વધુ પડતી હકારાત્મકતા શું તમારે માટે જોખમી હોઇ શકે છે? જાણો એક્સપર્ટ્સ પાસેથી

19 August, 2021 06:46 PM IST  |  Mumbai | Anuka Roy

ગંભીર વાસ્તવિકતાઓ સાથે ભાંજગડ કરવાની હોય ત્યારે હસવા પર અને સતત ખુશ રહેવાના આગ્રહ પર ભાર મુકવાની વાત ટૉક્સિક પૉઝિટીવીટીનું કલ્ચર પેદા કરે છે જે ઘણાં લોકોની શારીરિક અને માનસિક તંદુરસ્તી પર આડ અસર કરે છે

પ્રતીકાત્મક તસવીર

“અરે આ સંજોગોમાં સારું શું છે એ જોવાનું, પૉઝિટીવીટી રાખવાની”,  “તારે સ્ટ્રોંગ રહેવાની જરૂર છે”, “પૉઝિટીવીટી પર જ ધ્યાન આપવાનું”, “નકારાત્મક વિચારો નહીં રાખવાના” – આ કેટલાક એવા અપલિફ્ટિંગ મેસેજીઝ છે જે સતત સાંભળવા મળતા જ હોય છે. એ સમજી શકાય છે કે લોકોએ પોતાનું ધ્યાન રાખવાની જરૂર છે અને નેગેટિવીટી એટલે કે નકારાત્મકતાની ગર્તામાં તે ચાલ્યા ન જાય પણ સતત આ વિચારો કરવા પણ એક દબાણ સર્જી શકે છે. પૉઝિટીવીટી એટલે કે હકારાત્મકતાનું પ્રમાણ પણ જ્યારે વધી જાય ત્યારે પણ સંજોગો વકરી શકે છે.

મુંબઇ બેઝ્ડ મનોચિકિત્સક ડૉ. ચિન્મય કુલકર્ણીએ પોતાના એક દર્દીનું ઉદાહરણ આપ્યું. 18 વર્ષની વયે પોતાની મમ્મી ગુમાવનાર આ દર્દીને તેના પિતાએ તેને એમ કહીને મન ખોલીને રડવા ન દીધી કે તે બહુ “સ્ટ્રોંગ” પર્સન છે, તેના પિતાની માફક અને તેણે ન રડવું જોઇએ. તેના પિતાએ સગાં વ્હાલાંને પણ મળવા આવવાની ના પાડી અને આ રીતે ખરખરો કરવાની વાતને પછાત અને ઓલ્ડ ફેશન્ડ ગણાવી. આ સમયે ડૉક્ટર કુલકર્ણીના પેશન્ટે પોતાની લાગણીઓ ધરબી દીધી અને અભિવ્યક્ત ન કરી. પરંતુ પછી એક સમયે આ લાગણીઓ, આ પીડાનો ભાવ તેના મનમાં વધવા માંડ્યો અને આઠ વર્ષ સુધી એવું થતું કે તે રોજેરોજ એકલી રડ્યા કરતી. જો તેને જે તે સમયે રડવા દીધી હોય તો જે પીડા આટલા મહિનાઓ સુધી રહી તે કેટલાક અઠવાડિયાઓમાં જ દૂર થઇ હોત તેમ ડૉ. કુલકર્ણીએ જણાવ્યું.

કોઇ પીડામાં હોય તો તેને ચિયર અપ કરવું, ખુશ કરવું જરૂરી છે પણ તેમનામાં નકારાત્મક લાગણી હોય છતાં પણ તેને એ લાગણીઓ બહાર લાવવાને બદલે માત્ર હકારાત્મકતા તરફ પુશ કરવામાં આવે તો તે મદદરૂપ નહીં પણ હાનિકારક સાબિત થશે. ગયા વર્ષે મુંબઇના સ્પોકન ફેસ્ટમાં કૉમેડિયન રોહન જોશીએ ઇન્સ્ટાગ્રામ પર ખુશખુશાલ ન દેખાતા લોકોની ટીકા કરાય છે તેનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, “મને નથી ખબર કે તમને આ જાણ છે કે નહીં પણ ખુશનું વિરોધી રોંગ એટલે કે ખોટું નથી થતું.”

