વરસાદમાં પગમાં ફંગલ ઇન્ફેક્શન થાય તો ઘરગથ્થુ ઉપાય અજમાવો

08 July, 2025 07:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચોમાસામાં આપણા પગ વરસાદના ગંદા પાણીના સંપર્કમાં આવતા હોવાથી તેમ જ ભેજવાળી હવાના કારણે પરસેવો ખૂબ થતો હોવાથી પગમાં ફંગલ ઇન્ફેક્શન થઈ જતું હોય છે. એવામાં એનાથી બચવાના ઉપાયો અને ફંગલ ઇન્ફેક્શન થઈ ગયું હોય તો કયા ઘરગથ્થુ ઉપાય કરી શકાય એ જાણીએ

ફંગલ ઇન્ફેક્શન

ચોમાસામાં પગમાં ફંગલ ઇન્ફેક્શન થવાની સમસ્યા વારંવાર થતી હોય છે. પગ વરસાદના ગંદા પાણીમાં પલળે છે. એમાં જર્મ્સ અને ફંગસ હોય છે જે પગને ઇન્ફેક્ટ કરી દે છે. વરસાદની સીઝનમાં હવામાં મૉઇશ્ચર પણ વધુ હોય છે. એને કારણે પગમાં પરસેવો વધુ થાય છે જેમાં ફંગસ ગ્રો થઈ શકે. એમાં પણ જો શૂઝ પહેરેલાં હોય તો ફંગસ થવાનું જોખમ વધી જાય.

તમને જો પગમાં ફંગલ ઇન્ફેક્શન થઈ ગયું હોય તો એને કન્ટ્રોલ કરવા માટે કેટલાક અસરકારક ઘરગથ્થુ ઉપાયો અજમાવી શકો છો. એને જો થોડા દિવસ માટે રેગ્યુલરલી કરવામાં આવે તો ઇન્ફેક્શન મટી શકે છે.

 પાણીમાં લીમડાનાં ૧૫-૨૦ પાન નાખીને એને ઉકાળો. પાણી થોડું ઠંડું થઈ જાય એટલે એમાં પગ ૧૫-૨૦ મિનિટ ડુબાડીને રાખો.

 એક ટીસ્પૂન નારિયેળના તેલમાં બે-ત્રણ ટીપાં ટીટ્રી ઑઇલનાં મિક્સ કરો. તમને પગમાં જે જગ્યાએ ઇન્ફેક્શન થયું હોય ત્યાં આ તેલ લગાવો.

 હળદરમાં થોડું પાણી કે નારિયેળ તેલ મિક્સ કરીને પેસ્ટ જેવું બનાવી લો. પગમાં જ્યાં ફંગલ ઇન્ફેક્શન થયું હોય ત્યાં આ પેસ્ટ લગાવો. ૨૦ મિનિટ પછી પગને પાણીથી ધોઈને સૂકા કરી નાખો.

જો ઇન્ફેક્શન અઠવાડિયામાં સારું ન થાય તો ડર્મેટોલૉજિસ્ટ પાસે જઈને દેખાડો.

ફંગલ ઇન્ફેકશનથી બચવા શું કરશો?
 વરસાદમાં ઘર-ઑફિસ પહોંચ્યા પછી તરત પગને સરખી રીતે ધોઈને કપડાથી સૂકા કરી નાખો. 
 શૂઝ પહેરતા હો તો મોજાં કૉટનનાં પહેરવાનું રાખો, જે પરસેવાને શોષી લે.
 દરરોજ ફ્રેશ અને ડ્રાય મોજાં પહેરવાનું રાખો. 
 શક્ય હોય ત્યાં સુધી ઓપન ફુટવેઅર જ પહેરો. 
 ઍન્ટિ-ફંગલ પાઉડરનો ઉપયોગ કરો
 રસ્તામાં ચાલતી વખતે શક્ય હોય ત્યાં સુધી પગ વરસાદના ગંદા પાણીમાં ન ડૂબે એનું ધ્યાન રાખો.

monsoon news mumbai monsoon Weather Update mumbai weather health tips skin care life and style columnists gujarati mid day mumbai