09 September, 2025 01:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
શરીરનું આરોગ્ય જાળવવા માટે ખોરાકમાંથી મળતી ઊર્જા એટલે કૅલરી ખૂબ જ મહત્ત્વની છે. આપણા દિવસભરનાં કામકાજ, કસરત અને શરીરની આંતરિક પ્રક્રિયાઓ માટે પૂરતી કૅલરી જરૂરી છે. કૅલરીની જરૂરિયાત વ્યક્તિની ઉંમર, લિંગ, વજન, ઊંચાઈ અને દૈનિક પ્રવૃત્તિ પર આધારિત હોય છે. શારીરિક પ્રવૃત્તિ વધુ હોય એવી સ્ત્રીઓને દિવસમાં ૨૪૦૦ કૅલરી જોઈએ છે અને બેઠાડુ જીવન જીવતી સ્ત્રીઓને ૧૮૦૦ કૅલરી પૂરતી છે. સ્ત્રીઓની સરખાણીમાં પુરુષોને વધુ કૅલરીની જરૂરિયાત હોય છે. વધુપડતો શારીરિક શ્રમ કરતા પુરુષોને સરેરાશ ૩૨૦૦ કૅલરી જોઈએ છે અને ઓછી પ્રવૃત્તિ કરતા પુરુષોને ૨૪૦૦ જેટલી કૅલરી ચાલે. આ રીતે વજન જાળવવા માટે જેટલી કૅલરી લેવાય છે એટલી જ બર્ન થવી જોઈએ. જો વજન ઘટાડવું હોય તો ઓછી કૅલરીવાળો ખોરાક ખાઈને બર્ન વધુ કરવી પડે અને વજન વધારવા માટે એનાથી વિપરીત કરવું પડે છે.
જો વધુ કૅલરીની જરૂર હોય તો સમોસા, પકોડા, પૂરી અને પરોઠા જેવા તેલવાળા ખાદ્યપદાર્થોમાંથી વધુ કૅલરી મળે. આ ઉપરાંત જલેબી, ચૉકલેટ, કેક અને લાડુ જેવી મીઠાઈ, કાજુ, બદામ, અખરોટ, કિસમિસ, તેલ, ઘી માખણ અને ફાસ્ટ ફૂડમાંથી સૌથી વધુ કૅલરી મળે; પણ જો એનું સેવન જરૂર કરતાં વધુ થાય તો એ સ્થૂળતા લાવી શકે છે અને ત્યાર બાદ લાઇફસ્ટાઇલ રિલેટેડ પ્રૉબ્લેમ્સ થાય છે. આવા સમયે કૅલરીને બર્ન કરવી બહુ જરૂરી છે.
સાઇક્લિંગ, યોગ, સ્વિમિંગ અને જૉગિંગ જેવી સરળ ઍક્ટિવિટી કરવાથી કૅલરી બર્ન થશે. ફળ, શાકભાજી, દાળ, અંકુરિત અનાજ, ઓટ્સ, બ્રાઉન ચોખામાંથી ઓછી પણ આરોગ્યવર્ધક કૅલરી મળે છે. ડાયટમાં આવા ફૂડને સામેલ કરશો તો કૅલરી અને હેલ્થ બન્નેનું મૅનેજમેન્ટ સરળ બનશે.