તમારી લાઇફસ્ટાઇલને લીધે કિડની પર જોખમ તો નથી ઊભું થયુંને?

16 March, 2025 07:16 AM IST  |  Mumbai | Kajal Rampariya

કિડનીની સમસ્યાનાં કારણો, એનાં પ્રારંભિક લક્ષણો અને એની સંભાળ માટે શું કરી શકાય એ વિશે વાત કરીએ

પ્રતીકાત્મક તસવીર

એક અભ્યાસ મુજબ દુનિયામાં આશરે ૯૫ કરોડ લોકો ક્રૉનિક કિડની ડિસીઝથી પીડાય છે અને આ આંકડો વધી રહ્યો છે. બદલાયેલી જીવનશૈલીએ શરીરના આ અતિમહત્ત્વના અંગને પણ ડેન્જર ઝોનમાં મૂકી દીધું છે. આજે વર્લ્ડ કિડની ડે છે ત્યારે કિડનીની સમસ્યાનાં કારણો, એનાં પ્રારંભિક લક્ષણો અને એની સંભાળ માટે શું કરી શકાય એ વિશે વાત કરીએ

હૃદય, લિવર અને ફેફસાંને ફિટ રાખવાની વાતો થતી હોય છે. શરીરના ફંક્શનિંગને સરળ બનાવવા માટે આ ત્રણ અંગની સાથે કિડની પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. એની સંભાળ રાખવી અત્યાવશ્યક છે. જોકે ખરાબ લાઇફસ્ટાઇલને લીધે કિડની સંબંધિત સમસ્યાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. આજે વર્લ્ડ કિડની ડેના દિવસે શરીરમાં એવા કયા સંકેતોથી ચેતીને રહેવું જોઈએ જેથી કિડનીની હેલ્થ સારી રહે અને એની સંભાળ માટે શું કરવું જોઈએ એ વિશે ઍલોપથી અને આયુર્વેદ ક્ષેત્રના નિષ્ણાતોનો મત લઈએ.

કિડની કરે શું?

કિડનીનો આકાર કાજુ જેવો હોય છે અને એનું વજન ૧૫૦થી ૧૭૦ ગ્રામ હોય છે. લોહીને શુદ્ધ કરી પેશાબ બનાવવાનું કામ કરતી કિડનીના સૌથી નાના એકમ (ફિલ્ટર)ને નેફ્રોન કહે છે. કિડનીમાં લગભગ દસ લાખ જેટલા નેફ્રોન આવેલા છે. ગ્લોમેરૂલ્સ તરીકે ઓળખાતી ગળણી દ્વારા પ્રત્યેક મિનિટે આશરે ૧૨૫ મિલીલીટર પ્રવાહી ફિલ્ટર થાય છે. ૨૪ કલાકમાં આશરે દોઢ લીટર પેશાબ બને છે. એમાં બિનજરૂરી ઉત્સર્ગ પદાર્થો, ક્ષાર અને ઝેરી રસાયણો, ઉપયોગી ગ્લુકોઝ સહિત અન્ય પદાર્થો પણ હોય છે.

હૃદયના ફંક્શનિંગને નૉર્મલ રાખવા માટે કિડનીનું સ્વસ્થ રહેવું જરૂરી છે. કિડનીમાં લાખોની સંખ્યામાં રહેલા નેફ્રોન નામના સૂક્ષ્મ ફિલ્ટરિંગ યુનિટ દર ચારથી પાંચ મિનિટમાં લોહીના જથ્થાને શુદ્ધ કરવાનું કામ કરે છે. આખા દિવસમાં આ પ્રક્રિયા આશરે સાડાત્રણસો વાર થાય છે. સોડિયમ અને પોટૅશિયમ જેવા ઇલેક્ટ્રૉલાઇટ્સના નિયમન માટે કિડની સતત કાર્યશીલ રહે છે. જો આ બન્નેનું પ્રમાણ વધે તો હૃદયના કામમાં વિક્ષેપ પડે. જોકે કિડની એવું થવા દેતી નથી. આ ઉપરાંત શરીરમાંથી ઉત્પન્ન થતાં ટૉક્સિન્સને શરીરની બહાર કાઢવા અને બૅક્ટેરિયા તથા વાઇરસના ચેપથી બચાવવા માટે પણ કિડની મહત્ત્વનો રોલ અદા કરે છે. જો એની સંભાળ ન રાખવામાં આવે તો કિડનીમાં ઇન્ફેક્શન, પથરી, સિસ્ટ, રીનલ ફેલ્યર, ક્ષય, હાઈ બ્લડપ્રેશર અને હૃદય સંબંધિત સમસ્યાઓ થવાના ચાન્સિસ વધી જાય છે.

