તમારા સંતાનના પરીક્ષાના ભયને દૂર કરી શકે છે આ ખાસ થેરપી

09 April, 2021 01:36 PM IST  |  Mumbai | Ruchita Shah

ઇમોશનલ ફ્રીડમ થેરપી (ઈએફટી) તમારા મનમાં ધરબાયેલાં નેગેટિવ ઇમોશન્સને રિલીઝ કરવાનું અને એને પૉઝિટિવ ફીલિંગ્સથી રિપ્લેસ કરવાનું કામ ઇફેક્ટિવ રીતે કરી શકે છે. થેરપીના નિષ્ણાત પાસેથી જાણીએ કે એક્ઝામ ફિયર જેવી સમસ્યાઓને દૂર કરવા માટે એની ઉપયોગિતા શું છે

ઇમોશનલ ફ્રીડમ થેરપી (ઈએફટી)

એક્ઝામ ફિયર પેરન્ટ્સ અને આજનાં બાળકોના મનમાં કયા સ્તર પર ઘર કરી ગયો હશે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ફરી એક વાર એ જ બાબતમાં લોકોને ગાઇડન્સ આપવા માટે એક્ઝામ વૉરિયર નામનું પુસ્તક ૨૦૧૮માં લખ્યું અને હવે એનું અપડેટેડ વર્ઝન પણ રીસન્ટ્લી પ્રકાશિત કર્યું છે. પરીક્ષાનો ભય હોય કે જીવનની અન્ય કોઈ પણ સમસ્યા હોય, એને તમારી અવેરનેસ અને એને મદદરૂપ થઈ શકે એવી ટેક્નિકથી દૂર કરી શકાય છે. એવી જ એક ટેક્નિક વિશે આપણે વાત કરવાના છીએ. નામ છે ઇમોશનલ ફ્રીડમ ટેક્નિક. ટૅપિંગ, મસાજિંગ જેવી બાબતોનો ઉપયોગ કરીને મનમાં સ્ટોર થયેલા નેગેટિવ ઇમોશન્સને જાગૃતિ પૂર્વક બહાર કાઢવાના પ્રયાસો આ ટેક્નિક દ્વારા થાય છે. આ ટેક્નિક શું છે અને કઈ રીતે એ કામ કરે છે એ વિશે આ થેરપીના એક્સપર્ટ મિતેશ જોશી સાથે વાત કરીએ.

મૂળ અર્થ શું?

સ્ટૅનફર્ડથી એન્જિનિયરિંગમાં ગ્રૅજ્યુએટ થયેલા ગેરી ક્રેગે આ થેરપીની શોધ ૧૯૯૫માં કરી છે. આ સંદર્ભે વધુ વાત કરતાં મિતેશ જોશી કહે છે, ‘આ થેરપી એનર્જી સિસ્ટમ પર ફોકસ કરે છે. થેરપી પાછળનો કન્સેપ્ટ એવો છે કે અનએક્સપ્રેસ્ડ ઇમોશન્સ એનર્જીરૂપે શરીરના અમુક ભાગમાં સ્ટોર થાય છે. આપણા ઘરમાં જેમ કબાટ હોય તો એક ખાનામાં આપણે પૈસા મૂકીએ, એકમાં કપડાં હોય તો કોઈ એક ખાનામાં ફાઇલ અને પેપર્સ હોય. સપ્રેસ્ડ ઇમોશન્સ પણ આમ શરીરના અમુક હિસ્સામાં સ્ટોર થતાં હોય છે. આપણે ત્યાં મર્મ ચિકિત્સા આ જ સિદ્ધાંત પર કામ કરતી હતી. જેમ કે ચિંતા કપાળ પર સ્ટોર કરીએ એટલે જ ટેન્શન આવે ત્યારે આપણો હાથ કપાળ પર જતો રહે છે, ગુસ્સો આવે ત્યારે કપાળની સાઇડમાં હાથ જાય. આતા માઝી સટકલી વખતે પણ કપાળની સાઇડ પર જ હીરો હાથ લઈ જતો હોય છે એ સીન યાદ છે? ડર લાગે ત્યારે મોઢા પર આમ જુદા-જુદા ઇમોશન્સ શરીરના જુદા-જુદા હિસ્સામાં સ્ટોર થાય છે. ટૅપિંગ દ્વારા આ રીતે બ્લૉક થયેલી એનર્જીને રિલીઝ કરીને એના બદલે પૉઝિટિવ ઇમોશન્સ રિપ્લેસ કરવાનો આ થેરપીનો ગોલ છે.  શ્રીમદ ભગવદ્ગીતામાં પણ સ્થિતપ્રજ્ઞતા અને સમતાભાવની ચર્ચા કરવામાં આવી છે. હું એ ભાવને આ ઇએફટી પ્રે‌ક્ટિસ દ્વારા ઉત્પન્ન કરાવવાના અને સપ્રેસ્ડ ઇમોશનલ એનર્જીને બહાર કઢાવવાનાં પ્રયત્નો કરાવું છું.’

