Covid-19 પછી જોવા મળતી હાડકાંની બિમારી એવાસ્ક્યુલર નેક્રોસિસ વિશે જાણો એક્સપર્ટ્સ પાસેથી

14 August, 2021 11:08 AM IST  |  Mumbai | Anuka Roy

Covid-19થી સંક્રમિત થાવ, સાજા થાવ પછી શું હાડકાંનાં મોત તરીકે ઓળખાતી બિમારી એવાસ્ક્યુલર નેક્રોસિસ થવું સામાન્ય ગણાય? કારણો, લક્ષણો અને સારવાર વિશે ડૉક્ટર્સે વિગતવાર જણાવ્યું.

પ્રતીકાત્મક તસવીર

Covid-19નું બીજું વેવ ભારત માટે ઘાતકી નિવડ્યું છે. કોરોનાવાઇરસને કારણે થતા મૃત્યુઆંકમાં સતત વધારો થયો અને સાજા થયેલા દર્દીઓમાં પણ મ્યુકરમાઇકોસિસ એટલે કે બ્લેક ફંગસ જેવી સમસ્યાઓ બાદમાં પેદા થતી હોવાનું જોવા મળ્યું. તાજેતરના રિપોર્ટ અનુસાર અવાસ્ક્યુલર નેક્રોસિસ અથવા તો એવીએન અથવા તો ઓસ્ટેઓનેર્કોસિસની સમસ્યા પોસ્ટ Covid-19 કેસિઝમાં જોવા મળી રહી છે. મુંબઇમાં તેના ત્રણ કેસિઝ નોંધાયા હોવાની માહિતી છે.

આ રોગ વિશે વધુ જાણવા તથા Covid-19નો તેની સાથે શું સબંધ છે તેજાણવા માટે મિડ-ડે ડૉટ કૉમે વાત કરી વોકહાર્ટ હૉસ્પિટલ, મિરા રોડના કન્સલ્ટન્ટ જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડૉ. નિરજ કાસત સાથે તથા પીડી હિંદુજા હૉસ્પિટલના જુનિયર કન્સલ્ટન્ટ જોઇન્ટ રિપ્લેસમેન્ટ અને પ્રિઝર્વેશન સર્જન, ડિપાર્ટમેન્ટ ઑફ ઓર્થોપેડિક્સ સાથે વાત કરી.

                                                       ડૉ. નિરજ કાસત અને ડૉ. મયંક વિજયવર્ગિયા

અવાસ્ક્યુલર નેક્રોસિસ શું છે? તેનેબોન ડેથ એટલે કે હાડકાંના મોત સાથે કેમ સરખાવાય છે?

કાસત: અવાસ્ક્યુલર નેક્રોસિસને ઓસ્ટેઓનેર્કોસિસ પણ કહેવાય છે અને તે હાડકાંના કોષમાં લોહી ન પહોંચવાને કારણે દર્દીના કોષ મરવા માંડે તેવી સ્થિતિ ખડી કરે છે. તે માણસના હાડકામાં નાની તરાડ પડવા માંડે છે તે બટકે છે અને તેનાથી હાડકું ભાંગી જાય છે. તૂટેલું હાડકું અથવા તો ડિસલોકેટ થયેલો સાંધો હોય તો લોહીનો પ્રવાહ હાડકાના અમુસ હિસ્સા સુધી પહોંચતો નથી. હાડકાંમાં લોહીનો પ્રવાહ કાં તો કાયમી અથવા તો હંગામી ધોરણે પહોંચતો અટકે છે, હાડકાંના કોષ મરી જાય છે અને માટે તેને બોન ડેથ તરીકે પણ ઓળખવામાં આવે છે.  તે હાડકાંના પતનની એક ચિંતા જનક સ્થિતી છે જે આજકાલ લોકોમાં જોવા મળી રહી છે. આમ તો આ સ્થિતિ કોઇપણ હાડકામાં પેદા થઇ શકે છે પણ મોટે ભાગે તે કોઇપણ લાંબા હાડકાંને અંતે જોવા મળે છે. તે એક હાડકાં પર અસર કરે છે ઘણીવાર એક સાથે એકથી વધુ હાડકાં પર અને ઘણીવાર શરીરના અલગ અલગ હિસ્સા પરના હાડકાં પર પણ તેની અસર થાય છે.

