જેટલી પ્રાયોરિટી કામની, એટલી જ પ્રાયોરિટી બૉડીની

27 July, 2021 02:57 PM IST  |  Mumbai | Rashmin Shah

‘ક્યોં રિશ્તોં મેં કટ્ટી બટ્ટી’ના કુલદીપ ચઢ્ઢા એટલે કે સિદ્ધાંત સૂર્યવંશીને જોઈને કોઈ કહી ન શકે કે તેની ઉંમર ચાલીસ પ્લસની છે. વીસ-પચ્ચીસ વર્ષના કોઈ પણ યંગસ્ટર્સને શરમાવે એવી ફિટનેસ ધરાવતા સિદ્ધાંત ની ફિટનેસનું રહસ્ય જાણવા જેવું છે

સિદ્ધાંત સૂર્યવંશી

ફિટનેસની મારી વ્યાખ્યા એકદમ સિમ્પલ છે. બી ફિટ, લુક ફિટ.

સારા દેખાવા માટે તમારે પહેલાં ફિટ થવું પડે અને જો તમે ફિટ હો તો આપોઆપ સારા લાગો. તમે ફૉરેનર્સને જુઓ. એ લોકો ફિટ હોય છે અને એટલે આપોઆપ સારા લાગે છે. ફિટ થવા માટે તમારે હેલ્થી લાઇફસ્ટાઇલ ફૉલો કરવી જોઈએ. હેલ્ધી લાઇફસ્ટાઇલની પૉઝિટિવ અસર આપોઆપ તમારી પર્સનાલિટીમાં દેખાશે.

ફિટનેસ મતલબ છે ઓવરઑલ ફિટનેસ. માત્ર મસલ્સ જ બનાવવા કે પછી ટમી ઓછું કરવું એ નહીં, પણ ફિઝિક્સથી લઈને મેન્ટલ ફિટનેસ પણ એટલી જ મહત્ત્વની છે. મારી વાત કરું તો મારે આખો દિવસ કૅમેરા સામે સતત ઊભા રહેવાનું. કોઈને એવું લાગે કે કેવી મજા આવે, પણ હકીકત જુદી છે. તમે એક વખત લાઇટ્સની ગરમી સહન કરો તો ખબર પડે કે કેવી આકરી હોય છે એ. એક વખત અઢી-ત્રણ કલાક સતત ઊભા રહો તો પણ સમજાય કે એ સ્ટ્રેસ અને થાક વચ્ચે ડાયલૉગ બોલવાનું, ઍક્ટ કરવાનું સહેલું નથી. આ પ્રકારે મારે દિવસના બાર કલાક પસાર કરવાના. જો મારાથી એ ન થઈ શકે તો હું આ લાઇનમાં ટકી જ ન શકું. એવું ન બને એ માટે મારી પાયાની પહેલી જરૂરિયાત છે પાણી. હું પુષ્કળ પાણી પીઉં જેથી મારું બૉડી કૉન્સ્ટન્ટ હાઇડ્રેટ રહે. સતત ભાગતા રહેવાનું કે પછી એકધારા ઊભા રહેવાનું છે તેમણે પાણી પીવાનું વધારવું જોઈએ અને વૉટર ઇન્ટેક મૅક્સિમમ રાખવું જોઈએ.

બેસ્ટ બનાવો બૉડી

સતત ત્રણ-ચાર કલાક બેસીને કામ કરતા હોય એવા લોકોએ દર એક-દોઢ કલાકે સ્ટ્રેચિંગ કરવું જોઈએ. યાદ રાખજો કે ફિટનેસ ચૉઇસ નથી, એ તમારી જરૂરિયાત છે. જો તમે એવું ધારીને ચાલશો તો જ વર્કઆઉટને પ્રાયોરિટી પર ગોઠવી શકશો.

હું મૉર્નિંગ-પર્સન છું. વહેલા જાગીને વર્કઆઉટ કરવું મને વધારે ગમે એટલે હું જિમમાં મૉર્નિંગ શિફ્ટમાં જઉં. લૉકડાઉનમાં જિમ બંધ થઈ ગયાં એટલે મેં જિમનાં ઇક્વિપમેન્ટ્સ ઑર્ડર કરીને ઘરે મગાવી લીધાં, પણ વર્કઆઉટની કન્સિસ્ટન્સી છોડી નહીં. મને હજી પણ યાદ છે કે હું અર્લી મૉર્નિંગ જૉગિંગ માટે સોસાયટીના કેમ્પસમાં આવતો ત્યારે ઘણા નવા લોકોને મેં જોયા. એનું કારણ કોરોનાવાઇરસ. એણે લોકોને ફિટનેસ માટે વધુ સિરિયસ કર્યા. ઍનીવે, મૉર્નિંગ વૉક અને જૉગિંગ પતાવીને હું વર્કઆઉટ કરું.

