કાળી, પીળી, લીલી, લાલ કિસમિસમાં કેટલો ફેર?

17 July, 2025 01:35 PM IST  |  Mumbai | Heena Patel

ખાવામાં ટેસ્ટી લાગતી કિસમિસ હેલ્થ માટે પણ ખૂબ પૌષ્ટિક માનવામાં આવે છે. અલગ-અલગ રંગની કિસમિસની પૌષ્ટિકતામાં કેટલો ફરક છે એ જાણીએ

પીળી કિસમિસ, લાલ કિસમિસ, કાળી કિસમિસ

કિસમિસ એવું ડ્રાયફ્રૂટ છે જે સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ છે. કાજુ, બદામ સાથે હંમેશાં કિસમિસનું નામ લેવાય. આ ત્રણેય વસ્તુનો કૉમ્બો એનર્જી, ઇમ્યુનિટી, ડાઇજેશન અને દિમાગ માટે ખૂબ લાભદાયક છે. ત્રણેયને સાથે ખાવામાં આવે ત્યારે મીઠી, ક્રીમી અને નટી ફ્લેવર મળે છે. ફેસ્ટિવ સીઝનમાં પણ મોટા ભાગની મીઠાઈમાં આ ડ્રાયફ્રૂટ્સ હોય છે. વ્રતમાં પણ શરીરને ઊર્જા મળી રહે એ માટે એ ખવાય છે. એમાં પણ કિસમિસમાં જે કુદરતી મીઠાશ હોય છે એ એને સ્વાદમાં બહેતર બનાવે છે. કિસમિસ એમનેમ ખાવાની તો મજા આવે જ; અને જો તમે એને શીરો, ખીર, કુકીઝ, કાશ્મીરી પુલાવ વગેરેમાં નાખો તો એ વાનગીનો પણ સ્વાદ વધારી દે. માર્કેટમાં કાળી, પીળી, લીલી, લાલ જેવી કિસમિસ ઉપલબ્ધ છે. કલરમાં અલગ દેખાતી આ કિસમિસમાં શું ફેર છે એ વિશે ન્યુટ્રિશનિસ્ટ રીમા ધોરાજીવાલા પાસેથી તેમના જ શબ્દોમાં જાણી લઈએ...

કાળી દ્રાક્ષને સૂકવીને કાળી કિસમિસ, લાલ દ્રાક્ષને સૂકવીને લાલ કિસમિસ અને લીલી દ્રાક્ષને સૂકવીને લીલી કિસમિસ અને પીળી કિસમિસ બનાવવામાં આવે છે. લાલ અને કાળી કિસમિસ સામાન્ય રીતે સન-ડ્રાઇડ હોય છે. લીલી કિસમિસ શેડ-ડ્રાય કરવામાં આવે છે એટલે કે તડકાના સીધા સૂર્યપ્રકાશથી બચાવીને સૂકવવામાં આવે છે. એટલે જ એનો નૅચરલ કલર પણ જળવાયેલો રહે છે. પીળી કિસમિસને બનાવવા માટે સ્પેશ્યલ ડ્રાઇંગ મેથડ અને સલ્ફર ડાયૉક્સાઇડનો ઉપયોગ થાય છે. એટલે જ પીળી કિસમિસ લીલી દ્રાક્ષમાંથી બનાવવામાં આ‍વતી હોવા છતાં એનો કલર ગોલ્ડન હોય છે. સ્વાદની વાત કરીએ તો કાળી, લાલ અને લીલી કિસમિસની સરખામણીમાં પીળી દ્રાક્ષ સૌથી વધારે ગળી હોય છે. એ‍વી જ રીતે લાલ કિસમિસ હોય એ બાકી કિસમિસની સરખામણીમાં થોડી વધારે ખાટી હોય છે.

લીલી કિસમિસ

કઈ કિસમિસ વધારે સારી?