વિજયવર્ગિયા: અવાસ્ક્યુર નેક્રોસિસ ત્યારે થાય છે જ્યારે હાડકાંને મળતાં લોહીના પ્રવાહમાં ઘટાડો થાય અને જ્યારે તે સાવ અટકી જાય ત્યારે હાડકું મરી જાય, નકામું થઇ જાય. હાડકાંના જે હિસ્સામાં પ્રવાહ ન પહોંચ્યો હોય તે મરી જાય, જેવુ મગજ કે હ્રદયમાં પણ થતું હોય છે જ્યારે ત્યાં લોહી ન પહોંચે. હ્રદયને કંઇપણ થાય ત્યારે હાર્ટ અટેક આવતો હોય છે, બ્રેનમાં પણ સ્ટ્રોક આવે છે અને જ્યારે અવાસ્ક્યુલર નેક્રોસિસ થાય ત્યારે હાડકાનાં જે ભાગને લોહી ન પહોંચતું હોય તેનું પતન શરૂ થઇ જાય છે. હાડકાંની આસપાસ માળખું હોય છે એટલે જરૂરી નથી કે હાડકું તરત જ પડી ભાંગે પણ તેના કારણે તકલીફ અને દર્દ ચોક્કસ શરૂ થઇ જાય છે. તમને કોઇ ચોક્કસ હિસ્સામાં દર્દ થતું હોય અને જો તમે તેને સ્નાયુ ખેંચાવાનું દર્દ માની લો તેમ પણ બને.  ટૂંકમાં જરૂરી નથી કે હાડકાંમાં થતું કોઇ પણ દર્દ એવીએન જ હોય. જો કે તે સાફ છે કે તે થાપાના હાડકાંમાંથી શરૂ થાય છે.

અવાસ્ક્યુલર નાર્કોસિસ થવાનું કારણ શું હોઇ શકે?

કાસતઃ ફ્રેક્ચર, લાંબા સમય સુધી કોર્ટિકોસ્ટિરોઇડ્ઝનો ઉપયોગ, લોહીના વેસલ્સમાં નુકસાન, ઇજા, ક્રોનિક મેડિકલ કંડિશન અને આલ્કોહોલથી આ સમસ્ય થઇ શકે છે.

વિજયવર્ગિયા: જ્યારે વ્યક્તિને થાપાના હાડકાંમાં દુઃખાવો થાય, તે હલનચલન ન કરી શકે ત્યારે તેમે ઓર્થોપેડિક સ્પેશ્યાલિસ્ટનો ઓપિનિયન લેવો જોઇએ. આ એવીએનનું દર્દ છે કે નહીં તે ઓર્થોપેડિક સર્જન જ નક્કી કરી શકશે.

અવાક્યુલર નેક્રોસિસના લક્ષણ શું છે?

કાસત: જો તમને અવાસ્ક્યુલર નેક્રોસિસ હશે તો તમને સાંધાનો દુખાવો, હલનચલનમાં સમસ્યા અને ઘણીવાર હાડકાં અને સાંધા સાવ કૉલેપ્સ થઇ જવાનો અનુભવ પણ થઇ શકે છે. તમને આમાંથી કોઇપણ લક્ષણ દેખાય તો તમારે ડૉક્ટરનો તરત સંપર્ક કરવો જોઇએ અને સારવાર લેવી જોઇએ.

