તમાકુ અને દારૂની આદતને કારણે દૃષ્ટિ ખરાબ થાય?

24 January, 2022 12:13 PM IST  |  Mumbai | Dr. Himanshu Mehta

ડૉક્ટરે કહ્યું કે તેમને ટબૅકો-આલ્કોહોલ એમ્બ્લિઓપિયા થયું છે. તેમને હવે સાવ દેખાતું નથી. ડૉક્ટરે તમાકુ સાવ બંધ કરવાનું કહ્યું છે. ઇલાજના નામે કંઈ ખાસ ચાલતું નથી. સ્મોકિંગ તો ઘણા લોકો કરતા હોય છે. શું ખરેખર એને કારણે જ આવું થયું છે? 

પ્રતીકાત્મક તસવીર

મારા મોટા ભાઈ ૪૮ વર્ષના છે. તેમને થોડા સમય પહેલાં એક આંખમાં તકલીફ શરૂ થઈ અને બે-ત્રણ દિવસમાં બીજી આંખમાં પણ જોવાની તકલીફ આવી ગઈ. શરૂમાં ધૂંધળું દેખાતુ હતું અને કંઈ સમજીએ એ પહેલાં બે દિવસમાં જ આંખે દેખાવાનું સાવ બંધ થઈ ગયું. ડૉક્ટરે કહ્યું કે તેમને ટબૅકો-આલ્કોહોલ એમ્બ્લિઓપિયા થયું છે. તેમને હવે સાવ દેખાતું નથી. ડૉક્ટરે તમાકુ સાવ બંધ કરવાનું કહ્યું છે. ઇલાજના નામે કંઈ ખાસ ચાલતું નથી. સ્મોકિંગ તો ઘણા લોકો કરતા હોય છે. શું ખરેખર એને કારણે જ આવું થયું છે? 
    
તમાકુ અને આલ્કોહોલને કારણે કૅન્સર થાય છે એ બધાને ખબર છે, પરંતુ આંખની રોશની પણ જતી રહે છે એ કોઈને ખબર નથી હોતી. ઑપ્ટિક નર્વ એ આંખ અને મગજ બંને વચ્ચેનો સેતુ છે. આ પરિસ્થિતિમાં વ્યક્તિની આંખ એકદમ બરાબર હોય, તેનું મગજ પણ એકદમ ઠીક હોય; પરંતુ એ બંને વચ્ચેનો સેતુ જ ખંડિત થઈ ગયો હોવાથી વ્યક્તિની દૃષ્ટિ અસરગ્રસ્ત થાય છે. તમારા ભાઈની ઑપ્ટિક નર્વ પર ખૂબ વધારે અસર થઈ હશે જેને કારણે દૃષ્ટિ સાવ જતી રહી છે. એના ઇલાજમાં ધીરજ રાખવી જરૂરી છે. 
આવા સમયે દરદીનું સ્મોકિંગ અને આલ્કોહોલ બંને બંધ કરાવી દઈ, તેને પોષણની ગોળીઓ આપીને, જરૂર પડે તો સ્ટેરૉઇડ્સ આપીને તેનું ડૅમેજ આગળ વધતાં અટકાવી શકાય છે. ઘણા કેસમાં જો એકદમ શરૂઆત જ હોય તો વ્યક્તિનું વિઝન પહેલાં જેવું થવાની શક્યતા રહે છે. જોકે તમારો કેસ જોતાં લાગે છે કે ડૅમેજ વધુ હશે. તેમની બરાબર તપાસ કરીને જ જાણી શકાય કે હવે એ ઠીક થઈ શકે એમ છે કે નહીં. 
દરેક વ્યક્તિને આલ્કોહોલ કે સ્મોકિંગથી આ રોગ થાય એવું હોતું નથી એમ તમે કહો છો. આ તો એવી વાત થઈ કે રફ ડ્રાઇવિંગ તો ઘણા લોકો કરતા હોય છે, પણ બધાના ઍક્સિડન્ટ થતા નથી. હકીકતમાં આ તમે સામેથી બોલાવેલી ટ્રૅજેડી છે. સ્મોકિંગ અને આલ્કોહોલની અસરની સાથે-સાથે કુપોષણની અસર જોડાય છે અને સીધી ઑપ્ટિક નર્વ પર અસર થાય છે. તમારા ભાઈને આ થયું છે તો તમને પણ એ થવાની શક્યતા ઘણી વધારે છે. એટલે ટબૅકો અને આલ્કોહોલથી દૂર જ રહેવું જરૂરી છે. જીવનભરના અંધાપાથી દૂર રહેવા માટે સ્મોકિંગ અને આલ્કોહોલથી દૂર રહેવું જરૂરી છે.

columnists health tips