પિરિયડના પહેલા અને પછીના પાંચ દિવસ કોવિડની વૅક્સિન ન લેવાય?

27 April, 2021 12:58 PM IST  |  Mumbai | Sejal Patel

માસિક દરમ્યાન વૅક્સિન લેવાથી ઇમ્યુનિટી ઘટશે અને ચેપ લાગવાનું જોખમ વધશે એવો મેસેજ છેલ્લા ત્રણ-ચાર દિવસથી જબરજસ્ત વાઇરલ થયો છે ત્યારે નિષ્ણાતને પૂછીને જાણીએ હકીકત શું છે

પિરિયડના પહેલા અને પછીના પાંચ દિવસ કોવિડની વૅક્સિન ન લેવાય?

જ્યારથી વૅક્સિન ડ્રાઇવ શરૂ થઈ છે ત્યારથી અનેક સાચી-ખોટી માન્યતાઓની વાતો પણ વાયુવેગે ફરી રહી છે. પહેલા તબક્કામાં ફ્રન્ટલાઇન વર્કર્સ માટે વૅક્સિનેશન શરૂ થયું ત્યારે પહેલાં તો લોકોને વૅક્સિન લેવાનો જ ડર હતો. હવે પહેલી મેથી ૧૮ વર્ષથી મોટી વયના પુખ્તો માટે પણ વૅક્સિનેશન ડ્રાઇવ ખૂલી છે ત્યારે એક નવી વાત આવી છે અને આ વખતે બહેનોની પિરિયડ સાઇકલ સાથે સાંકળીને વાતો ચગી છે. વાઇરલ મેસેજમાં કહેવાયું છે કે છોકરીઓએ પિરિયડ્સના પાંચ દિવસ પહેલાં કે પછીના સમયમાં વૅક્સિન ન લેવી જોઈએ. એનું કારણ પણ મેસેજમાં છે કે આ સમય દરમ્યાન છોકરીઓની ઇમ્યુનિટી ઘટી ગઈ હાયે છે. જ્યારે વૅક્સિનનો પહેલો ડોઝ લઈએ ત્યારે એ આપણી ઇમ્યુનિટી ઘટાડી દે છે. એને કારણે જો બહેનો પિરિયડ્સ દરમ્યાન, એના પહેલાં પાંચ દિવસ કે પછીના પાંચ દિવસમાં વૅક્સિન લેશે તો તેમને કોવિડનો ચેપ લાગવાનું જોખમ ખૂબ વધી જતું હોવાથી આ દિવસો દરમ્યાન વૅક્સિન લેવાનું ટાળવું જોઈએ.
હકીકત શું?
જુહુની મધરકૅર મેટરનિટી હૉસ્પિટલના ગાયનેકોલૉજિસ્ટ અને કોરોનાની વૅક્સિનેશન ડ્રાઇવમાં અવેરનેસનું બહુ જ મહત્ત્વનું કામ કરનારા ડૉ. જયેશ શેઠ વાઇરલ મેસેજનો છેદ ઊડાડતાં કહે છે, ‘પિરિયડ અને વૅક્સિન વચ્ચે કોઈ સીધો કે આડકતરો સંબંધ નથી. લોકો ક્યાંથી ખોટી અફવાઓ ઊભી કરી દે છે એ જ સમજાતું નથી. લેડીઝની પિરિયડ સાઇકલની સિસ્ટમ સાવ અલગ છે અને ઇમ્યુન સિસ્ટમ પર કામ કરતી વૅક્સિન પણ એકદમ અલગ બાબત છે. જરાક સમજાવું તો જાતજાતના વૉટ્સઍપ ફરે છે જે પેશન્ટ્સને મિસગાઇડ કરે છે. આપણી ઇમ્યુન સિસ્ટમ જે છે એ ટી સેલ્સ લ્યુકોસાઇટ્સ દ્વારા મિડિયેટ થતી હોય છે. વૅક્સિન થકી આ સેલ્સને સેન્સિટાઇઝ કરવામાં આવે છે જેથી કોવિડ વાઇરસ સામેની તેની પ્રતિકારક્ષમતા વધે.  હવે કેટલી માત્રામાં એન્ટિજન અટેક કરે છે એના આધારે ટી સેલ્સનો રિસ્પોન્સ આવે છે. અને ઓછી માત્રામાં ઍન્ટિજન અટૅક થાય તો આપમેળે ઇમ્યુન સિસ્ટમ દ્વારા લડાઈ માટે ઍન્ટિબૉડીઝ બનવાનું શરૂ થાય. હવે સમજવાની વાત એ છે કે ટી-સેલ્સને ખબર નથી પડતી કે વ્યક્તિ પિરિયડમાં છે કે નથી. ઇન ફૅક્ટ, વ્યક્તિ મેન છે, વિમેન છે કે ઇવન મેનોપૉઝલ છે એની પણ ખબર નથી પડતી.’
વૅક્સિનની અસર 
પિરિયડ્સ હોય કે ન હોય, ટી-સેલ્સના કામમાં કોઈ ફરક નથી પડતો. એમ જણાવતાં ડૉ. જયેશ શેઠ ઉમેરે છે કે, ‘દરેકે વૅક્સિન લેવી જ જોઈએ અને જે પહેલી અપૉઇન્ટમેન્ટ મળે એમાં લઈ લેવી જોઈએ. વૅક્સિન લીધા પછી પણ તરત તમે સુરક્ષિત થઈ જાઓ છો એવું નથી. પહેલા ડોઝના ૩થી ૪ વીક પછીથી એની અસર ૨૦થી ૨૫ ટકા જેટલી થાય છે. બીજી વૅક્સિન લીધા પછીના પંદર-વીસ દિવસ પછીથી કોવિડ સામે ૬૦થી ૭૦ ટકા જેટલું સુરક્ષા કવચ 
મળી શકે છે. અત્યારે જે અભ્યાસો થયાં છે એ મુજબ આ ઇમ્યુનિટી એકથી બે વર્ષ સુધી રહેશે. આ સમયગાળા દરમ્યાન નવું સંશોધન થાય ત્યારે કદાચ વધુ એક બુસ્ટર ડોઝની જરૂર પડી શકે છે.’ 

પિરિયડ્સ દરમ્યાન ખૂબ હૅવી બ્લિડિંગ થતું હોય, પેટમાં દુખાવો હોય કે મૂડ સ્વિંગ્સ વગેરે રહેતા હોય તો એ લક્ષણો શમે એ પછીથી વૅક્સિન લેવાનું પ્લાન કરી શકો

sejal patel columnists health tips