Covid-19 અને અવાસ્ક્યુલર નેક્રોસિસ વચ્ચે શું સબંધ છે

કાસત: ભારતમાં કોરોનાવાઇરસના સેકન્ડ વેવ પછી દર્દીઓમાં અનેક જાતના કોમ્પ્લિકેશન્સ જોવા મળે છે, જેમ કે મ્યુકરમાઇકોસિસ, બ્લડ ક્લોટ્સ, ડાયાબિટીસની શરૂઆત, સતત થાક લાગવો વગેરે. આ લક્ષણોમાં એક નવો ઉમેરો છે જે છે અવાસ્ક્યુલર નેક્રોસિસ અથવા તો ઓસ્ટિઓનેક્રોસિસ. એવીએન એ પોસ્ટ Covid-19 જોવા મળતું લક્ષણ છે. Covid-19 પછી થતી બીજી બિમારીઓની માફક હાડકા અને સાંધાના ફેમોરલ હેડમાં અવાસક્યુલર નેક્રોસિસ થતું હોવાના કેસિઝ જોવા મળ્યા છે જે મોટેભાગે Covid-19ની સારવારમાં વપરાયેલા સ્ટેરોઇડ્ઝને કારણે થાય છે. Covid-19ની સારવાર માટે સ્ટેરોઇડ્ઝનો લાંબો સમય ઉપયોગ થાય તે પણ ત્યારે જ્યારે દર્દીમાં ઑક્સિજનનું સ્તર ઓછું હોય ત્યારે કુદરતી રોગપ્રતિકારક શક્તિ પર તેની માઠી અસર થાય, જે આમ પણ આ સંજોગોમાં ઓછી હોય. ઘણા દર્દીઓ જેમણે સ્ટેરોઇડ્ઝ લીધાં હોય છે તેમને એવીએનની સમસ્યા જોવા મળી છે. અવાસ્ક્યુલર નેક્રોસિસનું દર્દ જો થાપામાં થાય તો જનનાંગની આસપાસના વિસ્તારમાં, સાથળ કે નિતંબ વગેરેમાં પણ તકલીફ થઇ શકે છે. તે ખભા, ઘૂંટણ, હાથ ને પગમાં પણ હોઇ શકે છે તો કોઇપણ સંજોગોમાં સાંધાના દુખાવાને અવગણવો નહીં.

વિજયવર્ગિયા: એવીએન પર થયેલા અભ્યાસ અનુસાર તેને સ્ટેડરોઇડ્ઝના કેટલાક ડોઝિસ સાથે જોડવામાં આવ્યું છે. Covid-19ના દર્દી જેમને નોર્મલ ડોઝના અડધા ભાગના સ્ટિરોઇડ અપાયા હોય તેમના અવલોકન પરથી આ નક્કી કરાયું છે. જો કે આપણી પાસે હવે એવા કેસિઝ પણ છે જેમાં દર્દીને  એવીએન હોવાની ખબર પડે તેના બે મહિના પહેલાં તેને Covid-19 હોવાની જાણ થઇ હોય. અહીં આપણએ એમ નથી કહી રહ્યા કે સ્ટેરોઇડ્ઝનો ઉપયોગ ન થવો જોઇએ પણ તેનાથી શરીરમાં રિએક્શન આવી શકે છે જેના કારણે થાપામાં એવીએન થઇ શકે છે. એમઆરઆઇથી આ વહેમ ઝડપથી દૂર કરી શકાય છે અને કળી શકાય છે કે દર્દીને એવીએન છે કે નહીં. જો તેમાં ખબર પડે તો સારવાર પણ શક્ય છે અને Covid-19થી થતા બીજા દર્દોથી પણ દર્દીને બચાવી શકાય છે.

અવાસ્ક્યુલર નેક્રોસિસના અમુસ કેસિઝ મુંબઇ અને દિલ્હીમાં નોંધાયા છે. કોવિડ પછી થતા કોમ્પ્લિકેશન તરીકે તેના અંગે ચિંતિત થવું જરૂરી છે?

કસાત: મ્યુકરમાઇરોસિસ પછી એવીએનથી લોકો સૌથી વધુ ચિંતિત છે ખાસ કરીને જે Covid-19માંથી રિકવર થયા છે. તે દર્દીમાં આડેધડ દેખા દે છે અને તેને તરત જ મેડિકલ સારવારની જરૂર હોય છે. તેની સારવાર જો તરત કરવામાં ન આવે તો તે દર્દીઓ માટે જોખમી નિવડી શકે છે. જો તમે Covid-19માંથી સાજા થયા હો અને સ્ટેરોઇડના ઉપયોગની હિસ્ટરી હોય તો હાડકા અને સાંધાના સ્પેશ્યાલિસ્ટ પાસે તપાસ કરાવો. અંદાજે જે દર્દી Covid-19થી સંક્રમિત થયો હોય તેને ત્રણથી ચાર મહિનાની અંદર એવીએનના લક્ષણ દેખાઇ શકે છે અને તેને સારવારની જરૂર હોય છે.

