આપણે જે કાંઈ ખાઈએ છીએ એ કેટલું સેફ છે?

આપણે જે કાંઈ ખાઈએ છીએ એ કેટલું સેફ છે

બૅક્ટેરિયા, વાઇરસ અને હાનિકારક કેમિકલ્સનો રાફડો ફાટેલો હોય એવા ભેળસેળિયા ખોરાકનું પ્રમાણ ચોતરફ વધી રહ્યું છે ત્યારે તમે મોંમાં જેકાંઈ નાખો છો એ માટે આ સળગતો પ્રશ્ન થાય છે. માત્ર ખોરાક મળે એટલું પૂરતું નથી; એ ખોરાક પોષણયુક્ત, શુદ્ધ અને સેફ હોય એ પણ એટલું જ જરૂરી છે એ બાબતે જાગૃતિ લાવવા યુનાઇટેડ નેશન્સ દ્વારા પહેલવહેલી વાર વૈશ્વિક ફૂડ સેફ્ટી દિવસની ઉજવણીનું આયોજન થયું છે.

એક તરફ ભારતમાં ૧૫ ટકા એટલે કે લગભગ ૧૯.૬૦ કરોડ લોકો લિટરલી ભૂખમરો વેઠે છે જ્યારે બીજી તરફ જેમને ખોરાક મળે છે તેઓ એ ખોરાકને કારણે માંદા પડી શકે એવી સંભાવના પણ બહુ ઊંચી છે. સરકાર મિડ-ડે મીલ સ્કીમ દ્વારા ૧૨ કરોડ બાળકોને એક ટંકનું ભોજન આપે છે, પરંતુ તેમને જે મીલ મળે છે એની ક્વૉલિટીનાં કોઈ ઠેકાણાં નથી હોતાં. માત્ર ભારતની જ વાત નથી, વૈશ્વિક સ્તરે ફૂડની ક્વૉલિટી, સ્વચ્છતા અને સેફ્ટીના હાલહવાલ કંઈ બહુ સારા નથી. વર્લ્ડ બૅન્કે તાજેતરમાં બહાર પાડેલા એક રિપોર્ટ મુજબ ભારતમાં ફૂડ બોર્ન ડિસીઝને કારણે વર્ષે લગભગ ૧,૭૮,૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે જે દેશની જીડીપીના લગભગ ૦.૫ ટકા જેટલો હિસ્સો છે.

૨૦૧૧ની સાલમાં વિવિધ પ્રકારનાં ફૂડ બોર્ન ડિસીઝના ૧૦૦ મિલ્યન કેસ નોંધાયા હતા જે ૨૦૩૦ સુધીમાં ૧૫૦થી ૧૭૭ મિલ્યન કેસને આંબે એવી સંભાવના જતાવાઈ રહી છે. પૂરતો ખોરાક ન મળતો હોવાની સમસ્યા તો ભારત સામે મોં ફાડીને ઊભી જ છે, પણ જે ખોરાક મળે છે એ પણ શુદ્ધ, સ્વચ્છ અને સેફ ન હોવાથી અનેક રોગ પેદા થાય છે. બૅક્ટેરિયા, પૅરેસાઇટ્સ, વાઇરસ અને હાનિકારક કેમિકલ્સનો ભરપૂર મારો ખોરાકમાં હોવાથી સૌથી વધુ ગૅસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ટ્રૅકના રોગ થાય છે.

રોજિંદા ખોરાકની ચિંતા

જે ચીજો આપણે રેગ્યુલર બેઝિસ પર ખાઈએ છીએ એમાં ભેળસેળનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. તમે દૂધ લેવા જાઓ તો ચિંતા રહે કે એ શુદ્ધ હશે કે યુરિયાવાળું? તમે બ્રેડ લેવા જાઓ તો ડર રહે કે એમાં બ્રોમાઇડ વધુ હશે તો? મીઠાઈ ખરીદો તો એમાં રિયલ માવો કે રિયલ ડ્રાયફ્રૂટ્સ હશે કે નહીં? હોટેલ કે નાની ઇટરીમાં ખાવા જાઓ તો ત્યાંની વાનગીઓ શુદ્ધ પાણીમાં બની હશે કે નહીં? જેવા અનેક સવાલ થાય. અરે, શાકભાજીવાળા પાસેથી હેલ્ધી કહેવાય એવાં ફળો અને શાકભાજી લો છો ત્યારે પણ એ કેમિકલયુક્ત નહીં હોય એની કોઈ ગૅરન્ટી નથી હોતી. તો શું ખોરાક શુદ્ધ અને સેફ મળે એ માટે કંઈ થઈ શકે એમ નથી?

ફૂડ ઍન્ડ ડ્રગ સેફ્ટી ઍડનિસ્ટ્રેશનનાં મહારાષ્ટ્ર રાજ્યનાં કમિશનર ડૉ. પલ્લવી દરાડે લોકોની ચિંતાને વાચા આપતાં કહે છે, ‘આપણા દેશમાં બહુ મોટી સંખ્યામાં લોકો ખોરાક અને પોષણથી વંચિત છે અને સબસ્ટાન્ડર્ડ ફૂડ ક્વૉલિટીને કારણે માંદા પડે છે ત્યારે આવા ફૂડ સેફ્ટી જાગૃતિની બહુ તાતી જરૂરિયાત છે. જોકે એકલદોકલ દિવસથી એ કામ નથી થવાનું.

ફૂડ સેફ્ટી બાબતે માત્ર નિયમો બનાવવાથી કામ નહીં થાય એ માટે આખી પ્રોડક્શન ચેઇનને સુધારવી પડે. જે રીતે ખોરાક પેદા થાય છે એ ખેતરથી લઈને એનું પ્રોસેસિંગ, સ્ટોરેજ, ડિસ્ટ્રિબ્યુશન, લોકલ પ્રિપરેશન અને ડિસ્ટ્રિબ્યુશન એ તમામ તબક્કાઓમાં ધ્યાન રખાવું જરૂરી છે.’

સૌથી પહેલી ખેતી

હેલ્ધી ફૂડ-હૅબિટમાં ગ્રીન પાંદડાંવાળાં શાકભાજી અને ફળોનો સમાવેશ કરવો જોઈએ એ બાબતે જાગૃતિ આવી રહી છે, પરંતુ સૌથી મોટી ચૅલેન્જ નૅચરલ ચીજોને જાળવી રાખવાની છે એમ જણાવતાં ડૉ. પલ્લવી દરાડે કહે છે, ‘એ વાત સાચી છે કે ભારતના એકએક જીવને ખાવા માટે પૂરતો ખોરાક મળે એ જરૂરી છે. એ માટે ખેતીનું ઉત્પાદન વધારવું પણ પડશે. જોકે એ માટે જે હદે ફર્ટિલાઇઝર્સનો ઉપયોગ કરવામાં આવે છે એ હાનિકારક છે.

ખેતી માટે અસ્વચ્છ પાણીનો ઉપયોગ થાય છે અને રાસાયણિક ખાતર બેફામ વપરાય છે એ અનાજ, કઠોળ, શાકભાજી, ફળો, તેલીબિયાં એમ પ્રાથમિક ચીજોને જ બગાડી મૂકે છે. ફૂડ-સેફ્ટીની ચેઇન છેક ખેતરથી શરૂ કરવી પડશે. અમે આ માટે ઍગ્રિકલ્ચરલ ડિપાર્ટમેન્ટ સાથે વાતચીત કરી રહ્યા છીએ કે ખેડૂતોને કઈ રીતે એજ્યુકેટ કરી શકાય. ઓછાં રસાયણો વાપરીને વધુ સારું ઉત્પાદન મેળવવાની ટેક્નિક ઑલરેડી છે જ, પણ અંતરિયાળ ગામોના ખેડૂતોને એ સમજાવવી જરૂરી છે. વધુપડતા રસાયણોના ઉપયોગને કારણે ખેડૂતોને પણ નુકસાન થાય છે અને ગ્રાહકોને પણ.’

ભેળસેળ અને નકલી માલ

ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન દ્વારા દર વર્ષે કરોડો રૂપિયા સંશોધન માટે ફાળવવામાં આવે છે જેથી દરેક પ્રોડક્ટ્સમાં સ્વાસ્થ્યને હાનિકારક ન હોય એવાં પરમિટેબલ કેમિકલ્સની માત્રા નક્કી કરવામાં આવે છે. બ્રૅન્ડેડ અને મોટી ઉત્પાદક કંપનીઓ જો આ ધારાધોરણોને ન અનુસરે તો તેમના પર ડાયરેક્ટ ઍક્શન લેવાનું અમારા માટે સરળ છે, પણ સમસ્યા નાના-નાના ફૂટી નીકળેલા ધંધાઓમાં થાય છે એમ જણાવતાં ડૉ. પલ્લવી દરાડે કહે છે, ‘અમારા માટે દરરોજની ચૅલેન્જ હોય છે કે ખોરાકમાં ભેળસેળ કરવાના ગોરખધંધાઓને પકડવા કઈ રીતે? આપણે ત્યાં થોડા પ્રૉફિટ માટે લોકો કંઈ પણ કૉમ્પ્રોમાઇઝ કરવા તૈયાર થઈ જાય છે. મોટા ભાગે આ બધી ચીજો અનઑર્ગેનાઇઝ્ડ રીતે સ્લમ્સ, નાની ખોલીઓ કે શહેર-ગામથી દૂર અંતરિયાળ વિસ્તારોમાં થતી હોય છે. હમણાં જ અમે મુંબઈમાં એક બટર બનાવતી ફેક ફૅક્ટરીમાં ૧૦૦૦ કિલો બટર પકડ્યું. આ કંપની એક બ્રૅન્ડના નામે અડધા ભાવે આ બટર વેચતી હતી. ખૂમચા-લારીવાળાઓ અને રેસ્ટોરાંઓવાળાઓને એ સસ્તું પડતું હોવાથી એને ગ્રાહકો શોધવા જવા પડતા નહોતા. એનો ધંધો પણ બેફામ ચાલતો હતો. આવા ધંધાથી મોટી બ્રૅન્ડની પણ ઇમેજ જોખમાય અને સામાન્ય નાગરિકોનું સ્વાસ્થ્ય પણ બગડે. હવે જે હદે લોકો ચોરીછૂપીથી આવી ભેળસેળિયા પ્રવૃત્તિઓમાં લાગી પડ્યા છે એમાં અમારા વિજિલન્ટ ઑફિસરોની ટીમ પણ ઓછી પડે છે.’