ખરાબ થવાનાં કારણો

​ચાર દાયકાથી કિડનીની બીમારીની સારવાર કરી રહેલા અનુભવી ડૉ. ભરત શાહ કિડની ખરાબ થવાનાં કારણો વિશે જણાવે છે, ‘ડાયાબિટીઝ અને હાઈ બ્લડપ્રેશરની બીમારી હોય તેણે કિડનીની ખાસ સંભાળ રાખવી જોઈએ. કેટલાક કેસમાં લોકો ઑટો ઇમ્યુન ડિસીઝથી પી​ડાતા હોય છે. એમાં કિડનીનાં ફિલ્ટર્સ ડૅમેજ થાય તો યુરિનમાં પ્રોટીન લૉસ થાય અને એને લીધે લોહીમાં પ્રોટીનનું પ્રમાણ ઘટે અને એને લીધે પગમાં સોજા આવે. કિડની ખરાબ થાય તો પથરી થાય અને યુરિન પાસ થવામાં તકલીફ થાય. વારંવાર યુરિન ઇન્ફેક્શન થાય તો પણ કિડનીનાં ફંક્શન્સ પ્રભાવિત થાય છે. વારંવાર નાની-નાની બાબતે પેપરમિન્ટની જેમ જરૂર કરતાં વધુ પેઇનકિલર ખાવાથી પણ કિડની બગડે છે. થોડું માથું દુખે એટલે તરત જ પેઇનકિલર ખાઈ લે. માથું બ્લડપ્રેશર વધવાને લીધે દુખે અને એમાં પણ જો પેઇનકિલર ખાવામાં આવે તો કિડનીને વધુ ડૅમેજ કરે છે. ખાસ કરીને નૉન-સ્ટેરૉઇડલ ઍન્ટિ-ઇન્ફ્લેમૅટરી ડ્રગ્સમાં (NSAIDs) આઇબુપ્રોફિન અને ડાયક્લોફનાક પેઇનકિલર્સ કિડનીને ડૅમેજ કરવાનું કામ કરે છે. તેથી આ દવા કરતાં ડોલો અથવા પૅરાસિટામોલ ખાવી હિતાવહ રહેશે, પણ એ પણ માપમાં જ લેવી જોઈએ.’

આયુર્વેદની દૃષ્ટિએ

ઘાટકોપરમાં બે આયુર્વેદિક ક્લિનિકનું સંચાલન કરતા અને આ ક્ષેત્રે ત્રણ દાયકાનો અનુભવ ધરાવતા આયુર્વેદિક એક્સપર્ટ દિનેશ હિંગુ કિડનીનાં ફંક્શન્સને આયુર્વેદિક દૃષ્ટિકોણથી સમજાવતાં કહે છે, ‘આપણું શરીર પંચમહાભૂતથી બનેલું છે. એમાં ત્રણ દોષો (વાયુ-પિત્ત-કફ), સાત ધાતુ (રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર) અને ત્રણ મળ (શ્વેદ, પુરીશ અને મૂત્ર) સમાવેશ થાય છે. શ્વેદ અટલે પરસેવો, પુરીશ અટલે મળ અને મૂત્ર એટલે યુરિન. આ ત્રણેય પ્રમાણસર શરીરની બહાર ન નીકળે તો સમજવું કે કંઈક પ્રૉબ્લેમ છે. આયુર્વેદમાં કિડનીને વૃક્ક કહેવાઈ છે. જે પદાર્થો આપણા શરીર માટે નુકસાનકર્તા છે એને લોહીમાંથી છૂટા પાડીને શરીરમાંથી બહાર ફેંકવાનું અને લોહીને શુદ્ધ કરવાનું કામ કિડની કરે છે. જરૂર કરતાં વધુ પાણી પીવાથી, ઓછું પાણી પીવાથી, દૂષિત જળના સેવનથી, વારંવાર પથરી થવાથી, મૂત્રનો વેગ રોકવાથી પણ કિડની ખરાબ થઈ શકે.’

