શરીરમાં કળતર મેનોપૉઝ પહેલાંનું લક્ષણ હોઈ શકે?

22 June, 2021 01:58 PM IST  |  Mumbai | Dr. Jayesh Sheth

એક્સરસાઇઝ કરવી મને ગમતી નથી. પહેલાં મને થયું કે મારાં હાડકાં નબળાં પડતાં જાય છે. ડૉક્ટરનું કહેવું છે કેે મને આર્થ્રાઇટિસ જેવું કઈ નથી, પરંતુ હૉર્મોન્સની ઊથલપાથલને કારણે આવું થયું છે.

મિડ-ડે લોગો

મારી ઉંમર ૪૮ વર્ષની છે. એકાદ મહિનાથી શરીરમાં સખત કળતર રહે છે. વળી, ઘૂંટણમાં દુખાવો ચાલુ થઈ ગયો છે. માસિક પણ અનિયમિત થઈ ગયું છે. કદાચ મેનોપૉઝ નજીક હોઈ શકે. છેલ્લાં બે વર્ષમાં વજન વધ્યું છે. થોડી નીરસતા પણ આવી છે. એક્સરસાઇઝ કરવી મને ગમતી નથી. પહેલાં મને થયું કે મારાં હાડકાં નબળાં પડતાં જાય છે. ડૉક્ટરનું કહેવું છે કેે મને આર્થ્રાઇટિસ જેવું કઈ નથી, પરંતુ હૉર્મોન્સની ઊથલપાથલને કારણે આવું થયું છે.  
 
મેનોપૉઝની અસર દરેક સ્ત્રીમાં જુદી-જુદી વર્તાતી હોય છે. મેનોપૉઝ પહેલાં જેને પેરિમેનોપૉઝલ સમય કહે છે. મેનોપૉઝનાં ઘણાં લક્ષણોમાંનું એક મહત્ત્વનું લક્ષણ છે શરીરમાં દુખાવો કે કળતર. આ દુખાવો સ્નાયુનો પણ હોઈ શકે છે અને સાંધાનો પણ હોઈ શકે છે. આ દુખાવો થાકની સાથે જોવા મળે છે. હૉર્મોન્સમાં આવેલો બદલાવ એ હાડકાં, સાંધા અને સ્નાયુઓને અસર પહોંચાડે જ છે, પરંતુ મેનોપૉઝનાં ચિહ્નો આ તકલીફને વધારે છે. 
મેનોપૉઝ આવ્યા પહેલાંનાં જે ચિહ્નો છે એમાં એક મહત્ત્વનું છે વજન વધવું. આ વજનનો ભાર ઘૂંટણ અને લોઅર બૉડી પર આવે છે. આ વજન વધવાને કારણે અને મૂડ સ્વીન્ગ્સ રહેવાને કારણે, ઇરિટેશનને કારણે તમારો ખોરાક પણ જરૂરી નથી કે હેલ્ધી હોય, આ સિવાય એક્સરસાઇઝ પણ તમે કરતા નથી. જે સામાન્ય કામ પણ તમે કરતા હો એ ઘૂંટણની સમસ્યા ચાલુ થવાને કારણે પણ ઓછું થયું હશે. આમ, પ્રવૃત્તિ ઘટે એમ વજન વધે. વજન વધે અને તકલીફો વધે એટલે ડિપ્રેશન આવવા લાગે. આ પરિસ્થિતિમાં સ્ત્રી પડી રહે. પડી રહે એટલે શરીરમાં કળતર પણ વધવાની છે. 
આ પરિસ્થિતિમાં શરીરને એક્સરસાઇઝ જરૂરી છે. વધુ નહીં તો અઠવાડિયામાં પાંચ દિવસ ૪૦ મિનિટની એક્સરસાઇઝ કરવી જ. સ્મૉકિંગ ન જ કરવું અને આલ્કોહોલ પણ ન જ પીવું. ઊંઘ પ્રત્યે બેદરકાર ન બનો. કોશિશ કરો કે રાત્રે ૧૦થી સવારે ૬ સુધીની સળંગ ઊંઘ મેળવી શકો. આ ખૂબ જ મહત્ત્વની વાત છે. જે સ્ત્રીઓ આટલું કરે છે એમની લાઇફસ્ટાઇલ પોતાની રીતે જ ઠીક થઈ જાય છે. ડાયટને એકદમ બૅલૅન્સ્ડ રાખો. જરૂર પડે તો ડૉક્ટરને પૂછીને સપ્લીમેન્ટ ચાલુ કરી દો. વજન ઘટાડવાની કોશિશ ચાલુ કરી દો.

health tips columnists dr. jayesh Sheth