કાચા-કાચા, છોટા-છોટા નીંબુડા આધાશીશીમાં ફાયદો કરાવે?

09 June, 2025 01:41 PM IST  |  Mumbai | Sameera Dekhaiya Patrawala

શું કાચું લીંબુ માથાના દુખાવામાં રાહત આપી શકે? શું તીવ્ર પીડા અને ઝમઝમાટ વચ્ચે આ ખાટું ફળ કામ કરે ખરું? આવો જાણીએ યે સચ હૈ યા બકવાસ.

પ્રતીકાત્મક તસવીર

માથાના દુખાવાના દરદીઓ માટે દુખાવામાંથી રાહત મેળવવી એક વિકલ્પ નહીં, જરૂરિયાત બની જાય છે. આમ તો આધાશીશી એટલે કે માઇગ્રેનમાં દવા અને લાઇફસ્ટાઇલના બદલાવ ઇલાજ તરીકે વપરાય છે ત્યારે અનેક ઘરગથ્થુ નુસખા પણ કામે લગાડાય છે. એવામાં એવું કહેવાય છે કે લીંબુથી આધાશીશીમાં ફરક પડે છે. ખરેખર? શું કાચું લીંબુ માથાના દુખાવામાં રાહત આપી શકે? શું તીવ્ર પીડા અને ઝમઝમાટ વચ્ચે આ ખાટું ફળ કામ કરે ખરું? આવો જાણીએ યે સચ હૈ યા બકવાસ.

લીંબુના ઇલાજનું મૂળ શું છે?

લીંબુ ભારતીય ઘરોમાં માત્ર સ્વાદ માટે નહીં, એના ઉપચારાત્મક ગુણધર્મો માટે પણ વપરાય છે. પાચન સુધારવું હોય કે રોગપ્રતિકારક શક્તિ વધારવી હોય તો લીંબુ ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. જ્યારે વાત આધાશીશી જેવી ન્યુરોલૉજિકલ બીમારીની આવે છે ત્યારે લીંબુ એનો ઇલાજ બની શકે કે કેમ એ થોડું શંકાસ્પદ છે. એના વિશે છેલ્લાં ૧૫ વર્ષથી કાંદિવલીમાં પ્રૅક્ટિસ કરતા જાણીતા ન્યુરોસર્જ્યન ડૉ. વિવેક પટેલ કહે છે, ‘લીંબુથી આધાશીશીમાં રાહત મળે છે એ વાતનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. હા, જો આધાશીશી ડીહાઇડ્રેશન કે અપચાને કારણે થયું હોય તો એના ઉપયોગથી ઍસિડિટી ઘટાડીને, ઇલેક્ટ્રોલાઇટ્સ મેળવીને થોડી રાહત ચોક્કસ લઈ શકાય, પણ એ તાત્કાલિક અને મર્યાદિત અસર છે. આધાશીશીનું મૂળ ન્યુરોલૉજિકલ અથવા હૉર્મોનલ અસંતુલન હોઈ શકે છે. માથાના દુખાવા માટે લીંબુ એકમાત્ર ઇલાજ નથી, એ સહાયક હોઈ શકે છે, પણ મુખ્ય ઇલાજ તરીકે નહીં.’

આધાશીશીમાં અમુક લોકો પૅરાસિટામૉલ કે મેટાસિન લે, અમુકને લાગે કે આઇસક્રીમ ખાવાથી સારું થાય એવું જણાવીને આગળ વાત કરતાં ડૉ. વિવેક પટેલ કહે છે, ‘એનાથી ગ્લુકોઝ-લેવલ વધે, લોહીમાં સપ્લાય વધે એટલે સારું લાગે. બધાને અલગ-અલગ કારણે આધાશીશી થતી હોય છે. એ હિસાબે દરેક વ્યક્તિ પોતાની રીતે ઘરગથ્થુ ઇલાજ પણ કરે છે. કોઈને ગ્લુકોઝ લેવાથી મટે તો કોઈ વળી આઇસપૅક લગાડે છે તો કોઈ હૉટવૉટર-બૅગ વાપરે. બ્રાઇટ લાઇટ અને લાઉડ સાઉન્ડથી પણ એ થાય તો એનો ઇલાજ એ જ છે કે ડિમ લાઇટમાં કામ કરે અને શાંત ઓરડામાં બેસે. કૅફીન એક એવી વસ્તુ છે જે માઇગ્રેન ઓછું કરવામાં મદદ કરે છે. આ વાત બહુ પ્રખ્યાત છે. અમે ઘણી વાર સ્પાઇન-ઇન્જરી દરમ્યાન નીડલ નાખીને પાણી ખેંચીએ છીએ ત્યારે એ ઑપરેશન પછી માથું દુઃખવાની સમસ્યા વધી જાય છે. એવા સમયે અમે દિવસમાં બે કે ત્રણ વખત કૉફી આપવાનું કહીએ. લોકો દિવસ દરમ્યાન સાવ ઓછું પાણી પીએ છે એટલે પણ થઈ શકે છે. મોટા ભાગે પાણી પીવાનું કહેવામાં આવે. એમ કરવાથી તમારા લોહીનું વૉલ્યુમ વધી જાય છે. આપણું લોહી ૭૦ ટકા પાણી જ છે. માઇગ્રેન થવાનું કોઈ એક કારણ નથી. કૉલ-સેન્ટરમાં મોટા ભાગના લોકોને નાઇટ-ડ્યુટી રહે છે એટલે સ્લીપ-સાઇકલ ડિસ્ટર્બ થાય. એવામાં આરામ કરવો જરૂરી પડે અથવા કૉફી અને પાણી પીવું. એક વિચિત્ર કેસમાં મને પેશન્ટે કહેલું કે રાતે સૂતી વખતે મને સપનું આવે ત્યારે માથું દુખવા માંડે છે. લોકોને આધાશીશી માટે કોઈ પણ વસ્તુ ટ્રિગર કરી શકે છે. તમારે એ ઓળખીને એને શક્ય હોય તો બદલવાની છે. અમુક લોકો મસાજ કરે તો અમુક સૂઈ જાય.’