 

ડૉ. ચિન્મય કુલકર્ણી તથા સલમા પ્રભુ (સલમા પ્રભૂની તસવીર શશી પાટીલ)

 

 ‘ટૉક્સિક પૉઝિટીવીટી શું છે?

લૉકડાઉનની એન્ક્ઝાયટી અને Covid-19ના કારમા વેવની વચ્ચે છેલ્લું એક વર્ષ બહુ તાણભર્યું રહ્યું છે. હકારાત્મક રહેવા પર ને હેપ્પી વાઇબ્ઝ પ્રસરાવવા પર સતત ભાર મૂકાયો છે. સોશ્યલ મીડિયા પર પણ લોકો પૉઝિટીવીટી પ્રસરાવવાની મહત્તાની ચર્ચા કર્યા કરે છે. ગંભીર વાસ્તવિકતાઓ સાથે ભાંજગડ કરવાની હોય ત્યારે હસવા પર અને સતત ખુશ રહેવાના આગ્રહ પર ભાર મુકવાની વાત ટૉક્સિક પૉઝિટીવીટીનું કલ્ચર પેદા કરે છે જે ઘણાં લોકોની શારીરિક અને માનસિક તંદુરસ્તી પર આડ અસર કરે છે.

ડૉ. કુલકર્ણીએ આ અંગે કહ્યું કે, “ટૉક્સિક પૉઝિટીવીટી અથા તો ડિસમિસિવ ઑપ્ટીમિઝમ એક એવી બાબત છે જ્યાં તમે એમ માનવા માંડો છો કે જિંદગીમાં કંઇપણ થાય તમારે હંમેશા પૉઝિટીવ જ રહેવું જોઇએ. કોઇ ટૉક્સિક પૉઝિટીવ વ્યક્તિને એવી અપેક્ષા હોય છે માણસો ભલે ગમે તેવી પીડામાં હોય તેમણે સતત ખુશ રહેવું જોઇએ, હસતાં રહેવું જોઇએ અને ગમે તેવા અવરોધ હોય જિંદગી સતત માણવી જોઇએ.”

ક્લિનિકલ સાયકૉલોજિસ્ટ સલમા પ્રભુના મતે, “હકારાત્મકતા ચોક્કસ બહુ સારી બાબત છે પણ એ હદે નહીં કે તે તમારી સાચી લાગણી દબાવી દે અને તમને ડિનાયલ મોડમાં એટલે કે વાસ્તવિકતા સ્વીકારતાં જ રોકે. જ્યારે તમે સાચા અનુભવને સ્વીકારો નહીં અને ઇમોશનને વહેવા ન દો ત્યારે તમે સૌથી નકારાત્મક સંજોગોમાં પણ હકારાત્મકતા શોધવા બેસો.”

પૉઝિટીવીટી વર્સિસ ટૉક્સિક પૉઝિટીવીટી  

પૉઝિટીવીટી અને ટૉક્સિક પૉઝિટીવીટી વચ્ચેની ભેદરેખા સમજવી બહુ જરૂરી છે. સાદી ભાષામાં ડૉ. કુલકર્ણી કહે છે કે, “પૉઝિટીવીટી એટલે આમ તો બને ત્યાં સુધી આશાસ્પદ રહેવું અને ઊજળી દિશામાં નજર રાખી નિરાશાની ગર્તામાં ન ધસી જવું. ટૉક્સિક પૉઝિટીવીટી એટલે કે સતત આશાસ્પદ રહેવાનો પ્રયત્ન કર્યા કરવો. પૉઝિટીવીટી એટલે એમ નહીં કે તમે નોન-પૉઝિટીવી લાગણીઓ પ્રત્યે અસંવેદનશીલ થઇ જાવ. પૉઝિટીવીટીમાં વ્યક્તિએ ફ્લેક્સિબલ રહેવાની અને જે તે સંજોગો અને પીડાની લાગણી હોય તે પ્રત્યે વાસ્તવિકતાવાદી અભિગમ કેળવવાની જરૂર છે. હકારાત્મકતા દુઃખ, ગુસ્સો વગેરે લાગણીઓને પણ વહેવા દે છે, અને એવી લાગણીઓને પણ સ્થાન આપે છે જેને સામાન્ય રીતે નકારાત્મક ગણવામાં આવે છે.” 

