07 June, 2025 07:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કૉફીના અઢળક હેલ્થ-બેનિફિટ છે, પણ અમેરિકન સોસાયટી ઑફ ન્યુટ્રિશને કરેલા નવા અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે કૅફીનવાળી કૉફી ૪૦થી ૫૦ વર્ષના વયજૂથની જે મહિલાઓ પીએ તો એ એજિંગ પ્રોસેસને ધીમી કરે છે એટલું જ નહીં, એ માઇન્ડને વધુ શાર્પ બનાવવામાં અને શારીરિક રીતે તંદુરસ્ત બનાવવામાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. ત્રણ દાયકા સુધી આશરે ૫૦,૦૦૦ જેટલી મહિલાઓ પર આ સંશોધન કરવામાં આવ્યું હતું અને પરિણામોમાં દર્શાવાયું હતું કે મર્યાદિત માત્રામાં કૉફીનું સેવન વૃદ્ધાવસ્થાને સ્વસ્થ રાખે છે. એટલે કે ૭૦ વર્ષની ઉંમર બાદ પણ ડાયાબિટીઝ, બ્લડપ્રેશર કે કૅન્સર જેવી ગંભીર બીમારીઓ થવાનું જોખમ ઓછું રહે છે.
કૅફીનવાળી કૉફીના ફાયદા
કૉફીના ફાયદા એમાં રહેલા કૅફીનને કારણે જ મળે છે, ડીકૅફીનેટેડ કૉફી એટલે કે કૉફી બીન્સને પ્રોસેસ કરીને એમાંથી ૯૭ ટકા જેટલું કૅફીન કાઢી નાખવામાં આવ્યું હોય એમાંથી કોઈ પ્રકારના ફાયદા મળતા નથી. આ ઉપરાંત ચા કે કોલામાંથી પણ કંઈ પોષણ મળતું નથી. એમાં સાકર અને રસાયણોની હાજરી રહેતી હોવાથી તંદુરસ્ત વૃદ્ધાવસ્થાની સંભાવનાને ઓછી કરે છે. ઘણી મહિલાઓએ આખું જીવન કામ કર્યું હોય તેમને ૪૦થી ૫૦ વર્ષની ઉંમરમાં ડિમેન્શિયા અથવા યાદશક્તિ નબળતી થવાની સમસ્યા રહે છે. જોકે કૉફીનું મર્યાદિત અને નિયમિત સેવન યાદશક્તિને મજબૂત રાખવામાં સહાયરૂપ થાય છે. કૅફીનને લીધે શરીરમાં ઊર્જા જળવાઈ રહેતી હોવાથી શરીરને સક્રિય રાખે છે. દરરોજના બેથી ત્રણ નાના કપ કૅફીનયુક્ત કૉફી પીતી મહિલાઓનું વૃદ્ધત્વ સ્વસ્થ વીતે એવી સંભાવના વધુ હોય છે.
આટલું ધ્યાન રાખો
તંદુરસ્ત રહેવા માટે શરીરને ૨૫૦થી ૩૫૦ મિલીગ્રામ કૅફીનની આવશ્યકતા હોય છે. એ બેથી ત્રણ નાના કપ કૉફીમાંથી મળી જાય છે. જો એનાથી વધુ કૉફીનું સેવન કરવામાં આવે તો ધબકારા વધવા, અનિદ્રા અને ઍસિડિટી જેવી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. તેથી કૉફીનું સેવન બહુ ધ્યાનપૂર્વક અને મર્યાદિત માત્રામાં જ કરવું હિતાવહ છે.
ખાલી પેટે કૉફી પીવાથી ઍસિડિટી, પેટમાં બળતરા કે ઊબકાની ફરિયાદ થઈ શકે છે. તેથી જો સવારે કૉફી પીવાનું મન હોય તો થોડો નાસ્તો કરીને પીવી યોગ્ય રહેશે.
બેડટાઇમના છ કલાક પહેલાં કૅફીનનું સેવન ન કરવું જોઈએ. જો આવું થશે તો ઊંઘની ગુણવત્તા પર અસર થશે.
કૅફીન અલગ-અલગ પ્રકારનાં હોય છે. કૉફીનું કૅફીન સેફ માનવામાં આવે છે ત્યારે એનર્જી ડ્રિન્ક્સમાંથી મળતા કૅફીનમાં સાકર અને આર્ટિશ્યલ રસાયણો નાખેલાં હોય છે જે આરોગ્યને નુકસાન પહોંચાડી શકે એમ હોવાથી એનર્જી ડ્રિન્ક્સ પીવાનું ટાળવું જોઈએ.
ડીકૅફીનેટેડ કૉફી કે ચામાં કૅફીનની માત્રા યોગ્ય હોતી નથી તેથી એમાંથી ફાયદા મળતા નથી. પૅકેજિંગ પર કૉફી કૅફીન-ફ્રી કે ડીકૅફીનેટેડ લખ્યું હોય એનો મતલબ એ થાય કે એમાં કોઈ કૅફીન નથી. કેટલીક બ્રૅન્ડ્સ આ માટે લીલો કે નારંગી રંગ વાપરે છે. સ્વિસ વૉટર પ્રોસેસ અને CO2 પ્રોસેસ એ ડીકૅફીનેશનની પ્રક્રિયાનાં નામો છે. ક્યારેક કોઈ પૅકેજિંગ પર આ શબ્દો દેખાય તો સમજી જવું કે કૉફીમાં કૅફીન નથી. આવી કૉફી કોઈ ફાયદા નહીં આપે.
ફક્ત કૉફી જ ફાયદા નથી આપતી, આ માટે સંતુલિત આહાર, નિયમિત યોગ કે ફિટનેસ જાળવવા માટેની એક્સરસાઇઝ કરવી પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે.
કૉફી પીવી હોય તો બ્લૅક કૉફી બેસ્ટ રહેશે, પણ જો કોઈને કડવાશ પસંદ ન હોય તો થોડું દૂધ ઉમેરી શકે છે. વધુ દૂધવાળી કૉફી પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી. એમાં સાકર ન નખાય તો સારું અને ન ભાવે એવું હોય તો જરૂર હોય એના કરતાં પા ભાગની સાકર નાખવી.