08 September, 2025 12:36 PM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર
થોડા સમય પહેલાંની વાત છે. સોશ્યલ મીડિયા પર એક જાણીતાં ગુજરાતી ઇન્ફ્લુએન્સરે પોતાના પેજ પર ૭૦ વર્ષના એક ભાઈની સાથે થયેલી ચૅટના સ્ક્રીનશૉટ મૂક્યા અને લખ્યું કે ‘આ બુઢ્ઢાની હવે ડાગળી ચસકી ગઈ છે. રાતે એક વાગ્યે મને એવા મેસેજ કરે છે કે તમારી સાથે વાત કરીને સારું લાગ્યું, આપણે દોસ્તી કરીએ વગેરે વગેરે...’
તે બહેને તો ગુસ્સો બરાબરનો પોતાની પોસ્ટમાં કાઢ્યો હતો અને તેમનો એ ગુસ્સો વાજબી પણ હતો. આ કિસ્સા પછી અચાનક જ મને બીજા પણ બે-ત્રણ કિસ્સા યાદ આવી ગયા જેમાં આ પ્રકારની જ ઘટનાઓ ઘટી હતી અને ફૅમિલીમાં પ્રૉબ્લેમ શરૂ થયા હતા. એ કિસ્સાઓમાંનો એક કિસ્સો તમારી સાથે શૅર કરું છું.
દોઢેક દસકા પહેલાં રિટાયર થયેલા એક વડીલે મોડી રાતે વૉટ્સઍપ પર તેમના ઓળખીતાની દીકરીને મેસેજ કર્યો કે મને તારી સાથે વાતો કરવી ગમે છે, તું મને મળવા આવીશ? તે દીકરીએ સવારે મેસેજ જોયો અને અંકલનો એ મેસેજ પપ્પાને દેખાડ્યો. વાત વધી ગઈ અને બન્ને ફૅમિલી વચ્ચે ઑલમોસ્ટ ઝઘડો થઈ ગયો. પેલા વડીલની હાલત તો કાપો તોય લોહી ન નીકળે એવી થઈ ગઈ. તેમનાં સંતાનોને લાગ્યું કે પપ્પાને સારવારની જરૂર છે એટલે મારી પાસે લઈ આવ્યા. વાતચીત દરમ્યાન બહુ સરસ રીતે ક્લિયર થયું કે વડીલના મનમાં તો દૂર-દૂર સુધી એવો કોઈ ભાવ નહોતો જેવો પેલી દીકરી કે પછી તેના પપ્પાએ કાઢ્યો હતો. એકલતાને આધીન એવા તે વડીલને ખબર ન પડી કે વાત કેવી રીતે કરવી જોઈએ એ તેમની ભૂલ. એનાથી વિશેષ કોઈ વાત નહીં. જોકે તેમની આ ભૂલે તેમના ચરિત્રને લાંછન લગાડી દીધું. વાત આપણે એ જ કરવી છે કે હવે સમય આવી ગયો છે કે તમારા વડીલોને એકલતા સતાવતી હોય તો તમે એ એકલતાને ઓળખો અને તેમને ગમતા કામમાં ઍક્ટિવ રાખવાનું કામ કરો. આ માત્ર કામ નથી, આ જવાબદારી છે.
સંતાનો જ્યારે પણ આ જવાબદારી ચૂકે છે ત્યારે મોટા ભાગના વડીલો પોતાની રીતે અને આવડત મુજબ સંગાથ શોધવાનું કામ કરવા માંડે છે, જેમાં આ પ્રકારના ગોટાળાઓ થાય છે. આવી ભૂલો જ્યારે પણ થાય છે ત્યારે એમાં વિજાતીય આકર્ષણની સંભાવના નહીંવત્ હોય છે; પણ હા, તેમને પોતાના કરતાં નાની ઉંમરનો સંગાથ વધુ ગમતો હોય એ પણ સ્વાભાવિક છે. જોકે એમાં લુક કરતાં એનર્જી વધારે મહત્ત્વનો રોલ ભજવતી હોય છે. કહેવાનો ભાવાર્થ એ કે આવતા આ પ્રકારના દરેક મેસેજમાં વડીલો ખરાબ નથી હોતા. એકલતાની સજા ભોગવતાં તેમનાથી આવી ભૂલ થઈ જતી હોય છે.