પિતાને પીએસપી રોગ થયો છે, શું કરીએ?

28 July, 2021 06:18 PM IST  |  Mumbai | Dr. Shirish Hastak

તેમને કોઈ ચીજ બતાવીએ તો તરત જ એની તરફ તેઓ આંખના ડોળા ફેરવી નથી શકતા એટલે તેઓ આખી ગરદન ડાબે-જમણે કે ઉપર-નીચે ફેરવે. તેમને બોલવામાં પણ તકલીફ પડે છે અને ખાવાનું ગળવામાં પણ.

મિડ-ડે લોગો

મારા પપ્પાની ઉંમર ૬૯ વર્ષ છે. તેમની પાર્કિન્સન્સની સારવાર લગભગ બે વર્ષથી ચાલે છે. નવાઈની વાત એ હતી કે તેમને શરીરમાં કંપન થતું હોય એવું જરાય નહોતું. હા, તેઓ ચાલતાં-ચાલતાં ગડથોલું ખાઈ જતા, અચાનક ચાલવાની દિશા બદલાઈ જતી. યાદશક્તિ બહુ ઘટી ગઈ છે. તેમને કોઈ ચીજ બતાવીએ તો તરત જ એની તરફ તેઓ આંખના ડોળા ફેરવી નથી શકતા એટલે તેઓ આખી ગરદન ડાબે-જમણે કે ઉપર-નીચે ફેરવે. તેમને બોલવામાં પણ તકલીફ પડે છે અને ખાવાનું ગળવામાં પણ. ડૉક્ટરનું કહેવું છે કે તેમને પાર્કિન્સન્સ જેવો જ પીએસપી નામનો રોગ છે જેનો કોઈ ઇલાજ નથી.       
 
તમે જે ચિહ્નો વિશે વાત કરી એ પીએસપીના ક્લાસિક કેસનાં લક્ષણ છે. પ્રોગ્રેસિવ સુપ્રાન્યુક્લિયર પાલ્સી જેનું શૉર્ટ ફોર્મ પીએસપી છે. આ અત્યંત રેર કહી શકાય એવો રોગ છે, જે મોટા ભાગે ૬૦-૬૫ વર્ષની ઉંમર પછી જ આવે છે અને એ થયા પછી ૬ મહિનાથી એક વર્ષ સુધીમાં એનું નિદાન શક્ય બને છે. તમે કહ્યાં એ લક્ષણો એમાં મુખ્ય છે અને જેમ સમય વીતશે એમ લક્ષણો વધુ ગહેરા બનશે. દુઃખની વાત એ છે કે એનો કોઈ ઇલાજ નથી. કોઈ દવા નથી, જેનાથી આ રોગને વધતો અટકાવી શકાય અથવા એવું પણ કઈ નથી જેનાથી એ લક્ષણો સાથે જીવવું સરળ બનાવી શકાય. 
છતાં તમે ફિઝિયોથેરપીની મદદ લઈ શકો છો જેમાં ફિઝિયોથેરપીસ્ટ તમને ગેઇટ થેરપી કરાવી શકે જેની મદદથી બૅલૅન્સિંગ અને ચાલવામાં મદદ મળી રહે. પાર્કિન્સન્સના દરદીઓને પણ આ જ થેરપી આપવામાં આવે છે જે મદદરૂપ થઈ શકે છે. આ સિવાય ઑક્યુપેશનલ થેરપી પણ મદદરૂપ છે. ઘરે તે પડી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું જે માટે બાથરૂમમાં ખાસ રેલિંગ્સ લગાડાવવી, પરંતુ આ બધું તેમની કૅર માટે છે. આ રોગનો કોઈ ઇલાજ નથી. તમને કોઈ ખોટી બાંયધરી આપવા નથી માગતો. ઊલટું તમે ઘરના લોકો માનસિક રીતે તૈયાર રહેજો કે તેમનું તમારે ખાસ્સું ધ્યાન રાખવું પડશે. લગભગ એક વ્યક્તિ સતત તેમની સાથે રહે અને તેમનું ધ્યાન રાખે એવી જોઇશે. આ રોગમાં પરિસ્થિતિ દિવસે-દિવસે ખરાબ થતી જાય છે. 
આમ આ રોગમાં ઇલાજ કરતાં ઘરના લોકોનો સાથ અને કાળજી જ મહત્ત્વના ગણાશે. 

health tips columnists Dr. Shirish Hastak