સંપૂર્ણ સ્વસ્થ થવું છે ને તમારે?

07 April, 2021 02:20 PM IST  |  Mumbai | Ruchita Shah

તો યોગસૂત્રમાં મહર્ષિ પતંજલિએે સ્વાસ્થ્ય માટે આપેલા ફન્ડા સમજવા અને અપનાવવા જેવા છે. આજે વર્લ્ડ હેલ્થ ડે છે ત્યારે શારીરિક અને માનસિક સ્વસ્થતા માટે મહાન ઋષિવર્ય પતંજલિએ કયા વૈજ્ઞાનિક ઢબના કન્સેપ્ટ આપ્યા છે એ વિશે ચર્ચા કરીએ

પ્રતીકાત્મક તસવીર

હેયં દુખમ્ અનાગતમ્ - જે દુઃખ હજી આવ્યું નથી એને ટાળી શકાય છે. શ્રી પાતંજલ યોગસૂત્રના બીજા સૂત્રમાં મહર્ષિ પતંજલિ  આ વાત કરે છે.

યોગસૂત્રમાં ૧૯૫ સૂત્ર છે અને પ્રત્યેક સૂત્ર જીવન પરિવર્તક સૂત્ર તરીકે અપનાવી શકાય એટલા સચોટ અને વેધક છે. વ્યાધિષની વાત મહર્ષિ પતંજલિ્ કરે છે અને એ આવવાનાં કારણો અને એને દૂર કરવાની રીતની અને એની સાથે આવતી સમસ્યાઓ પર પણ તેઓ પ્રકાશ પાડે છે. આપણે આજે આ વિષય ઉપાડ્યો છે, કારણ કે આજે વર્લ્ડ હેલ્થ ડે છે. વિશ્વ સ્વાસ્થ્ય દિવસ. સ્વસ્થતાની વાત આવે ત્યારે યોગની સતત રિફ્લેક્ટ થઈ રહેલી ઉપયોગિતાને નજરઅંદાજ ન કરી શકાય. હજારો વર્ષ પહેલાંની પરંપરાઓ આજે પણ એટલી જ લોકોપયોગી સાબિત થઈ રહી છે. યોગિક પરંપરા સ્વાવલંબન સાથેનું સ્વાસ્થ્ય આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી રહી છે. હજારો વર્ષ પહેલાં રચાયેલા અને આજે પણ એટલા જ પ્રસ્તુત લાગતા યોગસૂત્રમાં આવતી સ્વાસ્થ્યની વાતો પર છેલ્લાં ૪૫ વર્ષથી યોગશિક્ષણ સાથે સંકળાયેલા અને યોગશાસ્ત્રો પર વિવિધ પુસ્તકો લખનારા ડૉ. જ્ઞાનશંકર સહાય શું કહે છે એ જાણીએ.

રોગ શું કામ થાય?

મહર્ષિ પતંજલિએ રોગ નિવારણના રસ્તાઓ આપ્યા છે, પરંતુ એ પહેલાં રોગ શું કામ થાય એ વિષય પર તેમણે યોગસૂત્રમાં કરેલી વાતો પણ જાણવા જેવી છે. એ સંદર્ભે વાત કરતાં પ્રોફેસર સહાય કહે છે, ‘સાઇકોસોમૅટિક શબ્દ મેડિકલ સાયન્સમાં હવે આવ્યો, પરંતુ પતંજલિએ ‌ઋષિએ એની વાત બીજી સદીમાં કહી દીધી હતી (મહર્ષિ પતંજલિ ના સમયને લઈને વિવિધ મત છે). ચિત્તવિક્ષેપ શબ્દ તેમણે વાપર્યો છે. મન જ્યારે ડિસ્ટર્બ થાય ત્યારે એ માનસિક ડિસ્ટર્બન્સથી શરીરમાં નવ પ્રકારના અંતરાય આવે છે. એને દૂર કરવામાં શું કરી શકાય એના પર વાત કરી. સ્વાસ્થ્યનું આનાથી સારું ડિસ્ક્રિેપ્શન શું હોય? આપણે વન બાય વન બધાં જ પાસાંઓને સમજવાના પ્રયાસો કરીએ.’