મૅક્સિમમ એકાદ કલાકનું મારું વર્કઆઉટ હોય. તમે તમારી જરૂરિયાત મુજબ વર્કઆઉટ સેટ કરી શકો; પણ હા, યાદ રાખો કે કશું ઓવર ન કરવું. મારા-તમારા જેવા માટે દિવસમાં પોણો કલાકથી એક કલાક વર્કઆઉટ માટે પૂરતો છે. વર્કઆઉટ કેવું, કેટલું અને કયું કરવું એ દરેક વ્યક્તિનું જુદું હોય. ડિલિવરી બૉયે વર્કઆઉટ હાર્ડ ન કરવું પડે તો એની સામે શૉપ પર બેસી રહેનારા ભાઈએ વર્કઆઉટમાં હાર્ડનેસ દેખાડવી પડે. લૉકડાઉનમાં હું વીકમાં ચાર દિવસ વર્કઆઉટ કરતો, પણ રૂટીનમાં હું છ દિવસ કરું છું. મારું વર્કઆઉટ હું જ પ્લાન કરું છું. મને જિમમાં જવું ગમે. એનું કારણ છે એમ્બિયન્સ. મ્યુઝિક હોય, આજુબાજુમાં બધા વર્કઆઉટ કરતા હોય એટલે સતત ઇન્સ્પિરેશન્સ મળ્યા કરે.

કન્સિસ્ટન્સી ઇઝ ધ કી

હું ૨૮ વર્ષથી વર્કઆઉટ કરું છું એટલે બેઝિકથી લઈને ઍડ્વાન્સ સુધી પહોંચી ગયો છું. એને લીધે હું મારું વર્કઆઉટ નવી-નવી રીતે અપડેટ પણ કરતો હોઉં છું. જોકે એક વાત મને બરાબર સમજાય છે કે કન્સિસ્ટન્સી ક્યારેય નહીં છોડવાની. તમે એક વાર ગોલ સેટ કરો પછી તમારે સમય આપવો પડે, પરસેવો પાડવો પડે. મહિનો મળ્યો છે તો એમાં વર્કઆઉટ કરી લઉં એવું ધારીને તો વર્કઆઉટ બિલકુલ નહીં કરતા. તમારે બ્રેક લેવો હોય તો પહેલાં પૂરતો બ્રેક લઈ લો અને પછી જ વર્કઆઉટ ચાલુ કરો.

ફૂડ છે ફૅન્ટૅસ્ટિક

મેં એક વાત નોટિસ કરી છે કે આપણા ફૂડમાંથી પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સ ઓછાં થવા માંડ્યાં છે. એ બહાના વચ્ચે આપણે એવી આર્ગ્યુમેન્ટ કરીએ કે એ બધું તો નૉન-વેજ ફૂડમાંથી જ મળે અને અમે નૉન-વેજ નથી ખાતા. હકીકતમાં એવું નથી. વેજ ફૂડમાંથી પણ પ્રૉપર પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ મળે જ; પણ એ બાબતે સિલેક્ટિવ થવું પડે. તમારા બૉડી વેઇટ મુજબના પ્રોટીનની તમને જરૂર છે. જોકે આપણે એવું કશું વિચારતા નથી. બૉડી-બિલ્ડિંગ કે મસલ-બિલ્ડિંગ માટે જ નહીં, પ્રોટીન તો વાળથી માંડીને નખ સુધ્ધાં માટે જરૂરી છે. ખોરાકમાં બને ત્યાં સુધી પ્રોટીન અને વિટામિન્સનું પ્રમાણ વધારો.

પનીર, સોયાબીન, બટાટા, વટાણા, બદામ જેવી આઇટમમાંથી તમને પ્રોટીન મળે છે. એ બધી આઇટમને ઓછામાં ઓછી પ્રોસેસ કરીને લેવાનું રાખો તો જ એમાં જરૂરી સત્ત્વો જળવાયેલાં રહેશે. ધ્યાન રાખો કે બૉડીને જરૂરી છે એ મળતું રહે અને એ સ્વચ્છ પણ હોય. આપણે જે ખાઈએ છીએ એ ક્યાંક ને ક્યાંક પૉલ્યુટેડ ફૂડ છે. તમે માનશો નહીં પણ ચૉકલેટ મારી ફેવરિટ છે અને હું ડાર્ક ચૉકલેટ વિના સંકોચે ખાઈ લઉં છું, પણ ક્વૉન્ટિટી અને ડિસિપ્લિનને હંમેશાં યાદ રાખું. ભાવે એના એકદમ નાના બાઇટ કરી નાખો. લાંબો સમય ટેસ્ટ રહેશે અને ખવાશે પણ ઓછું.

Rashmin Shah columnists health tips