દાઢી-મૂછના વાળ સફેદ થઈ ગયા છે

20 June, 2022 12:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રોજ શેવિંગ કરું છું એટલે દાઢી-મૂછના સફેદ વાળનો વાંધો નથી આવતો, પરંતુ ભમ્મરમાં પણ સફેદ વાળ આવવા લાગ્યા છે. શું આયુર્વેદમાં ડાયટ કે દવાથી વાળ નૅચરલી કાળા થઈ શકે ખરા? 

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

મારી ઉંમર ૩૮ વર્ષ છે. મને છેલ્લાં પાંચેક વર્ષથી માથાના વાળ સફેદ થવા લાગ્યા હતા. એક વર્ષથી તો ડાઇ લગાવવાનું શરૂ કરી દીધું છે. ડાઇથી વાળ સફેદ થવાની પ્રક્રિયા ઝડપી થઈ ગઈ છે અને હવે તો દાઢી-મૂછના વાળમાં પણ સફેદી આવવા માંડી છે. રોજ શેવિંગ કરું છું એટલે દાઢી-મૂછના સફેદ વાળનો વાંધો નથી આવતો, પરંતુ ભમ્મરમાં પણ સફેદ વાળ આવવા લાગ્યા છે. શું આયુર્વેદમાં ડાયટ કે દવાથી વાળ નૅચરલી કાળા થઈ શકે ખરા? 
   
તમને ૩૪-૩૫ વર્ષે જ વાળ સફેદ થવા લાગ્યા છે એ વાર્ધક્યનાં નહીં પણ શરીરમાં વધેલા પિત્તનાં લક્ષણો હોય એવું લાગે છે. પિત્તપ્રકૃતિવાળા લોકોને નાની ઉંમરે વાળમાં સફેદી આવી જાય છે.  ઘણી વાર વારસાગત ફૅક્ટર પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. આયુર્વેદમાં એને અકાળ પાલિત્ય કહે છે. વધેલા પિત્તને કાબૂમાં કરવાની સારવાર કરશો તો બની શકે કે હવે આગળ સફેદ વાળ થવાનું પ્રમાણ ઘટે. આ માટે તમારે આહાર-વિહાર અને ઔષધ ત્રણેયમાં કાળજી રાખવી પડશે. 
શરીરમાં પિત્ત વધારે એવી તેલ, મરચું, મસાલાવાળી-આથેલી ચીજો (ઇડલી, ઢોસા, ઢોકળાં, કૅચ-અપ, વિનેગર), પાપડ, ચાઇનીઝ ફૂડ, બ્રેડ, અથાણાં અને નમક બંધ કરવાં.  હલકો અને સહેલાઈથી પચે એવો ખોરાક લેવો. મગ-ભાત, ખીચડી-કઢી, દાળ-ભાત, લીલી શાકભાજી, બાફેલું વધુ ખાવું. દૂધી, બીટ, સરગવો, પાલક, મેથી, બ્રૉકલી, કોબી, ફલાવર, ફણસી આ બધાં જ શાક બાફી-વઘારીને એનો સૂપ બનાવીને પીવો.
ઉપચાર : ગળોસત્ત્વ, ગોદંતી, પ્રવાળપિષ્ટી, જેઠીમધ અને માર્કવ આ પાંચે દ્રવ્યો બરાબર ખાંડીને એનું ચૂર્ણ કરવું. આ ચૂર્ણ રોજ સવારે અને સાંજે અડધો કપ આમળાના રસ સાથે લેવું. જ્યારે આમળાં ન હોય ત્યારે દૂધીના રસ સાથે લેવું.
ષડબિંદુ તેલનાં ત્રણ-ત્રણ ટીપાં બન્ને નાકમાં રોજ રાતે સૂતાં પહેલાં નસ્યરૂપે નાખવાં. જો બની શકે તો તાજા ભાંગરાનો રસ કાઢીને આ તાજો રસ નાકમાં નસ્ય તરીકે નાખવો.
સપ્તામૃત લોહ નામનું ચૂર્ણ રાતે એકાંતરે પા ચમચી લઈ જૂના મધ અને અડધી ચમચી ગાયના ઘી સાથે બરાબર પેસ્ટ જેવું બનાવવું અને ગરમ પાણી અથવા ગાયના ગરમ દૂધ સાથે લેવું. કબજિયાત ન થવા દેવા માટે એક ચમચી એટલે કે પાંચ ગ્રામ ત્રિફળા ચૂર્ણ રાતે સૂતાં પહેલાં ગરમ પાણી સાથે લેવું.

health tips dr ravi kothari