આયુર્વેદ શું કહે છે?

છેલ્લાં ૨૫ વર્ષથી આયુર્વેદિક પદ્ધતિથી કૅન્સરની સર્જરી કરતા નિષ્ણાત આયુર્વેદાચાર્ય ડૉ. પ્રણવ દવે લીંબુને ઉપચારાત્મક રીતે ઉપયોગી માનતાં કહે છે, ‘આયુર્વેદમાં આધાશીશીને ‘અર્ધાવભેદક’ કહેવાય છે, જે વાત અને પિત્તદોષના અસંતુલનથી થાય છે. લીંબુની ખટાશ પિત્તને શમાવે છે અને પાચનતંત્ર સુધારે છે, જેથી ટૉક્સિન દૂર થાય છે.’

તેઓ સૂચવે છે કે નવશેકા ગરમ પાણીમાં થોડું લીંબુ અને સિંધવ મીઠું ઉમેરીને પીવાથી આધાશીશીની શરૂઆતમાં રાહત મળે છે, પણ તેઓ ચેતવણી પણ આપે છે કે તીવ્ર દુખાવા દરમ્યાન લીંબુ ખાવું નુકસાનકારક થઈ શકે છે.

આ વિશે આગળ વાત કરતાં ડૉ. પ્રણવ દવે કહે છે, ‘માઇગ્રેન કોઈ એક રીતનું નથી હોતું. એ માથાના દુખાવાનો એક પર્યાય બની ગયો છે. આ તો માત્ર એક ટાઇપ જ છે. એમાં બધા દરદી આવીને એને માઇગ્રેનમાં જ ખપાવે છે. ખરેખર તો જે સૂર્યોદય સાથે શરૂ થાય અને અસ્ત થતાં બંધ થાય એ જ આધાશીશી છે; જે વાયુ, પિત્ત અને કફથી થાય છે. કાચું લીંબુ ખાવાથી એ મટે એવું મારી જાણમાં નથી. હા, તમને જે તકલીફ છે એમાં કોઈ રીતે લીંબુનો ઉપચાર થાય અને કોઈ ચોક્કસ કારણસર મટે એ સમજી શકાય. જેમ કે લીંબુમાં વિટામિન C છે એ પિત્તનું શમન કરે છે. કોઈને તડકામાં જાય ને માથું દુખે. પિત્ત કે ઍસિડ થાય એમાં લીંબુ શરબત પીવાથી કે લીંબુનું ગળ્યું અથાણું લેવાથી મટી જાય છે. કોઈને હીમોગ્લોબિન ઓછું હોય, ડેફિશ્યન્સી હોય એમાં લીંબુ શરબત આપીએ તો એ રીતે માથું દુઃખવાનું મટે છે. જો કોઈને કફ હોય અને લીંબુ શરબત આપો તો કફ વધી જાય છે. માથાના દરેક દુખાવામાં કે માઇગ્રેનમાં લીંબુ કામ ન કરે. આ એમ છે કે ઘરેલુ ઉપચારમાં અમુક કામ લાગે ને અમુક ન લાગે. કોઈને ગૅસ થાય અને માથું દુખે તો એમાં જોડી દેવાય છે કે લીંબુથી ફરક પડ્યો. ખરેખર એક વસ્તુમાં કામ લાગ્યું હોય. આગળ કહ્યું એમ ખરેખર તો માઇગ્રેન એક બહોળી ટર્મ છે. એમાં દરેકનું કારણ અલગ-અલગ હોય છે. ભૂખ્યા રહ્યા હોય અને માથું દુખે તો એનું કારણ ખતમ કરો, જમી લો. રાતે ઉજાગરો કરી માથું દુખે તો સૂવું જ એનો ઉપાય છે. તડકામાં દુખે તો લીંબુપાણી કે ગુલકંદનું શરબત પીઓ. ગુલાબ કે કાળી દ્રાક્ષનું પાણી લો તો અગ્નિનું શમન થાય. એ રીતે માથું દુઃખવાનું મટી શકે. માઇગ્રેનનું મૂળ કારણ શોધવું જરૂરી છે. શરદીને લીધે થાય તો એના ઉપાય કરવા. તાવ હોય અને માથું દુખે તો એનાથી મટી જાય. દર વખતે લીંબુ જરૂરી નથી.’

અંતે હકીકત એ છે કે લીંબુ બધાને ઉપયોગી થાય એવું જરૂરી નથી. જ્યાં ન્યુરોસાયન્સ એને એક સાઇડ રેમેડી તરીકે જુએ છે ત્યાં આયુર્વેદ એને સમગ્ર તંત્રને સંતુલિત કરનારા ઘટક તરીકે જુએ છે. લીંબુ શારીરિક તનાવ, ડીહાઇડ્રેશન અથવા પાચનસંબંધિત આધાશીશીમાં સહાયક બની શકે છે; પણ એ કોઈ ચમત્કારિક ઇલાજ તો નથી જ.

health tips life and style ayurveda columnists gujarati mid-day mumbai