ક્યારે ચેતવું?

કિડનીને થઈ રહેલા નુકસાનનાં પ્રારંભિક લક્ષણો વિશે ડૉ. દિનેશ કહે છે, ‘શરીરમાં સોજા જણાય, અચાનક હીમોગ્લોબિન ઘટવા લાગે, મોઢું સુકાવા લાગે, ડાયાબિટીઝ કન્ટ્રોલમાં ન રહે, અચાનક યુરિન બંધ થઈ જાય એ કિડની ડૅમેજ થવાનાં લક્ષણો છે. ઘણી વાર આખો દિવસ પાણી પીધે રાખતા હોવા છતાં યુરિન માટેનું ઇન્ડિકેશન આવતું નથી, પણ સોનોગ્રાફી કરાવીએ ત્યારે એમાં ખબર પડે કે બ્લૅડરમાં એક લીટર કરતાં વધુ યુરિન જમા છે. આ બધાં લક્ષણો દેખાય તો સમજવું કે કિડની હેલ્ધી નથી, તમારે ચેતવાની જરૂર છે.’

મેડિકલ સાયન્સમાં કિડનીના સ્વાસ્થ્ય માટે ક્યારે ચિંતા કરવી જોઈએ એ વિશે વાત કરતાં પરેલની ગ્લેનએન્જલ હૉસ્પિટલના રીનલ સાયન્સના ડિરેક્ટર અને નેફ્રોલૉજિસ્ટ ડૉ. ભરત શાહ ઉમેરે છે, ‘કિડનીના સ્વાસ્થ્ય સંબંધે સૌથી મહત્ત્વની અને જાણવા જેવી વાત એ છે કે જો એની હેલ્થ બગડે તો એનાં કોઈ શરૂઆતી લક્ષણો દેખાતાં નથી તેથી લોકોને એવું જ લાગે છે કે મારી કિડની તો બરાબર કામ કરી રહી છે. જોકે હકીકતમાં એવું નથી. યુરિન, ક્રીએટનીન અને અલ્ટ્રાસાઉડ ઑફ કિડની આ ત્રણ સિમ્પલ ટેસ્ટથી તમારી કિડની કેટલી હેલ્ધી છે એ જાણી શકાશે. તાવ આવે, યુરિન પાસ થતી વખતે બળતરા થાય કે એમાંથી લોહી આવે તો લોકો ડૉક્ટર પાસે આવતા હોય છે પણ કિડની ડૅમેજ થવાની શરૂઆત થાય ત્યારે પગમાં સોજા આવે અને ખૂબ થાક લાગે. જોકે આ બન્ને લક્ષણોને લોકો ઇગ્નૉર કરે છે, જેને લીધે ભવિષ્યમાં કિડની સંબંધિત બીમારીઓનો ભોગ બને છે. આવું ન થાય એ માટે તાત્કાલિક નેફ્રોલૉજિસ્ટ પાસે જઈને કિડની ચેકઅપ કરાવવું જોઈએ. અત્યારે લાઇફસ્ટાઇલ એવી બની ગઈ છે કે ૧૫ ટકા લોકોની કિડની ડૅમેજ થાય છે અને આ ટકાવારી વધી રહી છે. એ બહુ જ ચિંતાજનક બાબત કહેવાય. દર વર્ષે સરેરાશ અઢી લાખ લોકોની કિડની ફેલ થાય છે.’

