ખોરાક ગળાતો નથી અને નવી જ બીમારીનું નિદાન થયું છે, શું કરું?

06 December, 2021 04:42 PM IST  |  Mumbai | Dr. Chetan Bhatt

મારા ભાઈની ઉંમર ૫૩ વર્ષ છે અને તેને ઘણા સમયથી ખાવાનું ગળવામાં તકલીફ પડતી હતી.

પ્રતીકાત્મક તસવીર

મારા ભાઈની ઉંમર ૫૩ વર્ષ છે અને તેને ઘણા સમયથી ખાવાનું ગળવામાં તકલીફ પડતી હતી. ક્યારેક તો ગળેલું ખાવાનું વૉમિટ થઈને નીકળી જતું. વજન ઊતરી ગયું છે. આયુર્વેદિક દવાઓ કરાવી પણ ફરક ન પડ્યો. હમણાં ઘણીબધી ટેસ્ટ કરાવી તો ખબર પડી કે તેમને ઍકલેસિયા કાર્ડિયા નામની તકલીફ છે. અત્યારે તો ડૉક્ટર દવા આપે છે, પણ ક્યાં સુધી દવા લેવી પડશે એ ખબર નથી. ડૉક્ટર કહે છે કે એમ જ દવાથી ગળવાની ક્ષમતા પાછી નહીં આવે. આ રોગ અમારા માટે નવો છે. એમાં શું થઈ શકે?
 
જવાબ : આ રોગ કંઈ નવો નથી, બહુ કૉમન રોગ નથી એટલે એના વિશે જાણકારી ઓછી હોય એ સ્વાભાવિક છે. આમાં શું થાય એ સમજાવું. આપણી અન્નનળી અને જઠરની વચ્ચે એક સ્ફિન્ક્ટર એટલે કે વાલ્વ જેવું હોય. એ મોટા ભાગે બંધ હોય. આપણે ખોરાક ખાઈએ એટલે એ વાલ્વ ખૂલે, ખોરાક અંદર સરકે અને પાછો વાલ્વ બંધ થઈ જાય. આ વાલ્વ સ્ટિફ થઈ જાય ત્યારે આવું થઈ શકે. વાલ્વની સ્ટિફનેસને કારણે અન્નનળીના સ્નાયુઓ પણ મૂવમેન્ટની લવચિકતા ખોઈ બેસે. પેટમાં ખોરાક બહુ ઓછો જઈ શકતો હોય એટલે નબળાઈ આવી જાય. તમારા પરીક્ષણોમાં એકલેસિયા કાર્ડિયા નામની બીમારીનું નિદાન થયું છે પણ એ કયા પ્રકારની બીમારી છે એ જાણવું જરૂરી છે. ટાઇપ વન, ટાઇપ ટૂ કે ટાઇપ થ્રી? એનો પ્રકાર ખબર પડે એ પરથી એની સારવાર નક્કી થાય. ઘણી વાર દરદીની ઉંમર પણ શું સારવાર થઈ શકે એમ છે એમાં નિર્ણાયક બને છે. બહુ એજેડ વ્યક્તિ અમુક પ્રકારની સર્જરી ખમી શકતી નથી. જોકે તમે કહ્યું છે એમ તમારા ભાઈ હજી ૫૩ વર્ષના છે ત્યારે સારવાર ચોક્કસપણે સંભવ છે જ. 
સૌથી પહેલાં બેરિયમ એક્સ-રે અને મોનોમેટ્રી ટેસ્ટ કરાવો. એનાથી એકલેસિયા કાર્ડિયાની ટાઇપ ખબર પડશે. ટાઇપ વન કે ટૂ હોય તો એમાં ખાતાં પહેલાં કૅલ્શિયમ બ્લૉકર દવાઓ અપાય છે જેનાથી ખોરાક જાય એ વખતે વાલ્વ થોડાક સમય માટે ખૂલે છે. અલબત્ત, આ કાયમી ઉકેલ નથી. એન્ડોસ્કૉપિક કે લેપ્રોસ્કૉપિક સર્જરી થકી વાલ્વને તોડીને એમાંથી માર્ગ બનાવી શકાય છે. ટાઇપ થ્રીની સમસ્યા હોય તો એમાં POEM નામની એન્ડોસ્કૉપિક સર્જરી સારું પરિણામ આપે છે. 
તમે ડીટેલ્ડ રિપોર્ટ્સ મોકલાવશો તો સચોટ માર્ગદર્શન આપી શકાશે.

life and style health tips