વિજયવર્ગિયાઃ એવીએન જે પહેલા ત્રણ દર્દીઓમાં દેખાયું હતું તે ત્રણેય ડૉક્ટર્સ હતા. તેમને આ સ્થિતિની જાણ હતી અને તેમને ખ્યાલ હતો કે થાપાના સાંધામાં અસાધારણ દુખાવો થઇ રહ્યો છે. તેમણે આ દર્દને ટાળવાને બદલે તાત્કાલિક સારવાર લીધી. એક્સપર્ટ્સને કેસ સ્ટડીઝ વિશે છેલ્લા વીસ વર્ષથી જાણ હતી કારણકે પીડી હિંદુજા હૉસ્પિટલમાં તેની પર સંશોધન થયું હતું અને ડૉ.સંજય અગરવાલાએ કર્યું હતું. આ એક્સપર્ટ્સની મદદથી ડાયગ્નોસિસ તત્કાળ થયું અને સારવાર કરી શકાઇ.

કમનસીબે ભારતમાં લોકોને આ રોગની જાણ નથી હોતી અને જે ગ્રામીણ વિસ્તારમાં રહે છે તેઓ તેને ટાળે છે, તેને થાપાના સાંધાના દુખાવામાં ખપાવી માને છે કે તે દુખાવો આપમેળે જતો રહેશે. જો સારવારમાં મોડું થાય તો એવીએનનો વિસ્તાર થઇ શકે છે અને તે વધી જાય પછી જો તેનો ડાયગ્નોસિસ થાય તો સારવારની કોઇ અસર નથી થતી. દર્દી માટે મેડિકલ મેનેજમેન્ટનો સમય ચાલ્યો જાય પછી સર્જરી એક માત્ર વિકલ્પ રહે છે.
એવાસ્ક્યુલર નેક્રોસિસનું ડાયોગ્નેસિસ કેવી રીતે થઇ શકે?

વિજયવર્ગિયાઃ સૌથી જરૂરી છે કે પેશન્ટને થાપામાં અસ્વસ્થતા લાગે, તે Covid-19થી હોય કે તે સિવાય પણ તેણે તકલીફમાં વધારો થાય ત્યાં સુધી રાહ ન જોવી અને ઓર્થોપેડિક પાસે પુરેપુરી તપાસ કરાવવી. એમઆરઆઇની જરૂર હશે તો વિશેષજ્ઞ નિર્ણય લેશે.

એવાસ્ક્યુલર નેક્રોસિસની સારવાર કેવી રીતે થઇ શકે?

કાસત: જ્યારે એવીએન પહેલા કે બીજા સ્ટેજ પર હોય ત્યારે કોર ડિકમ્પ્રેશન સર્જરી કરવામાં આવે છે. વળી ત્રીજા અને ચોથા તબક્કામાં જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી એક માત્ર વિકલ્પ હોય છે. પરંતુ જો એવીએનનો ડાયગ્નોસિસ શરૂઆતી તબક્કામાં થાય તો સર્જરીની જરૂર નથી રહેતી.

કઇ બાબતોની કાળજી રાખવી જોઇએ?

વિજયવર્ગિયા: એવીએનની શક્યતાઓ અંગે ચર્ચા થાય તે જરૂરી છે. ડાયગ્નોસિસ અઘરો હોય છે અને માટે જ કોઇપણ દુખાવાને હળવાશથી ન લેતા બને એટલી ઝડપથી ઑર્થોપેડિક સર્જન પાસે જઇ તપાસ કરાવવી જોઇએ, ખાસ કરીને દર્દીને થાપામાં તકલીફ હોય અને Covid-19માંથી રિકવરી થઇ હોય અને તેની સારવારમાં સ્ટેરોઇડ્ઝ અપાયા હોય. થાપાનો કોઇ રોગ હોવાની શક્યતા ટાળવા માટે હિપ એમઆરઆઇ જરૂરી છે. છેલ્લા 35 વર્ષમાં એમઆરઆઇ એક સલામત પ્રક્રિયા સાબિત થઇ છે અને તે એવીએન છે કે નહીં તે સાબિત કરવામાં મદદ કરે છે, તે પણ શરૂઆતી તબક્કામાં જ્યારે સર્જરીની જરૂર નથી હોતી પણ સારવારથી દર્દીને સાજો કરી શકાય છે. આયુર્વેદિક ઉપાયો ટાળો.

 

health tips covid19 coronavirus