સૌથી પહેલાં વાત કરીએ ચિત્તભૂમિની એમ જણાવીને પ્રો. સહાય કહે છે, ‘મનની પાંચ પ્રકારની સ્થિતિ હોઈ શકે છે. સત્ત્વ, રજસ અને તમસમાંથી જેનું આધિપત્ય વધારે હોય એ પ્રમાણે મનની સ્થિતિ બદલાય, જે માઇન્ડને ડિસ્ટર્બ કરી શકે. એવી જ રીતે પાંચ કલેશનું વર્ણન આવે છે, જે ચિત્તને ડિસ્ટર્બ કરવાનું કામ કરે. હવે જ્યારે યેન કેન પ્રકારેણ માઇન્ડ ડિસ્ટર્બ થઈ ગયું છે એનાં લક્ષણો દેખાય નવ પ્રકારના અંતરાયો દ્વારા (કલેશ અને અંતરાયો વિશે આપણે ભૂતકાળમાં વાત કરી છે). એની સાથે એના ચાર ફ્રેન્ડ પણ હોય જ, જેને સમજવા જરૂરી છે રોગમુક્તિ માટે. દુઃખ એટલે કે પેઇન, દોર્મનસ્ય એટલે કે ડિપ્રેશન, અંગમજયત્વ એટલે કે શરીરમાં ટ્રેમર થવા અને શ્વાસપ્રશ્વાસની સ્ટાઇલમાં બદલાવ આવવો. રોગ શરીરમાં આવ્યો એનાં આ ચાર ઇન્ડિકેટર તેમણે આપ્યાં. આ ચાર પર કામ કરો તો શરીરમાં રોગ ન ટકે.’

કેવી રીતે કરવું ફાઇટબૅક?

અંગ્રેજીમાં ડિસીઝ શબ્દને સમજવા જેવો છે. DIS-ease એટલે કે જ્યાં ઈઝ નથી, જ્યાં શાંતિ નથી એ ડિસીઝ છે. પ્રો. સહાય કહે છે, ‘આ અસ્વસ્થતાને દૂર કરવા માટે પતંજલિ એ કેટલીક પ્રૅક્ટિકલ ટિપ્સ આપી. જેમ કે તેમણે ચિત્તપ્રસાદનમ્ ટેક્નિક આપી. એટલે કે સૌથી પહેલાં તો તમારો ઍટિટ્યુડ સુધારો. કેવી રીતે અને ક્યાં ઍટિટ્યુડ સુધારવાનો છે? તો જેઓ સારા છે તેમની સાથે મૈ‌ત્રીનો વ્યવહાર રાખો. બહુ સામાન્ય વાત છે પણ આવું થતું નથી. ઊલટાનું સારાને નીચા પાડવાના પ્રયાસો અનાયાસ મોટા ભાગના લોકો કરી બેસતા હોય છે. બીજા નંબર પર જે દુખી છે તેમના પ્રત્યે કરુણાભાવ રાખો. ઘણી વાર લોકો બીજાના દુઃખમાં પણ લોકો મજા લેતા હોય છે. ત્રીજા નંબરે જે સુખી છે તેમના માટે આનંદ અનુભવો. મોટા ભાગે આપણે ઈર્ષ્યા અને અદેખાઈનો ભાવ જગાડતા હોઈએ છીએ. છેલ્લે જે ખરાબ કાર્ય કરે છે તેમના પ્રત્યે ઉપેક્ષાભાવ રાખો. જ્યારે આ ચાર પ્રકારનો ઍટિટ્યુડ તમે ડેવલપ કરો છો ત્યારે દુનિયાની કોઈ તાકાત તમારા ચિત્તને, તમારી મેન્ટલ સ્ટેટને ડિસ્ટર્બ ન કરી શકે. મેન્ટલી તમે ખુશ હશો તો રોગ સહજ રીતે  દૂર ભાગશે. બીજા નંબર પર તમને ફાવે એ પ્રકારની બ્રીધિંગ પ્રૅક્ટિસ કરો. જે ફાવે એ શ્વસનની રીતનો જાગૃતિ સાથેનો નિરંતર અભ્યાસ તમારા સ્વાસ્થ્યને સુધારશે. શરીરમાં સ્થિરતા લાવવા આસન કરો. આમ મહર્ષિ પતંજલિએ ખૂબ જ સરળ ભાષામાં મનની અને તનની તંદુરસ્તીની ફૉર્મ્યુલા યોગસૂત્ર દ્વારા શૅર કરી છે.’

