વજન ઉતારવા માટે જ્યારે ડાયટ નક્કી કરો ત્યારે આટલી વાતોનું ધ્યાન રાખવું

31 May, 2025 07:24 AM IST  |  Mumbai | Yogita Goradia

મુખ્ય વસ્તુ એ છે કે ડાયટ કરીએ તો ભૂખ્યા રહેવું પડે એ વિચાર જ મગજમાંથી કાઢી નાખવા જેવો છે, કારણ કે ભૂખ્યા રહેવાથી વજન ઘટે નહીં, ઊલટી બીજી ઉપાધિઓ વધી જાય છે.

પ્રતીકાત્મક તસવીર

ઘણા લોકો ડાયટના નામે જ ગભરાતા હોય છે. એવા ઘણા લોકો છે જેમના મોઢે સાંભળવા મળે છે કે હું તો ભૂખ્યો ન રહી શકું, મને તો ખાવા જોઈએ જ. હકીકત એ છે કે માણસ માત્રને ખાવા જોઈએ અને ડાયટ કરવું એટલે ભૂખ્યા રહેવું નહીં. લોકોના મનમાં આ કન્સેપ્ટ ઘૂસી ગયો છે કે ડાયટ એટલે ભૂખમરો. અમારી પાસે ઘણા લોકો એટલા ગભરાતા આવે છે કે વેઇટલૉસ માટે ડાયટ મારાથી નહીં થાય અને જ્યારે અમે તેમને ચાર્ટ આપીએ છીએ ત્યારે એ લોકો આશ્ચર્ય સાથે પૂછે છે કે આટલું બધું ખાવાનું? ઘણા શક પણ કરે છે કે આટલું બધું ખાઈશ તો વજન ઓછું થશે? ત્યારે અમે કહીએ છીએ કે કરીને તો જુઓ અને રિઝલ્ટ ઘણાં સારાં મળે છે. મુખ્ય વસ્તુ એ છે કે ડાયટ કરીએ તો ભૂખ્યા રહેવું પડે એ વિચાર જ મગજમાંથી કાઢી નાખવા જેવો છે, કારણ કે ભૂખ્યા રહેવાથી વજન ઘટે નહીં, ઊલટી બીજી ઉપાધિઓ વધી જાય છે.

ડાયટમાં સૌથી મહત્ત્વની વસ્તુ છે કે તમે શું ખાઓ છો, કેટલું ખાઓ છો અને ક્યારે ખાઓ છો. એટલે કે ફૂડની ચૉઇસ, ફૂડની ક્વૉન્ટિટી અને ફૂડનું ટાઇમિંગ આ ત્રણેય વસ્તુ જ્યારે નિશ્ચિત થાય છે ત્યારે એ પ્રૉપર ડાયટ બને છે. જો તમે ખૂબ વધારે કૅલરીયુક્ત ખોરાક લો અથવા ફક્ત શાકભાજી અને ફળો જ ખાધા કરો આ બન્ને પરિસ્થિતિ ખોટી ડાયટ ગણાય છે. ડાયટ હંમેશાં એવું હોવું જોઈએ કે જેમાં કાર્બોહાયડ્રેટ, પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ બધું સપ્રમાણ શરીરને જરૂરી છે એટલું જ અને એટલી માત્રામાં મળી રહે. વળી ખાવાનો સમય પણ નિશ્ચિત કરવામાં આવે છે, જેને કારણે શરીરનું એક ટાઇમ-ટેબલ સેટ થાય અને સમયસર ખાવાથી એ ખોરાકનું યોગ્ય પાચન થાય.

ડાયટની પસંદગી પણ અમુક બાબતો પર નિર્ભર કરે છે. જેમ કે સહજ છે કે ૨૦ વર્ષના વ્યક્તિની અને ૫૦ વર્ષની વ્યક્તિની ડાયટ સરખી ન હોઈ શકે. આમ ડાયટની પસંદગી ઉંમર પર આધાર રાખે છે. ડાયટમાં જેન્ડર પણ મહત્ત્વની છે. એક સ્ત્રી અને પુરુષની ખોરાકની જરૂરિયાતો અલગ-અલગ રહે છે. આ સિવાય માણસ દિવસ દરમિયાન કેટલી ફિઝિકલ ઍક્ટિવિટી કરે છે એના પર પણ એનો આધાર રહે છે. જેમ કે ફૅક્ટરી સાઇટ પર ૧૦-૧૨ કલાક મજૂરી કરતો માણસ અને ઑફિસમાં આઠ કલાકની ડ્યુટી ભજવતા માણસનો ખોરાક અલગ જ રહેવાનો. આમ ઉંમર, જેન્ડર અને ફિઝિકલ ઍક્ટિવિટીને ધ્યાનમાં રાખીને જ દરેક વ્યક્તિએ પોતાની ડાયટ નક્કી કરવી જોઈએ. આ સિવાય વ્યક્તિને કોઈ પણ પ્રકારનો રોગ હોય તો પણ તેની ડાયટ જુદી હોઈ શકે છે.

diet overweight health tips food news life and style columnists gujarati mid-day mumbai