થૅલેસેમિયા માઇનર દીકરી સ્પોર્ટ્સમાં આગળ વધી શકે?

27 April, 2021 01:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હમણાં થોડા સમય પહેલાં જ અમે અમારી ૧૦ વર્ષની દીકરીની બ્લડ-ટેસ્ટ કરાવી એમાં ખબર પડી કે તે પણ મારી જેમ થૅલેસેમિયા માઇનર છે. એની હીમોગ્લોબિન મારી જેમ ઓછું જ રહેશે જીવનભર, પરંતુ વાત એમ છે કે તેને સ્પોર્ટ્સમાં ખૂબ રસ છે.

GMD Logo

હું પોતે એક થૅલેસેમિયા માઇનર છું. મને એની જાણ ત્યારે થઈ જ્યારે હું પ્રેગ્નન્ટ હતી. જોકે મારા પતિ થૅલેસેમિયા માઇનર નહોતા એટલે કોઈ વાંધો ન આવ્યો, પરંતુ ડૉક્ટરે મને સમજાવ્યું કે મારું બાળક થૅલેસેમિયા માઇનર હોઈ શકે છે. હમણાં થોડા સમય પહેલાં જ અમે અમારી ૧૦ વર્ષની દીકરીની બ્લડ-ટેસ્ટ કરાવી એમાં ખબર પડી કે તે પણ મારી જેમ થૅલેસેમિયા માઇનર છે. એની હીમોગ્લોબિન મારી જેમ ઓછું જ રહેશે જીવનભર, પરંતુ વાત એમ છે કે તેને સ્પોર્ટ્સમાં ખૂબ રસ છે. થૅલેસેમિયા માઇનર સાથે તે સ્પોર્ટ્સમાં આગળ વધી શકે કે નહીં? 

એ વાત સારી છે કે તમને અત્યારથી જ ખબર પડી ગઈ કે તમારી દીકરીને થૅલેસેમિયા માઇનર છે. મહત્ત્વનું એ છે કે ખબર પડી ગઈ હોવા છતાં તમારું કે તમારી દીકરી બન્નેનું જીવન કોઈ રીતે બદલાવાનું નથી. ૧૦ વર્ષથી તે થૅલેસેમિયા માઇનર જ છે છતાં સ્પોર્ટ્સ સારું રમે છે. તે એમ જ રમતી રહેશે. એ માટે ચિંતા ન કરો. હિમોગ્લોબિન ઓછું હોવાથી થૅલેસેમિયા માઇનરની કોઈ પણ પ્રકારની ઍક્ટિવિટી ઓછી થતી નથી. નૉર્મલ જીવન શક્ય છે. માટે તેને સ્પોર્ટ્સમાં આગળ વધવા દો. તેની જે ઇચ્છા છે એ પ્રમાણે તે કરી શકે છે. કોઈ પણ પ્રકારની ફિઝિકલ ઍક્ટિવિટી તે નહીં કરી શકે એવું નથી. 
બીજું એ કે આમ તો કોઈ પણ પ્રકારની દવા કે કોઈ પણ પ્રકારનું અલગ પ્રકારનું ડાયટ આપવાથી તેનું હીમોગ્લોબિન વધશે એવું માનવું નહીં. કંઈ પણ કરશો તો તેનું હીમોગ્લોબિન નહીં જ વધે. માટે એવા ખોટા પ્રયત્ન ન કરતાં, પણ થૅલેસેમિયા માઇનર દરદીઓને ફોલિક ઍસિડની પાંચ ગ્રામની એક ગોળી દરરોજ આપી શકાય છે. એ તેના ડેવલપમેન્ટમાં મદદરૂપ બનશે.  
ફક્ત તેનાં લગ્ન થાય ત્યારે તમારે થોડું કૅર-ફુલ રહેવું પડશે. તેનો પાર્ટનર થૅલેસેમિયા માઇનર ન જ હોવો જોઈએ, કારણ કે એવું થાય તો તેનું આવનારું બાળક થૅલેસેમિયા મેજર જન્મી શકે છે. કુંડલી મેળવતાં પહેલાં આ વસ્તુ મેળવવી ખૂબ જરૂરી છે. આ જાગૃતિ લોકોમાં આવી છે, પરંતુ વધુ જાગૃતિની જરૂર છે. તમે લગ્ન કર્યાં ત્યારે તમને ખબર નહોતી. આવું દીકરી સાથે ન થાય એ જોજો. 

health tips columnists dr Preeti mehta