ફિઝિકલ લાભ

વિજ્ઞાન માને છે કે ઘણા બધા પ્રકારના રોગો સાઇકોસોમૅટિક છે અને નેકપેઇનથી લઈને બૅકપેઇન, માઇગ્રેન, મેન્સ્ટ્રુઅલ ક્રૅમ્પ, સાઇટિકા, ઍસિડિટી, ની પેઇન જેવા ફિઝિકલ ફ્રન્ટના દુખાવા પણ સાઇકોસોમૅટિક કારણોથી થઈ શકે છે. મિતેશ જોશી કહે છે, ‘આ થેરપીનો ઉપયોગ કરીને લોકોને ફિઝિકલ પેઇનમાં ફાયદો થયો હોય એવું પણ અમે નોંધ્યું છે. ઇન ફૅક્ટ કોવિડના ઇન્જેક્શનને કારણે પેઇન થતું હતું એવા એક કેસમાં આ થેરપીથી ફાયદો થયો હતો. ડિલિવરી વખતે ઈએફટી દ્વારા લેબર પેઇન ઘટાડવામાં મદદ થઈ હતી. દરેક પ્રકારના નેગેટિવ સપ્રેસ્ડ ઇમોશન જેમ કે ઈર્ષ્યા, ઇનસિક્યૉરિટી, ચિંતા, ગ્લાનિ, હૃદયભંગની પીડા, ગુસ્સો, ઇરિટેશન, ફ્રસ્ટ્રેશન, એકલતાની લાગણી, ડર અને ફોબિયા પર ઈએફટી દ્વારા કામ કરી શકાય છે. અમેરિકામાં તો ઇમોશનલ ફ્રીડમ ટેક્નિકનો ઉપયોગ સ્પોર્ટ્સ પર્ફોર્મન્સ સુધારવા માટે થાય છે. એટલે જ એક્ઝામ ફિયરને ઈએફટી દ્વારા દૂર કરવો સરળ છે.’

સ્ટુડન્ટ્સ માટે સપોર્ટિવ

એક્ઝામ નજીક હોય અને બહુ બધી અનિશ્ચિતતા વચ્ચે પરીક્ષા ભયને નેક્સ્ટ લેવલ પર લઈ જતી હોય છે. આવા સમયે આ ટેક્નિકને કઈ રીતે અપનાવી શકાય એમ જણાવીને મિતેશ જોશી કહે છે, ‘સૌથી પહેલાં તો તમને શેનો ડર લાગે છે એનું એક લિસ્ટ બનાવો. સારા માર્ક્સ નહીં આવે તો, અમુક પર્સન્ટેજ નહીં આવે તો, એક્ઝામ ટાઇમે બધું ભૂલી જઈશ તો, ફલાણી કૉલેજમાં ઍડ્મિશન નહીં મળે તો જેવા જે પણ ફિયર હોય એનું એક લિસ્ટ બનાવો. પછી જુઓ, સૌથી વધુ તીવ્ર લાગણી કઈ છે અને એને એકથી દસમાં સ્કેલ કરો. તમને જે સૌથી સ્ટ્રૉન્ગ ઇમોશન લાગતું હોય એને એકથી દસમાં તમે ક્યાં મૂકશો એ નક્કી કરો. થોડીક ક્ષણ માટે આંખ બંધ કરીને એ ઇમોશન પર વિચાર કરો તો તમને લાગશે કે એ એકલું ઇમોશન નથી, એક લાગણી સાથે લાગણીઓની આખી બાસ્કેટ છે. હવે હથેળીની સાઇડ પર એક આંગળીથી ટૅપ કરતા જાઓ અને મનમાં રિપીટ કરતા જાઓ કે અત્યારે મને આ એક્ઝામનો ફિયર થઈ રહ્યો છે છતાં હું પોતાને પૂરી રીતે પ્રેમ કરું છું અને સ્વીકાર કરું છું, ટૅપિંગ ચાલુ રાખો અને કપાળ પર, આઇબ્રોઝ પર, આંખોની પાંપણના નીચેના ભાગમાં, નાકની નીચેના હિસ્સામાં, હોઠ પર, ચિન પર ટૅપ કરતા જાઓ અને મનમાં આ વાક્ય ઉચ્ચારતા જાઓ. પછી ચેક કરો કે તમે જે સ્કેલમાં આ ડરની લાગણીને રાખી હતી એ ઘટી કે નહીં. ન ઘટી હોય તો બીજો, ત્રીજો રાઉન્ડ કરી શકાય. આમ કરીને સૌથી પહેલો આપણે સ્વીકારભાવ લાવ્યો. આ સ્વીકાર સાથે જાતને એટલે જ પ્રેમ કરો છો અને જાતને આની સાથે સ્વીકારો છો એવું જ્યારે ટૅપિંગ સાથે મનમાં રિપીટ કરો તો અંદરખાને ઇમોશનલ સ્ટેટમાં જે રેઝિસ્ટન્સ ઊભું થયું હતું એ હટી જાય, જેનાથી તમે ફ્રેશ ફીલ કરતા હો છો.’

ટૅપિંગ ઍન્ડ ટૉકિંગ ઇન માઇન્ડ

હથેળીની સાઇડ્સ, આઇબ્રો પર, આંખોની નીચે, નાકની નીચે, હોઠની નીચે, કૉલર પર એમ કેટલાક ફિક્સ સ્થાન હોય છે જ્યાં જમણા હાથની તર્જની આંગળી દ્વારા હળવા હાથે ટૅપિંગ કરવાનું હોય છે.

શ્રીમદ ભગવદ્ગીતામાં પણ સમતાભાવની ચર્ચા કરવામાં આવી છે. એ ભાવને આ ઇએફટી પ્રે‌ક્ટિસ દ્વારા ઉત્પન્ન કરાવવાના અને સપ્રેસ્ડ ઇમોશનલ એનર્જીને બહાર કઢાવવાનાં પ્રયત્નો કરાવું છું. - મિતેશ જોશી, થેરપી એક્સપર્ટ

તમને ખબર છે? અમેરિકામાં ઇમોશનલ ફ્રીડમ ટેક્નિકનો ઉપયોગ સ્પોર્ટ્સ પર્ફોર્મન્સ સુધારવા માટે થાય છે.

columnists ruchita shah