05 February, 2026 02:25 PM IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર
એગ-ફ્રીઝિંગ આમ તો એક મેડિકલ પ્રોસેસ છે જેમાં સ્ત્રીનાં હેલ્ધી એગ્સને કાઢીને ફ્રીઝ કરી દેવામાં આવે છે, જેથી ભવિષ્યમાં પ્રેગ્નન્સી માટે ઉપયોગમાં લઈ શકાય. અહીં સમજવા જેવી એક મહત્ત્વની વાત એ છે કે એગ-ફ્રીઝિંગ માત્ર એગ્સને ફ્રીઝ કરવાની પ્રક્રિયા નથી પણ એગ્સની ક્વૉલિટી જાળવવાની પ્રક્રિયા છે. એગ્સ જેટલાં સ્વસ્થ હશે એટલાં જ એ ભવિષ્યમાં સફળ પ્રેગ્નન્સી માટે ઉપયોગી બનશે. એગની ક્વૉલિટી પર ન્યુટ્રિશનનો સીધો અને ઊંડો પ્રભાવ પડે છે. એટલે ભવિષ્યમાં એગ-ફ્રીઝિંગની યોજના બનાવતી મહિલાઓ માટે યોગ્ય ન્યુટ્રિશનનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી બની જાય છે.
આ મહત્ત્વના મુદ્દે વાત કરતાં ન્યુટ્રિશનિસ્ટ લવનીત બત્રા સોશ્યલ મીડિયા પોસ્ટના માધ્યમથી સમજાવે છે, ‘જે સ્ત્રીઓ એગ-ફ્રીઝિંગ કરવાનું વિચારે છે તેઓ મોટા ભાગે ઈંડાની સંખ્યા વિશે ચિંતિત હોય છે, પરંતુ આ પ્રક્રિયાની સાચી સફળતા ઈંડાંની ગુણવત્તા પર આધાર રાખે છે. તમે અત્યારે જે ખાઓ છો એ ૯૦ દિવસમાં તમારાં ઈંડાંની ગુણવત્તા બદલી શકે છે, કારણ કે ઈંડાંને સંપૂર્ણ રીતે તૈયાર થવામાં લગભગ ત્રણ મહિનાનો સમય લાગે છે. સ્ત્રીના શરીરમાં ઈંડાંની સંખ્યા કેટલી છે એ તેની ઉંમર પર આધારિત છે. એને ખોરાક દ્વારા વધારી શકાતી નથી પણ ઈંડાંની ગુણવત્તામાં ફેરફાર કરવો શક્ય છે. એ તમારા ખોરાક અને શરીરની ચયાપચનની ક્રિયા સાથે જોડાયેલી છે. ઈંડાં બહાર કાઢવાની પ્રક્રિયાના ૯૦ દિવસ પહેલાં તમે જે ખોરાક પસંદ કરો છો એની અસર ઈંડાંની ગુણવત્તા પર દેખાય છે. યોગ્ય ડાયટ દ્વારા ઈંડાંને વધુ હેલ્ધી બનાવી શકાય છે જે આગળ જતાં ગર્ભધારણની શકયતા વધારે છે. ઈંડાંની ગુણવત્તાને સુધારવા માટે ઓમેગા થ્રી, વિટામિન D, મૅગ્નેશિયમ, ઍન્ટિઑક્સિડન્ટ્સ અને કોએન્ઝાઇમ 10 (CoQ10) યુબિક્વિનોલ કે જે ચરબીમાં ઓગળી શકે એવું વિટામિન જેવું તત્ત્વ છે એનો ખોરાકમાં સમાવેશ કરવો જરૂરી છે.’