કિડની-કૅર માટે આટલું ધ્યાનમાં રાખજો

ડાયાબિટીઝ અને હાઈ બ્લડ પ્રેશરના દરદીઓએ નિયમિત સમયે ચેકઅપ કરાવવું જરૂરી છે.

લાઇફસ્ટાઇલને લગતા ડિસઑર્ડર્સને લીધે કિડની પર અસર થાય છે. અનિયમિત દિનચર્યા અને ફાસ્ટ ફૂડ ખાવાથી મેદસ્વીપણું, ડાયાબિટીઝ, અનિયંત્રિત બ્લડ-શુગર જેવી સમસ્યાઓ આવે છે. તેથી હેલ્ધી લાઇફસ્ટાઇલને અપનાવવી જરૂરી છે. દરરોજ રૂટીનમાં એક્સરસાઇઝની સાથે સ્વાસ્થ્યવર્ધક આહારનો સમાવેશ કરવો જરૂરી છે.

કિડનીના બેટર ફંક્શનિંગ માટે હેલ્ધી આહાર લેવાની સાથે પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું જરૂરી છે જેથી શરીરમાં બનતાં ટૉક્સિન્સ
સમયે-સમયે બહાર નીકળી શકે અને યુરિન માટેનું ઇન્ડિકેશન આવે તો એને રોકી ન રાખવું.

વધુપડતા મીઠાનું સેવન કરવાથી બ્લડ-પ્રેશર વધે છે અને એ કિડનીના રોગોનું મુખ્ય કારણ હોય છે. તેથી પ્રોસેસ્ડ અને પૅકેજ્ડ ફૂડ ખાવાનું ટાળવું જોઈએ. એમાં સોડિયમનું પ્રમાણ વધુ હોવાથી કિડની માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

ધૂમ્રપાન અને આલ્કોહૉલ શરીરના આખા ફંક્શનિંગને અસર કરે છે પણ સૌથી પહેલાં એ કિડનીને પ્રભાવિત કરે છે. આ વ્યસનને લીધે કિડનીમાં લોહીનો પ્રવાહ ઓછો થાય છે અને એની કાર્યક્ષમતા નબળી પડે છે અને વિવિધ સમસ્યાઓ થાય છે.

કિડનીના સ્વાસ્થ્ય માટે માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. વધુપડતું સ્ટ્રેસ શરીરને નુકસાન પહોંચાડે છે તેથી મનસપસંદ પ્રવૃત્તિઓ કરવી એ તનાવને નિયંત્રણમાં રાખવાનું બેસ્ટ સૉલ્યુશન છે.

 કિડની ડૅમેજ થવાની શરૂઆત થાય ત્યારે પગમાં સોજા આવે અને ખૂબ થાક લાગે. જોકે આ બન્ને લક્ષણોને લોકો ઇગ્નૉર કરે છે, જેને લીધે ભવિષ્યમાં કિડની સંબંધિત બીમારીઓનો ભોગ બને છે. આવું ન થાય એ માટે તાત્કાલિક નેફ્રોલૉજિસ્ટ પાસે જઈને કિડની ચેકઅપ કરાવવું જોઈએ. - ડૉ. ભરત શાહ, નેફ્રોલૉજિસ્ટ

ક્યારથી ઊજવાય છે કિડની દિવસ?

૨૦૦૬માં પહેલી વાર કિડની દિવસની ઉજવણી થઈ હતી. એની શરૂઆત ઇન્ટરનૅશનલ સોસાયટી ઓફ નેફ્રોલૉજી (ISN) અને ઇન્ટરનૅશનલ ફેડરેશન ઑફ કિડની ફાઉન્ડેશન (IFKF) દ્વારા કરવામાં આવી હતી. એક અભ્સાસ અનુસાર દુનિયામાં આશરે ૯૫ કરોડ લોકો ક્રૉનિક કિડની ડિસીઝ (CKD)થી પીડિત છે અને આ આંકડો વધી રહ્યો છે. આથી દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરુવારે વર્લ્ડ કિડની ડેની ઉજવણી કરવામાં આવે છે જેથી લોકો કિડનીનું મહત્ત્વ સમજી શકે.

health tips life and style columnists ayurveda