લોકોનો સહકાર બહુ જરૂરી

સરકાર કાયદા બનાવે છે, પણ વેપારીઓ અને આમજનતા એ કાયદાનું પાલન કરે એ પણ એટલું જ જરૂરી છે. રોજિંદા ખોરાકની સેફ્ટીની વાત એટલી કૉમ્પ્લેક્સ છે કે એ માટે એકસાથે હજાર ફ્રન્ટ પર જાગરૂક રહેવું પડે છે. ઍડલ્ટરેશન અટકાવવા માટે અમારા ઑફિસર્સની ટીમ સતત શંકાસ્પદ જગ્યાઓએ રેઇડ પાડીને કન્ટ્રોલ કરવાની કોશિશ કરે છે, પણ એમાં પબ્લિકનો સાથ મળે એ બહુ જરૂરી છે એમ જણાવતાં ડૉ. પલ્લવી દરાડે કહે છે, ‘લોકો સસ્તું મેળવવા માટે હલકી ક્વૉલિટીને પ્રમોટ કરે છે એને કારણે ભેળસેળવાળી ચીજોનું માર્કેટ વધતું જાય છે. ભલે બે રૂપિયા વધારે ખર્ચવા પડે, પણ સારી ક્વૉ‌લિટીનું અને જેને એફડીએ દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું છે એવી ચીજો જ વાપરવાનો આગ્રહ રાખે તો આપમેળે ખોટા અને ગોરખધંધા કરનારાઓનો વેપાર બંધ થઈ જાય. વેપારીઓ પૈસા બનાવવામાં અને ગ્રાહકો પૈસા બચાવવામાં લાગે છે ત્યારે સોસાયટી તરીકે આપણે શું ગુમાવીએ છીએ એ બાબતે જાગરૂક થવું જરૂરી છે.’

આ પણ વાંચો : વિશ્વમાં 43.2 ટકા મહિલાઓમાં ડિપ્રેશનના લક્ષણો હોય છે

સ્કૂલ-કૉલેજમાં ‘ઇટિંગ રાઇટ’ કૅમ્પેન

મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા ફૂડ સેફ્ટી દિવસ નિમિત્તે એક ખાસ ઇનિશ્યેટિવ શરૂ કરવામાં આવ્યો છે. એ વિશે વાત કરતાં ડૉ. પલ્લવી દરાડે કહે છે, ‘સ્કૂલ અને કૉલેજોમાં આપણી નેક્સ્ટ જનરેશન તૈયાર થઈ રહી છે. હેલ્ધી અને ન્યુટ્રિશનવાળા ફૂડની ચૉઇસ કરવાના મામલે બાળકો અને યંગસ્ટર્સ પુઅર છે. તેમનો ઇટિંગ રાઇટનો અભિગમ કેળવાય એ માટે અમે આખા રાજ્યની સ્કૂલ અને કૉલેજોને સામેલ કરતો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જે સ્કૂલ-કૉલેજોમાં કૅન્ટીન ચાલે છે ત્યાં એક ખાસ ફૂડ-કમિટી હોવી જોઈએ જેમાં તેમણે ન્યુટ્રિશનિસ્ટ કે ડાયટિશ્યનનો પણ સમાવેશ કરવો. જન્ક-ફૂડને બદલે નવું, હેલ્ધી અને ટેસ્ટી મેન્યૂ બનાવવું જે બાળકોને ભાવે પણ ખરું અને તેમના સ્વાસ્થ્ય માટે સારું પણ હોય. અમે ૩૦ પાનાંની એક ગાઇડલાઇન તૈયાર કરી છે જેમાં હાઇજીનથી માંડીને ન્યુટ્રિશનને લગતાં ધારાધોરાણો છે. પહેલા બે મહિનામાં બધી જ સ્કૂલો સ્થાનિક ધોરણે પોતાની રીતે નવું મેન્યૂ તૈયાર કરે અને બીજા બે મહિનામાં એનું અમલીકરણ કરે. આ પ્રોજેક્ટ ૬ મહિનાનો છે જેમાં મોટા ભાગની સ્કૂલ-કૉલેજોમાં હેલ્ધી અને રાઇટ ઇટિંગની શરૂઆત કરવામાં આવશે.’

health tips