ઈંડાંની ગુણવત્તામાં ડાયટની ભૂમિકા
એગની ક્વૉલિટી સુધારવામાં આ ન્યુટ્રિઅન્ટ્સ કઈ રીતે કામ કરે છે એ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપતાં ડાયટિશ્યન ભાવિ મોદી કહે છે, ‘ઈંડું શરીરનો સૌથી મોટો કોષ છે અને એને તંદુરસ્ત રીતે વિકસિત થવા માટે પુષ્કળ શક્તિની જરૂર હોય છે. આ શક્તિ પૂરી પાડવાનું કામ ઈંડામાં રહેલું પાવરહાઉસ કરે છે. અહીં મૅગ્નેશિયમ અને CoQ10 બન્ને પૂરક તરીકે કામ કરે છે. મૅગ્નેશિયમ કોષોની અંદર આવેલા પાવરહાઉસમાં ઊર્જા બનાવવાની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે, જ્યારે CoQ10 ઊર્જાના ઉત્પાદનને વેગ આપી ઈંડાંને જરૂરી સુપર ફ્યુઅલ પૂરું પાડે છે. મૅગ્નેશિયમ માત્ર શક્તિ જ નથી આપતું, પણ કુદરતી રીતે શરીરને શાંત રાખવાનું કામ કરે છે. એ સ્ટ્રેસ-હૉર્મોનને ઘટાડે છે. જો શરીરમાં તનાવ ઓછો હશે તો હૉર્મોન્સનું સંતુલન સારું રહેશે અને ઈંડાંની ગુણવત્તા આપોઆપ સુધરશે. જે સ્ત્રીઓને PCOSની સમસ્યા હોય તેમના માટે મૅગ્નેશિયમ વરદાનરૂપ છે, કારણ કે એ બ્લડ-શુગરને કન્ટ્રોલ કરીને ઈંડાંના વિકાસ માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડે છે. એવી જ રીતે વિટામિન Dની વાત કરીએ તો એ ઈંડાને સારી રીતે વિકસાવવામાં અને એને પૂરતું મૅચ્યોર થવામાં મદદ કરે છે. એ શરીરનાં હૉર્મોન્સને સંતુલિત રાખે છે. એવી જ રીતે શરીર કે પ્રજનન અંગોમાં રહેલો સોજો ઈંડાંની ગુણવત્તા બગાડે છે. એવામાં ઓમેગા થ્રી ફૅટી ઍસિડ કુદરતી રીતે આ સોજાને ઓછો કરે છે, જેથી ઈંડાંને વિકસવા માટે સ્વસ્થ વાતાવરણ મળે છે. ઓમેગા થ્રી ઈંડાંના બહારના પડ એટલે કે સેલ મેમ્બ્રેનને નરમ અને લવચીક રાખે છે. સેલ મેમ્બ્રેન હેલ્ધી અને ફ્લેક્સિબલ હોય તો જ શુક્રાણુ ઈંડાંની અંદર સરળતાથી પ્રવેશ કરી શકે છે અને ફર્ટિલાઇઝેશનની પ્રક્રિયા સફળ થાય છે. ઍન્ટિઑક્સિડન્ટ્સની વાત કરીએ તો એ સુરક્ષાકવચ જેવું કામ કરે છે. આપણા શરીરમાં પ્રદૂષણ, અયોગ્ય ખોરાક, સ્ટ્રેસ વગેરેને કારણે ફ્રી રૅડિકલ્સ નામનાં ઝેરી તત્ત્વો પેદા થાય છે, જે ઈંડાંને નબળાં પાડે છે.’
બીજાં કયાં પોષક તત્ત્વો જરૂરી?
જોકે ભાવિ મોદી આ પાંચ પોષક તત્ત્વો સિવાયનાં બીજાં આવશ્યક ન્યુટ્રિઅન્ટ્સ તેમ જ CoQ10ને લઈને પોતાનો અલગ મત રજૂ કરતાં કહે છે, ‘આ પાંચેય પોષક તત્ત્વોમાંથી CoQ10 મને એટલું આવશ્યક નથી લાગતું. CoQ10 તમારું શરીર કુદરતી રીતે જ કોષોમાં બનાવે છે. જો તમારાં ડાયટ અને લાઇફસ્ટાઇલ સારાં હોય તો CoQ10 સપ્લિમેન્ટની જરૂર ભાગ્યે જ પડે છે. આના કરતાં પ્રોટીન, આયર્ન, ગુડ ફૅટ, ફૉલિક ઍસિડ, B12 જેવાં પોષક તત્ત્વો લેવાની આવશ્યકતા વધુ છે. આપણું ઈંડું, જે એક કોષ છે એ પ્રોટીનનું બનેલું હોય છે. નવા કોષોના નિર્માણ અને જૂના કોષોના રિપેરિંગ માટે પ્રોટીન અનિવાર્ય છે. પ્રજનન માટે જવાબદાર મોટા ભાગનાં હૉર્મોન્સ પ્રોટીનનાં બનેલાં હોય છે. જો ખોરાકમાં પ્રોટીન ઓછું હોય તો હૉર્મોનલ અસંતુલન સર્જાય છે, જેની સીધી અસર ઈંડાંના વિકાસ પર પડે છે. આયર્નની વાત કરીએ તો એ લોહીમાં હીમોગ્લોબિન બનાવે છે, જે અંડાશય સુધી ઑક્સિજન પહોંચાડે છે. જો ઑક્સિજન ઓછો મળે તો ઈંડાં નબળાં પડે છે. મોટા ભાગની સ્ત્રીઓમાં આયર્નની ઊણપ જોવા મળતી હોય છે, જે ઑવ્યુલેશનમાં અવરોધ ઊભો કરી શકે છે. ફૉલિક ઍસિડ અને વિટામિન B12 ઈંડાંના જિનેટિક સ્વાસ્થ્ય માટે પાયાનું કામ કરે છે. ફૉલિક ઍસિડ ઈંડાંની અંદર રહેલા DNAને સુરક્ષિત રાખે છે અને કોષવિભાજનમાં મદદ કરે છે, જે ગર્ભધારણ પછી બાળકમાં જન્મજાત ખામીઓ અટકાવવા માટે અનિવાર્ય છે, જ્યારે વિટામિન B12 ઈંડાંની ગુણવત્તા સુધારવાની સાથે એના જિનેટિક બંધારણને મજબૂત બનાવે છે. એ ખાતરી કરે છે કે ઈંડું અંદરથી સંપૂર્ણ રીતે સ્વસ્થ છે, જેથી ભવિષ્યમાં જ્યારે એમાંથી ગર્ભ બને ત્યારે કસુવાવડનું જોખમ ન રહે અને ગર્ભનો વિકાસ સુરક્ષિત રીતે થાય.’
ડાયટમાં શું ખાવું?
જો તમે રોજિંદા જીવનમાં સંતુલિત આહાર લેવા પર ધ્યાન આપો તો તમામ જરૂરી તત્ત્વો કુદરતી રીતે જ શરીરને મળી રહે છે. પ્રોટીન માટે આહારમાં કઠોળ, દાળો, ડેરી પ્રોડક્ટ્સ, સોયાબીન, નટ્સ અને સીડ્સનો સમાવેશ કરો. આયર્ન માટે લીલાં પાંદડાંવાળી શાકભાજી, બીટ, ગાજર, ખજૂર, સૂકી દ્રાક્ષ, ગોળ, બાજરી, રાગીનું સેવન કરો. પમ્પકિન સીડ્સ, કેળાં, પાલક, ઓટ્સ, જવ, બાજરી, સોયાબીન, કાળા ચણા ખાશો તો તમને મૅગ્નેશિયમ મળી રહેશે. હેલ્ધી ફૅટ્સ માટે સૂકો મેવો, સીડ્સ, ઘી, તેલનો આહારમાં સમાવેશ કરો. વિટામિન D માટે સૂર્યપ્રકાશ લો. સૂર્યપ્રકાશમાં રાખેલાં મશરૂમ ખાઓ. ફોર્ટિફાઇડ ફૂડ્સ ખાઓ. ફોલેટ મેળવવા માટે પાલક, મસૂર દાળ, ચણા, અવાકાડો, નારંગીનું સેવન કરો. B12 માટે દૂધ, દહીં, પનીરનું સેવન કરો અથવા એવાં ફોર્ટિફાઇડ ફૂડ્સ ખાઓ જેમાં ઉપરથી B12 ઉમેરવામાં આવ્યું હોય. ઍન્ટિઑક્સિડન્ટ્સ માટે સ્ટ્રૉબેરી, બ્લુબેરી જેવી બેરીઝ, આમળાં, લીંબુ, સંતરાં જેવાં વિટામિન C યુક્ત ફળો, બ્રૉકલી, ગાજર, શક્કરિયાં જેવી શાકભાજી, ડ્રાયફ્રૂટ્સ અને મસાલાઓ ખાઓ. તમારી થાળીમાં શાકભાજી, ફળો, કઠોળ, અનાજ, દાળ, નટ્સ ઍન્ડ સીડ્સનો સમાવેશ હશે તો શરીરને જરૂરી એવાં તમામ પોષક તત્ત્વો કુદરતી રીતે જ મળી રહેશે.