આમ જોવા જઈએ તો બધા જ પ્રકારની કિસમિસ ખાવામાં પૌષ્ટિક છે. એમાં વધુ ફરક હોતો નથી. બધામાં જ ફાઇબર, ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ તેમ જ આયર્ન, પોટૅશિયમ, કૅલ્શિયમ જેવાં મિનરલ્સ સારા પ્રમાણમાં હોય છે. એમ છતાં દ્રાક્ષની વરાઇટી અને એને સૂકવવા માટે જે પ્રોસેસ કરવામાં આવે છે એને કારણે કિસમિસના પોષણમાં થોડો-ઘણો ફેર પડતો હોય છે. જેમ કે કબજિયાતની સમસ્યા રહેતી હોય તો એમાં કાળી દ્રાક્ષ સૌથી સારી માનવામાં આવે છે. એમાં સૌથી વધારે પ્રમાણમાં ફાઇબર હોય છે, જે મળત્યાગને સરળ બનાો છે. કાળી કિસમિસમાં આયર્ન પણ સૌથી વધારે હોય છે જે શરીરમાં લોહી (હીમોગ્લોબિન) બનાવવામાં મદદ કરે છે. જે મહિલાઓને માસિકધર્મ દરમિયાન ભારે રક્તસ્રાવ થતો હોય, સતત થાક-નબળાઈ લાગ્યા કરતાં હોય તેમના માટે કાળી કિસમિસ ખૂબ સારી. હૃદયના સારા સ્વાસ્થ્ય માટે કાળી અને લાલ કિસમિસને સારી માનવામાં આવે છે. બન્નેમાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સનું પ્રમાણ સારું હોય છે જે બૅડ કૉલેસ્ટરોલ ઓછું કરવામાં, બ્લડપ્રેશર રેગ્યુલેટ કરવામાં મદદ કરે છે. એવી જ રીતે લાલ અને કાળી બન્ને કિસમિસમાં એન્થોસાયનિન હોય છે જે એક પિગમેન્ટ છે અને દ્રાક્ષને રેડ, પર્પલ, બ્લુ જેવો કલર આપે છે. એ સ્કિન સેલ્સને હેલ્ધી રાખીને વૃદ્ધત્વનાં લક્ષણો ઓછાં કરે છે. એવી જ રીતે પીળી અને કાળી બન્ને કિસમિસમાં પોટૅશિયમનું સારું પ્રમાણ છે જે બ્લડપ્રેશરને રેગ્યુલેટ કરવામાં મદદ કરે છે. પીળી કિસમિસમાં કૅલ્શિયમનું પણ સારું પ્રમાણ હોય છે જે હાડકાં મજબૂત રાખે છે. આમ જોવા જઈએ તો આપણા સ્વાસ્થ્ય માટે બધી જ કિસમિસ સારી છે. તમે કોઈ પણ કિસમિસ ખાઓ એનાથી પાચન સારું જ થશે કારણ કે બધામાં ફાઇબર તો છે જ. એવી જ રીતે બધી જ કિસમિસમાં રહેલા ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ અને પૉલિફિનોલ્સ બ્લડપ્રેશર, કૉલેસ્ટરોલને રેગ્યુલેટ કરવામાં મદદ કરી હાર્ટ-હેલ્થ સુધારશે. બધી જ કિસમિસમાં કૅલ્શિયમ, પોટૅશિયમનું પણ સારું પ્રમાણ હોય છે. સામાન્ય રીતે કાળી દ્રાક્ષને સૌથી હેલ્ધી માનવામાં આવે છે કારણ કે એમાં ફાઇબર, આયર્ન અને ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ સૌથી વધુ હોય છે, પણ બાકીની કિસમિસ પણ હેલ્થ માટે ખૂબ સારી છે. બધી જ કિસમિસનો સ્વાદ અને ટેક્સ્ચર અલગ છે એટલે લોકો એના સ્વાદના હિસાબે ગમે તે કિસમિસ ખાય, તેમને એનો ફાયદો થવાનો જ છે.

ધ્યાનમાં રાખવા જેવું

કિસમિસ ખાવામાં પૌષ્ટિક છે, પણ સાથે એનું પ્રમાણસર સેવન કરવું જરૂરી છે. દિવસમાં ૧૦ જેટલી કિસમિસ ખાઈ શકાય. એનાથી વધુ સેવન કરવાનું ટાળવું જોઈએ. કિસમિસમાં કુદરતી શુગર એટલે કે ફ્રક્ટોઝ અને ગ્લુકોઝ વધારે હોય છે એટલે ડાયાબિટીઝના દરદીઓએ તો ૪-૫ કિસમિસથી વધારે ન ખાવી જોઈએ, નહીંતર બ્લડ શુગર વધી શકે છે. કિસમિસમાં કૅલરી પણ વધુ હોય છે. એટલે વધુ પડતી ખાવાથી વજન વધી શકે છે. જો તમારો ગોલ વજન વધારવાનો છે તો તમે આરામથી ૧૫-૨૦ કિસમિસ પણ ખાઈ શકો. કિસમિસમાં ફાઇબર વધુ હોય છે એટલે એક મુઠ્ઠીથી વધારે કિસમિસ ન ખાવી જોઈએ; નહીંતર અપચો, ઝાડા, ગૅસ વગેરે જેવી પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે. કિસમિસને તમે રાત્રે પાણીમાં પલાળીને પછી સવારે ખાલી પેટે ખાઓ તો ખૂબ સારું. એનાથી કિસમિસમાં રહેલાં ઍન્ટિ-ન્યુટ્રિઅન્ટ્સની માત્રા ઓછી થઈ જાય છે, જેનાથી પોષક તત્ત્વોનું ઍબ્સૉર્પ્શન શરીરમાં સારી રીતે થાય છે. એ‍વી જ રીતે પલાળેલી કિસમિસ પચાવવામાં પણ થોડી સારી પડે છે.

health tips food news indian food mumbai food life and style diabetes columnists gujarati mid day mumbai