ટીવી જોવાથી ચશ્માંના નંબર વધતા જાય છે

11 November, 2022 05:23 PM IST  |  Mumbai | Dr. Himanshu Mehta

 તમારી જેમ જ ઘણા લોકોને ટીવી જોવાથી બાળકની આંખ ખરાબ થઈ જાય છે એવી એક માન્યતા છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

મારું બાળક ૬ વર્ષનું છે અને અત્યારનાં બધાં બાળકોની જેમ એ પણ ગૅજેટથી ચોંટેલું રહે છે. તે કાર્ટૂન્સ જોયા કરે છે. તેને ચશ્માં આવ્યાં છે ત્યારથી મેં પ્રયત્નો કર્યા, પણ કાર્ટૂન્સ છોડાવી નથી શકી. એને લીધે ૬ મહિનાની અંદર તેના નંબર પાછા વધી ગયા. તે ટીવી તો જુએ જ છે, એ પણ સાવ નજીકથી. જો તે આમ જ ટીવી જોયા કરશે અને એને લીધે તેના નંબર વધતા જ જશે તો શું થશે?

 તમારી જેમ જ ઘણા લોકોને ટીવી જોવાથી બાળકની આંખ ખરાબ થઈ જાય છે એવી એક માન્યતા છે. ઘણા લોકો બાળકને ડરાવતા હોય છે કે ટીવી વધુ નહીં જો, નહીંતર ચશ્માં આવી જશે. તમારા બાળકને પણ એટલે જ ચશ્માં આવી ગયાં છે એમ તમે સમજતા હશો, પણ એ હકીકત નથી. ટીવી જોવાથી આંખ ખરાબ થતી નથી કે ચશ્માંના નંબર આવતા નથી. નજીકથી ટીવી જોવાથી પણ આંખ ખરાબ થતી નથી. ઊલટું એવું છે કે જો આંખ ખરાબ હોય અને બાળકને બરાબર દેખાતું ન હોય તો બાળક નજીકથી ટીવી જુએ. જેમ વધુ ચાલવાથી પગ ખરાબ થતા નથી, પરંતુ થાકી જાય છે એવું જ આંખનું છે. વધુ ટીવી જોવાથી આંખ ખેંચાય છે ત્યારે ફક્ત એને આરામ આપવાની જરૂર હોય છે. આંખ યુઝ કરવા માટે હોય છે, ઓવર-યુઝ કે મિસ-યુઝ માટે નહીં. આમ, તમારા બાળકને ટીવી જોવાને કારણે નંબર વધ્યા નથી. 

માયોપિયામાં નંબર બાળકની હાઇટ અને ઉંમર સાથે વધતા જશે. બાળકની હાઇટ વધે એમ તેની આંખના બંધારણમાં બદલાવ આવે છે એટલે એના નંબર વધતા જશે. જ્યારે બાળક ૧૮-૨૨ વર્ષની ઉંમરે પહોંચશે પછી હાઇટ વધતી અટકી જશે અને નંબર પણ સ્ટેબલ થઈ જશે. એના પછી લેસિક ઑપરેશન કરીને માયોપિયા દૂર કરી શકાશે. બાકી જો વધુ પ્રોગ્રેસિવ માયોપિયા હોય તો એ માટે તમે તમારા આંખના ડૉક્ટરને મળો અને ઇલાજ કરાવો, જેનાથી અતિ ઝડપથી વધતા નંબરની સ્પીડ ઓછી કરી શકાય. બાકી રહી વાત ટીવીની, તો ભલે એનાથી તમારા બાળકના નંબર વધે નહીં, પરંતુ એની માનસિક અસર બાળક પર ઘણી વધુ હોય છે. બાળક બેઠાડું જીવન જીવવા લાગે અને ઓબેસિટીનો શિકાર બને એના કરતાં તેના ટીવીના કલાકો ઓછા કરો, એ જરૂરી છે.

columnists health tips