બગાસું માત્ર ઊંઘ આવવાની નિશાની છે કે પછી બીજું કંઈ?

19 September, 2019 03:19 PM IST  |  મુંબઈ | દર્શિની વશી

બગાસું માત્ર ઊંઘ આવવાની નિશાની છે કે પછી બીજું કંઈ?

સરફરાઝ

હજી થોડા મહિના પહેલાંની જ વાત છે, જ્યારે પાકિસ્તાની ક્રિકેટર સરફરાઝ એક ચાલુ ક્રિકેટ મૅચમાં બગાસું ખાઈ લેતાં ટીકાનો ભોગ બન્યો હતો. એટલું જ નહીં, બગાસું ખાતા ફોટોના પણ કેટકેટલા મીમ્સ બન્યા હતા. આપણે લાંબે જવાની પણ જરૂર નથી. આપણા દેશની જ વાત કરીએ તો કેટલાય મોટા ગજાના પૉલિટિશ્યન્સ પણ ચાલુ સંસદે બગાસું ખાતા જોવા મળ્યા છે. ખેર, બગાસું ખાવું એ ગુનો નથી, પરંતુ બગાસું ખાવું એટલે કંટાળો આવવો, ઊંઘ આવવી એવો વિચાર લોકમાનસમાં ઠસી ગયો છે જેને લીધે બગાસું એ બકાસુર નામક રાક્ષસ જેવું બની ગયું છે, પરંતુ કેટલાંક રિસર્ચ મુજબ બગાસું ખાવાનો અર્થ માત્ર આળસ કે ઊંઘ આવવાની નિશાની હોતી નથી. એની પાછળ ઘણાં મેડિકલ કારણો પણ હોઈ શકે છે. શું છે આ મેડિકલ કારણો? શા માટે બગાસાં આવે છે? જો બગાસાં ન આવે તો શું થઈ શકે અને વધારે આવે તો શું સમજવું વગેરે અનેક પ્રશ્નોના જવાબ આજે જાણીશું.

બગાસું કેમ આવે છે એના વિશે આજ સુધી કોઈ વૈજ્ઞાનિક ઠોસ રીતે જાણી શક્યા નથી. કંટાળો આવે, થાક લાગે, ઊંઘ આવે, ઠંડું વાતાવરણ હોય અથવા તો બીજાને બગાસાં ખાતાં જોઈને પણ બગાસાં આવવાં માંડે છે. એક સંશોધન પ્રમાણે બગાસાંને લઈને અત્યારે બે થિયરી ફરે છે. એક થિયરી મુજબ ઍર કન્ડિશન્ડ અથવા ઠંડીના વાતાવરણમાં બગાસાં વધુ આવે છે તેમ જ આપણે જ્યારે થાકી જઈએ છીએ કે કંટાળી જઈએ છીએ ત્યારે મગજનું તાપમાન ઘણું ઊંચું જતું રહે છે જેને ઠંડું કરવા માટે બગાસાં આવે છે. બગાસાં થકી બહારની ઠંડી હવા અંદર જાય છે અને મગજ ઠંડું થઈ ફરી કાર્યરત થવા લાગે છે. જ્યારે બીજી થિયરી મુજબ, આ એક ગાડરિયો પ્રવાહ છે એટલે કે ચેપી છે. આપણા બ્રેઇનમાં મિરર ન્યુરો કોશિકાઓ આવેલી હોય છે જે અન્ય લોકોના હાવભાવ અને રીતભાવને કૉપી કરતી હોય છે જેને લીધે કોઈને બગાસાં ખાતાં જોતાં વેંત જ બગાસાં આવવાનાં ચાલુ થઈ જાય છે. આ બે થિયરી સુધી તો ઠીક છે, પરંતુ કેટલાંક રિસર્ચમાં એવું પણ તારણ કાઢવામાં આવ્યું છે કે જેને વધારે પડતાં બગાસાં આવતાં હોય તેને શરીરમાં કેટલીક તકલીફો હોઈ શકે છે. આ બગાસાં માણસને એનો સંકેત આપે છે.

વધુ બગાસાં આવવાંથી નુકસાન થાય?

ફૅમિલી ફિઝિશ્યન ડૉ. સંદીપ મહેતા કહે છે, ‘બગાસું આવવું એક નૅચરલ ક્રિયા છે. મગજમાં ઑક્સિજનનો ફ્લો ઘટી જાય અને કાર્બન ડાયોક્સાઇડ વધી જાય ત્યારે શરીર બગાસાં મારફતે બહારથી વધારાનો ઑક્સિજન અંદર લે છે. બગાસું પણ શરીરની અન્ય પ્રક્રિયાની જેમ સામાન્ય પ્રક્રિયા છે, પરંતુ જ્યારે ઑક્સિજન ઘણો ઓછો થઈ જાય ત્યારે ઉપરાઉપરી ઘણાં બગાસાં આવે છે. ઘણી વખત વિટામિન કે જરૂરી તત્ત્વોની ઊણપને લીધે પણ બગાસાં વધારે આવે છે. આ સિવાય બગાસું એક સાઇકોલૉજિકલ બીમારી પણ છે જે એકને જોઈને બીજાને આવે છે. આમ તો વધુ પડતાં બગાસાંને લીધે ગંભીર બીમારી થઈ હોવાનાં કોઈ પ્રૂફ હજી સુધી સામે આવ્યાં નથી, પરંતુ ઘણી વખત અમુક બીમારીના સંકેતો પણ વધુ પડતાં બગાસાંને લીધે મળી જતા હોય છે.’

બગાસાંને મગજ અને હૃદય સાથે શું સંબંધ?

