મેલપાવર માટે ખાઓ મેથી

06 December, 2021 05:08 PM IST  |  Mumbai | Sejal Patel

તાજેતરમાં બહાર પડેલી ટૉપ ટેન ટેસ્ટોસ્ટેરોન સપ્લિમેન્ટ્સની યાદીમાં છ સપ્લિમેન્ટ્સમાં મેથીનો ઍબ્સ્ટ્રૅક્ટ મેઇન કન્ટેન્ટ છે. સવાલ એ છે કે તો પછી સપ્લિમેન્ટ લેવાને બદલે મેથીનો જ ઉપયોગ કરવામાં શું ખોટું છે? ચાલો જાણીએ નિષ્ણાત પાસેથી

પ્રતીકાત્મક તસવીર

પુરુષ હૉર્મોન ટેસ્ટોસ્ટેરોનની કમીથી માત્ર અંગત જીવનમાં જ નહીં, ઓવરઑલ હેલ્થ પર પણ અસર પડતી હોય છે એ વાત હવે સૌ જાણે છે. પુરુષોની શારીરિક, માનસિક અને બિહેવિયરલ એમ ઘણી બાબતો ટેસ્ટોસ્ટેરોનથી અસર પામે છે. જેમ-જેમ ઉંમર વધતી જાય, આ હૉર્મોન પેદા થવાનું પ્રમાણ ઘટતું જાય છે અને એવામાં ઘણા પુરુષોને એનાં સપ્લિમેન્ટ્સ લેવાનું કહેવામાં આવે છે. છેલ્લાં પાંચેક વર્ષમાં પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ઘટી રહ્યું હોવાના અભ્યાસો બહાર આવી રહ્યા છે ત્યારે ૨૦૨૧માં સૌથી વધુ ચાલેલાં ટૉપ ૧૦ ટેસ્ટોસ્ટેરોન સપ્લિમેન્ટ્સની યાદી પણ ગ્લોબલ માર્કેટ સર્વેમાં બહાર આવી હતી. મોટા ભાગે હર્બલ અને નૅચરલ ચીજોનાં ઍબ્સ્ટ્રૅક્ટ અને વિટામિન્સમાંથી બનેલાં સપ્લિમેન્ટ્સ વધુ અસરકારક અને ઓછી આડઅસરવાળાં હોવાનું કહેવાયું છે અને એમાંય મોટા ભાગની પૂરક દવાઓમાં મેથીનો અર્ક વપરાયો છે. તો પછી દવા લેવાને બદલે માત્ર મેથી લઈએ તો ન ચાલે? 
‍મેથી અને દવામાં શું ફરક?
મેથીનો અર્ક ટેસ્ટોસ્ટેરોન માટે ખૂબ જ અકસીર છે એ વિશે જણાવતાં આયુર્વેદાચાર્ય ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘આયુર્વેદમાં ઘણાં દ્રવ્યો છે જે શુક્રધાતુ અને ઓજસ વધારે છે. એમાંનું એક છે મેથી. એમાં નૅચરલ સ્ટેરૉઇડ્સ અને ટેસ્ટોસ્ટેરોન રહેલાં છે. દવાઓમાં મેથીનો માત્ર ટેસ્ટોસ્ટેરોન વર્ધક અર્ક જ અલગ તારવીને વાપરવામાં આવે છે એને કારણે એ કૉન્સન્ટ્રેટેડ હોય છે. જો તમને ટેસ્ટોસ્ટેરોનની ઊણપને કારણે એનાં ચોક્કસ લક્ષણો વર્તાતાં હોય તો એવા સમયે સપ્લિમેન્ટ્સ લેવાં પડી શકે છે. જ્યારે ઊણપ ઓછી હોય અને હૉર્મોનનું સ્તર મેઇન્ટેઇન કરવાનું હોય ત્યારે ડાયરેક્ટ મેથી વાપરવી હિતાવહ છે. મેથીના નિયમિત ઉપયોગથી બની શકે કે તમને ભવિષ્યમાં સપ્લિમેન્ટ્સની જરૂર ન પડે અથવા તો ઓછી પડે.’
બેમાંથી સારું શું?
મેથી લેવી કે સપ્લિમેન્ટ્સ? આ સવાલનો જવાબ આપતાં ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘મેથીને કુદરતી ફૉર્મમાં લો તો એના બીજા પણ અનેક ફાયદા છે. વાયુના અનેક રોગોમાં એ કામ કરે છે, જ્યારે દવામાં ટેસ્ટોસ્ટેરોનનો કૉન્સન્ટ્રેટેડ અર્ક હોય છે. એની માત્રા વધઘટમાં લેવાઈ જાય તો એ નુકસાનકારક બની શકે છે. મેથી કુદરતી ફૉર્મમાં લેવાથી અસરકારક છે, પરંતુ ધીમે-ધીમે થાય. ઇન્સ્ટન્ટ અસર ન થાય.’
કેવી રીતે લેવી?
રાતે મેથી પલાળીને સવારે પાણી નિતારીને મેથી ગળી જવી એ બેસ્ટ પર્યાય છે એમ જણાવતાં ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘આ સીઝનમાં મેથીના લાડુ ખવાય છે. ભોજન બનાવવામાં પણ મેથીનો છૂટથી પ્રયોગ કરવો. શિયાળામાં લીલી મેથી પણ બહુ આવે છે. એનું શાક બનાવીને કે પછી થેપલાં-ઢેબરાં બનાવીને પણ લઈ શકાય.’
શું ધ્યાન રાખવું?
મેથી બધાને જ સદે એ જરૂરી નથી. પિત્તપ્રાધાન્ય ધરાવતા કેટલાક લોકોને એ ગરમ પડી શકે છે. આવા લોકો માટેનો પ્રયોગ સૂચવતાં ડૉ. સંઘવી કહે છે, ‘ગરમ પડતી હોય તો મેથીને પલાળીને સવારે સમભાગે જીરું ઉમેરીને સાથે ખાવું. મેથીની ભાજીના શાકથી પિત્ત થતું હોય તો એમાં કોપરું ઉમેરવાથી સંતુલન આવે છે.’

life and style health tips