હેલ્થ ચમકાવવા માટે શિયાળાની સવારનો પૂરો ફાયદો ઉઠાવો

31 December, 2025 12:57 PM IST  |  Mumbai | Yogita Goradia

શિયાળાની સવારે જીમના ટ્રેડ મિલ પર વોક કરવાને બદલે બહાર ગાર્ડન કે બીચ પર વોકિંગ કે જોગીંગ કરવામાં આવે તો તે બેસ્ટ એકસરસાઈઝ ગણી શકાય

પ્રતીકાત્મક તસવીર

આમ તો દરેક ઋતુનું એક પોતાનું મહત્વ હોય છે પરંતુ હેલ્થ જોડે જેનો સીધો સંબંધ છે તે ઋતુ એટલે શિયાળો. આપણે ત્યાં શિયાળો હમેશા સેહત બનાવવા માટેની શ્રેષ્ઠ ઋતુ તરીકે ઓળખાય છે. એમાં પણ શિયાળાની સવારનું મહત્વ તો કંઇક જુદું જ આંકવામાં આવ્યું છે. જોકે ઘણા લોકો માટે શિયાળાની સવારની ગુલાબી ઠંડીમાં રજાઈમાં લપાયને સુતા રહેવાથી વિશેષ કશું સુખ નથી હોતું. પરંતુ જેમના માટે પહેલું સુખ તે જાતે નર્યાની વાત સાચી છે તેમના માટે તો આખા વર્ષમાં શિયાળાના આ ૪ મહિના ખુબ મહત્વના ગણાય છે.

શિયાળાની સવારે જીમના ટ્રેડ મિલ પર વોક કરવાને બદલે બહાર ગાર્ડન કે બીચ પર વોકિંગ કે જોગીંગ કરવામાં આવે તો તે બેસ્ટ એકસરસાઈઝ ગણી શકાય. નવજાત શિશુ થી લઈને વૃદ્ધ લોકો સુધી બધાએ શિયાળાની સવારના આ કુણા તડકાનો લાભ લેવો જ જોઈએ. અમુક પ્રકારની કસરત અને યોગ્ય ખોરાક વ્યક્તિની ઈમ્યુનીટી ને બુસ્ટ આપે છે. શિયાળામાં એ બંને વસ્તુ મળે તેનો પુરેપુરો સ્કોપ છે. શિયાળામાં લોકોને ભૂખ હમેશા કરતા થોડી વધારે લાગતી હોય છે એનું કારણ છે કે શિયાળામાં આપણું પાચનતંત્ર સક્રિય અવસ્થામાં હોય છે, અને કોઈ પણ વસ્તુનું પાચન ખુબ વ્યવસ્થિત અને જલ્દી થાય છે. આમ શરીરનું મેટાબોલીઝમ ઊંચું જાય છે. આથી જે પણ ખોરાક ખાવામાં આવે તેનું પાચન અને તેમાંથી મળતા પોષક તત્વોનું પ્રમાણ બીજી ઋતુઓ કરતા વધારે હોય છે. આમ પણ સવારના સમયે શરીરને આખા દિવસનું મેક્સીમમ ન્યુટ્રીશન મળી રહે તે ખુબ જરૂરી છે. કારણકે સવારના સમયમાં જ વ્યક્તિ સૌથી વધારે એક્ટીવ હોય છે. આથીજ બ્રેક ફાસ્ટનું મહત્વ વધારે છે.

સવારે ઉઠીને તરતા હુંફાળું ગરમ પાણી પી ને ફ્રેશ થયા પછી એક ગ્લાસ ભરીને આમળાનો કે ગાજર નો જ્યુસ પીવો. જેમાં ફુદીનો, આદું અને સંચળ નાંખી શકાય. આ જ્યુસ પીધા પછી ૨૦ મિનટ થી લઈને અડધો કલાક બ્રીસ્ક વોક કરવી. વોક ની જગ્યાએ ક્યારેક સાયકલીંગ કરવું હોય તો તે પણ ઉપયોગી થશે. શરત એટલી છે કે તે જીમની અંદર ન કરતા બહાર ખૂલ્લા વાતાવરણમાં કરવું.બાકીનો અડધો કલાક તમને ગમતી એક્સરસાઈઝ કરી શકાય. ત્યારબાદ બ્રેકફાસ્ટ હેવી લેવો જરૂરી છે. જેમાં મેથી પાક,ખજુર પાક,અડદિયો વગેરે વસાણાઓથી ભરપુર કોઈ પણ પાકનું એક ચોસલું એક ગ્લાસ દુધની સાથે ખાય શકાય. કોઈ પણ પ્રકારના પાક ખાવાનો આ શ્રેષ્ઠ સમય છે. આ ઉપરાંતના ઓપ્શનમાં સવારની ચા સાથે બાજરા નું ઢેબરું કે દહીં સાથે રોટલો, સંતરાના જ્યુસ સાથે ગાજર,મૂળા,પાલક ના પરોઠા વગેરે હેલ્ધી બ્રેકફાસ્ટ ગણી શકાય.

skin care health tips healthy living life and style lifestyle news columnists