ફિસ્ટ્યુલાની તકલીફમાં સર્જરી કરાવવી જરૂરી?

26 July, 2021 12:01 PM IST  |  Mumbai | Dr. Chetan Bhatt

ફિસ્ટ્યુલાની તકલીફ જ એવી છે જેમાં ઘણી બધી કૉમ્પ્લેક્સિટી જોડાયેલી હોય છે. સૌપ્રથમ તમે જરૂરી બ્લડ ટેસ્ટ, કોલનોસ્કોપી અને પેરેનિયમનું એમઆરઆઇ કરાવો

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૪૪ વર્ષ છે. કોઈકને કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં, એવી હાલત છે. મને બે મહિના પહેલાં મળમાર્ગ પાસે ફોડલી થઈ હતી, જે પાકી ગઈ અને પછી પરુ નીકળી જતાં એ બેસી ગઈ. સમસ્યા એ છે કે એ ફરીથી થઈ છે. આ વખતે ગૂમડા જેવું થયું છે અને એની સાઇઝ પણ મોટી છે. ડૉક્ટરનું કહેવું છે કે આ ફિસ્ટ્યુલાની સમસ્યા છે. ડૉક્ટરનું કહેવું છે કે સર્જરી કરવી પડશે. જોકે એ સર્જરી પછી મળની રિન્ગની ફ્લૅક્સિબિલિટી ઘટી જઈ શકે છે અને એને રૂઝ આવતાં પણ ૧૫-૨૦ દિવસ થશે. તો શું સર્જરી સિવાય ફિસ્ટ્યુલા મટે એવો કોઈ વિકલ્પ ખરો?

ફિસ્ટ્યુલાની તકલીફ જ એવી છે જેમાં ઘણી બધી કૉમ્પ્લેક્સિટી જોડાયેલી હોય છે. સૌપ્રથમ તમે જરૂરી બ્લડ ટેસ્ટ, કોલનોસ્કોપી અને પેરેનિયમનું એમઆરઆઇ કરાવો. આ ટેસ્ટ દ્વારા ખબર પડશે કે તમારા ફિસ્ટ્યુલા પાછળ કોઈ રોગ તો કારણભૂત નથી, કારણ કે એ જાણવું અત્યંત જરૂરી છે. ઘણા દરદીઓમાં એવું હોય છે કે એમના ફિસ્ટ્યુલા પાછળ ક્રોહન્સ ડિસીઝ, ટીબી કે પછી લિમ્ફોમા જેવા રોગ પણ જવાબદાર હોઈ શકે છે. જો એવું હોય તો પહેલાં રોગનો ઇલાજ કરવો જરૂરી છે. મોટા ભાગે એ રોગનો ઇલાજ થાય એની સાથે જ ફિસ્ટ્યુલા દૂર થઈ જતું હોય છે, પરંતુ જો એ ટેસ્ટમાં ખબર પડે કે તમારા ફિસ્ટ્યુલા પાછળ કોઈ રોગ કારણભૂત નથી તો બીજી પ્રોસેસ એ છે કે આ ફિસ્ટ્યુલા કયા પ્રકારનું છે એ જાણવું પડે. ફિસ્ટ્યુલાના પ્રકારમાં સિમ્પલ, કૉમ્પ્લેક્સ અને કૉમ્પ્લીકેટેડ એવા પ્રકારોનો સમાવેશ થાય છે. જો ફિસ્ટ્યુલા સિમ્પલ હોય તો એમાં પણ લૉ ફિસ્ટ્યુલા અને હાઈ ફિસ્ટ્યુલા એવા બે પ્રકાર હોય છે, જેમાં લૉ ફિસ્ટ્યુલા હોય તો આયુર્વેદિક ક્ષાર સૂત્ર કે એલોપથીની ટેલોન પદ્ધતિ દ્વારા ઇલાજ શક્ય છે, જેમાં સર્જરીની જરૂર પડતી નથી, પણ જો હાઈ ફિસ્ટ્યુલા હોય કે પાછો કૉમ્પ્લેક્સ અને કૉમ્પ્લીકેટેડ ફિસ્ટ્યુલા હોય તો જરૂરી છે કે સર્જરી કરવી જ પડે. સર્જરી પછીના જે કૉમ્પ્લીકેશન છે એ પણ રહેશે જ. એનો કોઈ ઉપાય નથી, પરંતુ મહત્ત્વનું એ છે કે તમે એ તપાસ કરાવો કે તમારા ફિસ્ટ્યુલા પાછળ કોઈ રોગ તો કારણભૂત નથી.

health tips columnists