અડધી રાતે માથું દુખે છે. શું કરું?

27 June, 2022 07:59 PM IST  |  Mumbai | Dr. Shirish Hastak

મારી આંખો પણ આજકાલ ખૂબ લાલ રહે છે અને એમાંથી સતત પાણી નીકળ્યા કરે છે. જે ઇલાજ ગયા વર્ષે કર્યો હતો એ જ દવાઓ હું અત્યારે લઈ રહ્યો છું, પણ કશી કામ લાગતી નથી. હું શું કરું? 

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

હું ૨૦ વર્ષનો છું. મને આજકાલ વિચિત્ર પ્રકારનો માથાનો દુખાવો થઈ રહ્યો છે. દરરોજ એક જ સમયે દુખાવો શરૂ થાય છે. મોટા ભાગે એ અડધી રાત્રે આવે છે અને એટલો પ્રબળ હોય છે કે એને લીધે હું ઊઠી જાઉં છું. ગયા વર્ષે મને આવો જ દુખાવો બે મહિના રહ્યો હતો. પછી એ સાવ જતો રહ્યો હતો. આ વખતે ફરી એ પાછો આવ્યો છે. મારી આંખો પણ આજકાલ ખૂબ લાલ રહે છે અને એમાંથી સતત પાણી નીકળ્યા કરે છે. જે ઇલાજ ગયા વર્ષે કર્યો હતો એ જ દવાઓ હું અત્યારે લઈ રહ્યો છું, પણ કશી કામ લાગતી નથી. હું શું કરું? 
    
તમને જે પ્રકારનો માથાનો દુખાવો છે એને ક્લસ્ટર હેડેક કહે છે. આ પ્રકારનો માથાનો દુખાવો અમુક અઠવાડિયાં સુધી દરરોજ આવે છે અને પછી મહિનાઓ કે વર્ષો સુધી દેખાતો નથી. લાંબા ગાળે એ પાછો આવે છે. આ દુખાવો વારસાગત આવી શકે છે. ફૅમિલીમાં કોઈને આ પ્રકારની તકલીફ હોય તો આ રોગ તમને પણ થાય એની શક્યતા ઘણી વધારે રહે છે. આમ સમજી શકાય કે આ રોગ જિનેટિક હોઈ શકે છે. આ સિવાય જ્યારે વ્યક્તિની સ્લિપ-પૅટર્ન બદલાય ત્યારે પણ આ પ્રકારનો માથાનો દુખાવો થઈ શકે છે. આ રોગ સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધુ જોવા મળે છે. આ તકલીફ મોટા ભાગે ૧૭-૧૮ વર્ષે શરૂ થાય છે અને ૩૫-૪૦ વર્ષ સુધી રહે છે.
ક્લસ્ટર હેડેક શરૂ થાય એ દરમિયાન દિવસમાં એક કે બે વખત દુખાવો થતો હોય છે, પરંતુ અમુક દરદીઓમાં એ બેથી વધુ વખત જોવા મળે છે. તમને આંખની જે તકલીફ છે એ પણ એને લીધે જ છે, કેમ કે આ દુખાવો અતિશય પીડાદાયી હોય છે અને આંખની પાછળ કે એની આજબાજુ થતો હોય છે. જાણે આંખમાં કોઈ ગરમ સોય ભોંકતું હોય એવો અહેસાસ આ માથાના દુખાવામાં થાય છે. એની સાથે જે આંખની આજુબાજુ કે એની પાછળ આ દુખાવો થતો હોય એ પોતે લાલ થઈ જાય, સૂજી જાય કે એમાંથી પાણી નીકળ્યા કરે છે. ઘણા દરદીઓને આંખમાંથી જ નહીં, નાકમાંથી પણ પાણી ગળે છે.
આ રોગનો ઇલાજ અઘરો છે. કઈ દવા દરદી પર અસર કરશે એ સ્પષ્ટ ન હોવાને કારણે દવાઓ બદલતા રહેવું પડે છે. ગયા વર્ષે તમારા પર જે દવાઓ કામ લાગી એ આ વર્ષે પણ લાગશે જ એવું હોતું નથી. એટલે તમે તમારા ન્યુરોલૉજિસ્ટ પાસે જાઓ અને તમારી તકલીફ વર્ણવો જેથી તે તમારી દવાઓ બદલી શકે અને યોગ્ય ઇલાજ કરી શકે. 

health tips columnists