કમર પર ફોલ્લા ઊપસી આવે છે

16 January, 2023 05:51 PM IST  |  Mumbai | Dr. Batul Patel

શરીર અત્યારે હાઇપર સેન્સિટિવિટી મોડમાં ઘૂસી ગયું છે. તમે જે ભાગની વાત કરો છો એ ભાગ પર રૅશ હોવાનું કારણ ટાઇટ કપડાં પણ હોય છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

હું ૩૯ વર્ષનો છું. મને આજથી ૩-૪ મહિના પહેલાં જ્યાં પૅન્ટ પહેરીએ એ બેલ્ટના ભાગમાં સાંજે ફોલ્લા થતા અને ૧૫-૨૦ મિનિટમાં એની મેળે બેસી જતા. ધીમે-ધીમે એ મને હવે આખા પગ પર થાય છે અને છાતી પર પણ થાય છે. લાલ ચાઠા જેવા એ દેખાય છે અને ચામડી થોડી ફૂલી ગઈ હોય એમ લાગે. આ પ્રશ્ન સાથે હું મારા ફોટો મોકલું છું. એ જગ્યાએ હવે મને ખંજવાળ પણ શરૂ થઈ ગઈ છે. હું સમજી નથી શકતો કે આ શેનું રીઍક્શન છે, કારણ કે આ ફોલ્લા ગમે ત્યારે મને ઊઠી આવે છે.

તમારા ફોટો જોઈને સમજાય છે કે આ જે તકલીફ છે એને અર્ટિકૅરિયા કહેવામાં આવે છે, જેને સમજીએ તો તમારી ઇમ્યુન સિસ્ટમ અત્યારે હાઇપર મોડમાં છે, જેથી આ પ્રમાણે રીઍક્શન આવી રહ્યું છે, જેને શાંત કરવી જરૂરી છે. શરીર અત્યારે હાઇપર સેન્સિટિવિટી મોડમાં ઘૂસી ગયું છે. તમે જે ભાગની વાત કરો છો એ ભાગ પર રૅશ હોવાનું કારણ ટાઇટ કપડાં પણ હોય છે. શું તમે અન્ડર ગાર્મેન્ટ્સ ખૂબ ટાઇટ પહેરો છો તો એ બદલાવીને જોઈ જુઓ. બને કે તમને રાહત મળે. આ તકલીફ એક વાર આવી તો સરળતાથી જતી રહે એવું નથી હોતું. ઘણી વખત મહિનાઓ અને વર્ષો સુધી એ રહે છે. 

આ પણ વાંચો : ઉંમર સાથે હાડકાંનો ઘસારો રોકી શકાય?

સૌથી પહેલાં તો તમારે એક ડાયરી બનાવવી જોઈએ જેમાં તમે નોંધ કરો કે તમને દિવસમાં ક્યારે આ ફોલ્લાઓ ઊઠે છે? શરીરના કયા ભાગમાં વધુ અને કયા ભાગમાં ઓછા ઊઠે છે. શું કરવાથી આ તકલીફ થાય છે. સવારે વધુ છે કે સાંજે. કઈ ખાવાથી એ વધી રહ્યું છે કે નહીં. આ બધા પ્રશ્નોના જવાબો લઈને તમે ડૉક્ટરને મળો. બને કે આ જવાબો પરથી જ સમજાઈ જાય કે કઈ વસ્તુની ઍલર્જી થઈ રહી છે. જો ન ખબર પડે તો ડૉક્ટર તમને ઍલર્જી ટેસ્ટ માટે મોકલી શકે છે, જેના થકી એ જાણવું ખૂબ જરૂરી છે કે તમને કઈ બાબતની ઍલર્જી થઈ રહી છે. બીજું એ કે ફક્ત એટલું જાણવું પણ કાફી નથી. એ પછી મેં કહ્યું એમ રોગપ્રતિકારક શક્તિને શાંત કરવી જરૂરી છે, જેના માટે તમને ડૉક્ટર દવા આપશે એ ૩ મહિના સુધી લેવી જરૂરી છે. એ થયા પછી ફરીથી બ્લડ-ટેસ્ટ થશે, જેના દ્વારા એ જોવું પડશે કે તમે જે દવા લો છો એની અસર કેટલી થઈ. ઘણી વખત આવા દરદીઓએ વરસ-દોઢ વરસ સુધી આ દવાઓ ચાલુ રાખવી પડે એવું બને.

columnists health tips life and style