બીજી તરફ ટૉક્સિક પૉઝિટીવીટી, નકારાત્મક લાગણીઓ પ્રત્યે એ રીતે જુએ છે જાણે તેનું કોઇ મૂલ્ય જ નથી અને તે એબનોર્મલ છે. ડૉ. કુલકર્ણીને મતે આ તો ભોગ બનેલાનો ફરી ભોગ લેવા જેવી સ્થિતિ છે. તેઓ કહે છે, “કોઇ વ્યક્તિ જેને નિરાશા અનુભવાતી હોય, ચિંતા હોય અથવા તો આત્મહત્યાના વિચારો આવતા હોય તેને સતત પૉઝિટીવ રહેવાનું કહેવામાં આવે તો તે વ્યક્તિને એમ લાગે કે પોતે કંઇ ખોટું કરે છે, તેનો કોઇ વાંક છે. આ તો એવી સ્થિતી સર્જાય કે મેલેરિયાના દર્દીને તાવ આવવા બદલ આપણે તેનો જ વાંક કાઢીએ. આ પ્રકારે વિચારવાથી વ્યક્તિને તેની કુદરતી અને વાજબી લાગણીઓ વ્યક્ત કરવાનો મોકો નથી મળતો. બિનજરૂરી પૉઝિટીવીટીનો ડોઝ જેને સતત અપાય તે વ્યક્તિને ગુનાઇત લાગણી અનુભવાય છે. પણ સાહજિક હકારાત્મકતાને કારણે વ્યક્તિ પોતાની લાગણીઓને યોગ્ય રીતે પ્રોસેસ કરી શકે છે, ભલે તે દુઃખની લાગણીઓ કેમ ન હોય. ”

પ્રભુનું કહેવું છે કે, “લાગણીઓનો સ્વીકાર કરવો અને તેમને વહેવા દેવી, પ્રોસેસ થવા દેવી એ કોઇપણ બાબતના ક્લોઝર માટે જરૂરી છે. અંદર દ્વંદ ચાલતો હોય ત્યારે કોઇ સપાટી પર ખુશ કેવી રીતે રહી શકે. સાચી લાગણીઓનો સ્વીકાર ન કરવાથી દમનનો ભાવ પેદા થાય છે જેની શરીર અને મન બંન્ને પર ખોટી અસર પડે છે. જે લોકો પોતાની લાગણીઓને સ્વીકારતા નથી તેમને કાયમી શારીરિક સમસ્યાઓ રહે છે અને ઘણીવાર ડિપ્રેશનની તકલીફ પણ થાય છે. દુઃખ અનુભવવાની સાહજીકતાને જો દબાવી દેવામાં આવે તો ડિપ્રેશનની બિમારી થઇ શકે છે.”

ટૉક્સિઝ પૉઝિટીવીટીને કેવી રીતે પારખવી અને તેની સાથે કેવી રીતે ડીલ કરવું

ડૉ.કુલકર્ણીને મતે ટૉક્સિક પૉઝિટીવીટીને ઓળખવાની ખાસ નિશાની છે કે કોઇ વ્યક્તિની યોગ્ય લાગણીની પીડાને ફગાવી દેવી. જેમ કે કોઇ નોકરી ગુમાવી દે તો ટૉક્સિક વ્યક્તિ તેને આ લાગણીમાંથી તરત બહાર આવી જવા કહે અને તેમની સમસ્યાની ચર્ચા કરવાનું પણ ટાળે. વળી કેટલીક વાર વ્યક્તિઓ નકારાત્મક લાગણીને સ્વીકારવાને બદલે ખુશ રહેવાનું મોહરું પહેરી લે.