દુઃખ એટલે કે પેઇન, દોર્મનસ્ય એટલે કે ડિપ્રેશન, અંગમજયત્વ એટલે કે શરીરમાં ટ્રેમર થવા અને શ્વાસપ્રશ્વાસની સ્ટાઇલમાં બદલાવ આવવો. રોગ શરીરમાં આવ્યો એનાં આ ચાર ઇન્ડિકેટર તેમણે આપ્યાં. આ ચાર પર કામ કરો તો શરીરમાં રોગ ન ટકે.

શ્રી પાતંજલ યોગસૂત્રને લોકોએ ખૂબ જ ભારે બનાવી દીધું છે. એ આજે પણ એટલું જ સાપેક્ષ અને લોકોને ડે ટુ ડે લાઇફમાં ઉપયોગી થાય એટલું સરળ છે. એને સાચી રીતે સમજવામાં આવે તો જીવનનાં તમામ પાસાંઓને સમજવાં સરળ થઈ શકે છે. - પ્રોફેસર જ્ઞાનશંકર સહાય

કૉન્સન્ટ્રેશનની ચાર મેથડ પણ આપી તેમણે

મનને સ્થિર કરીને એની શક્તિઓને પામી શકાય છે અને એની વિકૃતિને નિવારી શકાય છે. એ માટે મહર્ષિ પતંજલિએ પહેલા જ અધ્યાયમાં ધારણાના એટલે કે એકાગ્રતા કરવા માટેના ચાર રસ્તા આપ્યા.

તમારા મનને કોઈ પણ એક ઇન્દ્રિયના વિષયમાં લગાવી દો. ધારો કે કાનથી સાંભળો છો તો પૂરેપૂરું ધ્યાન લાંબા સમય માટે માત્ર ને માત્ર સાંભળવા પર રહે એવા પ્રયાસો કરો.

તમારા હૃદયની જ્યોતિમાં તમારું ધ્યાન સંપૂર્ણ લગાવી દો. મનને બીજે ક્યાંય જવા ન દો અને હૃદયની શુદ્ધ શોકરહિત જ્યોતિ સાથે એકત્વ કેળવવાના પ્રયાસો કરો.

જેઓ વિતરાગી છે એટલે કે જેમણે અટૅચમેન્ટને પાર કરીને રાગ પર વિજય મેળવ્યો છે એવા કોઈ મહાત્મા પર મનને એકાગ્ર કરવાના પ્રયાસો કરો.

ધારો કે એ પણ ન થાય તો તમારાથી જે થાય, તમને જે ગમે એ તત્ત્વ પર તમારું ધ્યાન સ્થિર રહે ત્યાં એને એકાગ્ર કરો. ધીમે-ધીમે મનની એકાગ્રતા ધ્યાનમાં પરિવર્તિત થઈ જશે અને મનની શુદ્ધિા બાદ એક પછી એક શરીરના અંતરાયો પણ દૂર થવા માંડશે.

columnists ruchita shah