શ્વાસ મારફતે લીધેલા ઑક્સિજનનો લગભગ ૧૫ ટકા હિસ્સો મગજ જ વાપરી નાખે છે એટલે શરીરમાંના બીજા ભાગને ઘણી વખત ઑક્સિજનની અછત લાગે છે અને બગાસાં આવે છે. બગાસાં આવવાનાં અન્ય ઘણાં કારણો છે જેમ કે બગાસાંનો સીધો સંબંધ તમારા મગજની સાથે હોય છે. ઊંઘ, નર્વસ સિસ્ટમ, સ્ટ્રેસ તમારા મગજની સાથે જોડાયેલાં હોય છે. બ્રેઇનમાં કાર્બન ડાયોક્સાઇડ વધી જવાથી લંગ્સ પર સીધી અસર થઈ શકે છે તો બીજી તરફ શરીરમાં જો ઑક્સિજન ઘટી જાય તો બ્લડને પમ્પ કરવા માટે હૃદયે વધારે મહેનત કરવી પડે છે જેને લીધે હાર્ટ-અટૅકનું જોખમ પણ વધી જાય છે. વળી કેટલાક રિસર્ચરોનું કહેવું છે કે બગાસાં આવવાનું કારણ હાઇપોથાઇરૉઇડની નિશાની પણ હોઈ શકે છે. શરીરમાં થાઇરૉઇડના હૉર્મન ઓછા બનવાથી પણ બગાસાં આવે છે. નર્વસ સિસ્ટમમાં ઊથલપાથલ થવાથી પણ બગાસાં આવે છે તેમ જ ઊંઘ નહીં આવવાની બીમારી પણ વધુ પડતાં બગાસાંને આમંત્રણ આપે છે. આમ બગાસાં જેવી સામાન્ય લાગતી સમસ્યા ઘણી વખત ગંભીર બીમારીના સંકેતો પણ આપી જતી હોય છે.

શું કરી શકાય?

ડૉ. સંદીપ મહેતા કહે છે, ‘કંટાળો, થાક કે પછી ઊંઘના લીધે વધુ પડતાં બગાસાં આવતાં હોય તો થોડું પાણી પી લેવું, થોડું ચાલી લેવું, ચ્યુઇંગ ગમ ચાવી લેવી અથવા ગમતા વિષયમાં થોડા સમય માટે માઇન્ડ ડાઇવર્ટ કરી લેવું, પરંતુ વધુ પડતાં બગાસાંનો સિલસિલો સતત દિવસો સુધી ચાલતો જ રહે તો પહેલાં ફૅમિલી ડૉક્ટરની સલાહ લેવી યોગ્ય રહેશે અને જરૂર જણાય તો રિપોર્ટ કાઢવામાં પણ મોડું કરવું જોઈએ નહીં.

બગાસાં વિશે થોડી ચટપટી વાતો...

દરેક મનુષ્ય તેના જીવનકાળ દરમ્યાન સરેરાશ ૨,૪૦,૦૦૦ વખત બગાસાં ખાય છે.

માના ગર્ભમાંથી જ બાળક બગાસાં લેવાનું શરૂ કરી દે છે.

બગાસાં માત્ર મનુષ્યને જ નહીં, પરંતુ પ્રાણીઓને પણ આવે છે.

બગાસું ચેપી હોય છે એ લગભગ બધાને ખબર છે, પરંતુ આ ચેપ શ્વાનને પણ લાગે છે. જો શ્વાન કોઈ મનુષ્યને બગાસાં ખાતો જોઈ લે તો એને પણ બગાસું આવે છે.

સિંહ બગાસું ખાય છે ત્યારે થોડી પળ માટે એને દેખાવાનું બંધ થઈ જાય છે જેનો લાભ ઉઠાવીને અગાઉના સમયમાં રાજાઓ એનો શિકાર કરતા હતા.

પ્રાચીન સમયમાં આદિવાસીઓ બગાસાંનો ઉપયોગ એક સંકેત તરીકે કરતા હતા. જોખમ નજીક હોય તો અવાજ કાઢ્યા વિના એકબીજાને સંકેત આપવા માટે બગાસું ખાતા હતા.

રિસર્ચ પ્રમાણે બગાસું ખાતી વ્યક્તિને માત્ર જોતાં બગાસું આવે એવું નથી, પરંતુ બગાસાં ખાતી કોઈ વ્યક્તિનું ચિત્ર અથવા ઘણી વખત તેની કલ્પના કરતાં પણ બગાસું આવી શકે છે.

અમેરિકાના એક કૉમેડિયનને એક દિવસ કંઈક ભલતું જ સૂઝ્યું અને તે દુનિયાભરમાં બગાસાંનો ચેપ લગાવવા દોડી નીકળ્યો અને તેણે દાવો કર્યો છે કે ૨૦ લાખ લોકોને બગાસાંનો ચેપ લગાડ્યો છે.

અગાઉ કૅનેડા અને બ્રિટનની પાર્લામેન્ટમાં બગાસું ખાવા પર દંડ કરવામાં આવતો હતો.

આ પણ વાંચો :મલેરિયા થવાથી હાર્ટફેલ થવાની શક્યતા 30% વધી જાય છે

તેમનું કહેવું હતું કે બગાસાં ખાવાથી દલીલ કરવા પર બ્રેક લાગી જતી હતી.

બગાસાં વિશેનાં લખાણ વાંચતી વખતે પણ એક વખત તો ચોક્કસ બગાસું આવી જાય છે. આ આર્ટિકલ વાંચતી વખતે પણ તમને એનો અનુભવ થયો જ હશે.

health tips