પ્રભુએ પણ કહ્યું કે લોકો જે પોતાની જાતને અને બીજાને સારું પાસું જોવા માટે દુરાગ્રહ કર્યા કરે પછી ભલેને તેઓ કોઇ બહુ મોટા સંકટનો સામનો કરતા હોય અને એમ જ માને કે જે થાય તે સારા માટે જ થાય – તેવી વ્યક્તિઓ પણ ટૉક્સિક પૉઝિટીવીટીને પુશ કરતી હોય છે.

નકારાત્મક વિચારો કે લાગણીઓને સદંતર ફગાવી દેવાની ટેવથી આ લાગણીઓ વધુ વિકસે છે ને આખરે મન પર કાબુ કરી લે છે. બંન્ને વિશેષજ્ઞોનું કહેવું છે કે વ્યક્તિએ પોતાની તથા પોતાની સાથે જોડાયેલાઓની સાચી લાગણીને સ્વીકારવી જ જોઇએ. ટૉક્સિક પૉઝિટીવીટીનું વિરોધી ટૉક્સિક નેગેટિવીટીનો સ્વીકાર પણ નથી થતો. એક છેડેથી બીજે છેડે પહોંચીને કોઇપણ લાગણી એક્સટ્રીમમાં અનુભવવી યોગ્ય નથી, એટલે કે હંમેશા દુઃખી કે ચિંતિત રહેવું પણ ઠીક નથી. સમજવાનું એ છે કે ક્યારેક લૉ ફીલ કરવામાં કંઇ ખોટું નથી તેમ ડૉ. કુલકર્ણીનું કહેવું છે. તેઓ કહે છે કે જો કોઇ ટૉક્સિક પૉઝિટીવ હોય તો પહેલાં તો તે વ્યક્તિએ પોતે આ સમજીને જાતને રોકવી જરૂરી છે અને પોતાની આ આદતથી બીજી વ્યક્તિઓને પણ તકલીફ આપી રહ્યા છે. બીજું તો આ વ્યક્તિએ પોતાની સાચી લાગણીઓને સંપૂર્ણ રીતે સ્વીકારી લેવી જોઇએ.

પ્રભુને મતે, “ખુશી અને દુઃખ બંન્નેના અનુભવમાં સંતુલન હોવું જોઇએ નહીંતર માણસ એવો થઇ જાય કે જાણે તેને કોઇ બાબતથી ફેર જ નથી પડતો. તમે તમારી જાતને નકારાત્મક લાગણીઓથી દૂર રાખો ત્યારે તમે હકારાત્મક અનુભવ પ્રત્યે પણ કશું જ ન અનુભવો તેવું બને અને પછી તમે જે કહો તે બધું ઉપરછલ્લું જ લાગે..”

બંન્ને વિશેષજ્ઞોએ સોશ્યલ મીડિયા પરથી પૉઝિટીવીટી મેળવવાની વાત અંગે પણ ચેતવણી આપી. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા કટોકટીના સમયે મદદ મળી છે પણ એ  સમજવું જરૂરી છે કે તે એક વર્ચ્યુઅલ સ્પેસ છે જે વાસ્તવિકતા દૂનિયાથી જોજનો દૂર છે. જેમકે અમુક અલ્ગોરિધમ્સને કારણે એમ બને કે વ્યક્તિ સ્ક્રોલ કરતી હોય તો દર થોડી સેકન્ડે હકારાત્મક સંદેશા વાળું કઇક પૉપ-અપ થાય. તમારે સુપર હ્યુમન થવાની કોઇ જરૂર નથી, ચિંતા કરવી કે દુઃખી થવું તેનો પણ માણસની ઉત્ક્રાંતિના ઇતિહાસમાં કોઇ અર્થ છે. તેનાથી આપણને આપણી ઊર્જા બચાવતાં આવડ્યું છે અને જોખમોથી દૂર રહેતાં પણ આવડ્યું છે તેમ ડૉ. કુલકર્ણીનું કહેવું છે. જો કે તે ઉમેરે છે કે કોઇપણ નકારાત્મક લાગણીને અમુક અઠવાડિયાથી વધુ ન રહેવા દો અને નકારાત્મકતા લાંબો સમય મનમાં રહે તો મેન્ટલ હેલ્થ પ્રોફેશનલની મદદ લો.

 

 

 

health tips life and style