28 July, 2025 02:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
બાથરૂમ કૅમ્પિંગનો મતલબ છે વધુપડતો સમય બાથરૂમમાં વિતાવવો. ખાસ કરીને પ્રાઇવસી મેળવવા માટે અથવા તો રિલૅક્સ ફીલ કરવા માટે. બાથરૂમ કૅમ્પિંગમાં લોકો મોબાઇલ સ્ક્રૉલ કરે, ગેમ્સ રમે, મ્યુઝિક સાંભળે, સ્નૅક્સ ખાય, પોતાની જાત સાથે વાતો કરે, કોઈ પ્લાનિંગ કરે, કોઈ વિચાર કરે, ડાયરી લખે, શાંતિ માણે.
ફાયદો શું?
યંગસ્ટર્સ બાથરૂમ કૅમ્પિંગ કરવાનું પસંદ કરે છે એની પાછળ ઘણાં સાઇકોલૉજિકલ કારણો છે. બધી જ બાજુથી લોકોનો કોલાહલ, ઑનલાઇન મેસેજિસનો મારો, કામની ડેડલાઇન પૂરી કરવાનું પ્રેશર, લોકોની અપેક્ષાઓના બોજ વચ્ચે દિમાગ પર લોડ વધી જતો હોય છે. એવામાં બાથરૂમ તેમને શાંત વાતાવરણ પૂરું પાડે છે. ઘણી વાર મનમાં ઘણાબધા વિચારો, લાગણીઓ ચાલતાં હોય છે. ઘણી વાર મનની ભાવના, લાગણીઓ પર કન્ટ્રોલ કરવો અઘરો પડી જતો હોય છે. એવામાં બાથરૂમ તેમને એકલા બેસીને પોતાની ભાવના વ્યક્ત કરવા માટેનો એક પર્સનલ ઝોન આપે છે. એ સિવાય જ્યારે કોઈ સ્ટ્રેસ, અપરાધભાવ કે ચિંતાથી ડીલ કરવાનું અઘરું બની જાય ત્યારે એ પરિસ્થિતિમાંથી ટેમ્પરરી ભાગવા માટે કે ઘણા લોકો બાથરૂમમાં બેસવાનું પસંદ કરે છે. ઘણી વાર આત્મચિંતન માટે પણ લોકો બાથરૂમ કૅમ્પિંગ કરતા હોય છે જેથી તેઓ પોતાની જાતને વધુ સારી રીતે સમજી શકે. ઘણી વાર લોકોને બાથરૂમમાં બેસીને મોબાઇલ સ્ક્રૉલ કરવામાં સારું ફીલ થતું હોય એટલે પણ બાથરૂમ કૅમ્પિંગ કરતા હોય છે.
અવળી અસર?
કોઈક વાર બાથરૂમ કૅમ્પિંગ કરવામાં વાંધો નથી, પણ આ રોજની આદત બની જાય તો એની શરીર અને દિમાગ બન્ને પર અવળી અસર પડી શકે છે. એક તો વધુ સમય સુધી ટૉઇલેટ સીટ કે ફ્લોર પર બેઠા રહો તો તમારા શરીરનું પૉશ્ચર ખરાબ થવા લાગે. તમને ડોક, પીઠમાં દુખાવો થઈ શકે, સ્કિન-ઇન્ફેક્શન થઈ શકે, યુરિનરી ઇન્ફેક્શન થવાનું જોખમ વધી જાય. તમારી ડિપેન્ડન્સી વધી જાય એટલે કે જ્યારે સ્ટ્રેસ આવે ત્યારે દિમાગ સૌથી પહેલાં બાથરૂમમાં સમય વિતાવવાનું વિચારે. એ સારી વાત નથી. ઘણી વાર ફોનનું ઍડિક્શન એટલું વધી જાય.
શું ધ્યાન રાખવું?
બાથરૂમ કૅમ્પિંગ કરવા માટે સમયની સીમા નક્કી કરો. એવું ન રાખો કે મનફાવે એટલા કલાકો સુધી બાથરૂમમાં જ પડ્યા રહેવું છે. બાથરૂમ કૅમ્પિંગમાં મોબાઇલ ન વાપરવાનું કે પછી જેમ બને એમ ઓછો વાપરવાનું રાખો. વધુ સમય સુધી ટૉઇલેટ સીટ પર ઝૂકીને ન બેસો. ઇમોશનને બહાર કાઢવા માટે દરેક વખતે બાથરૂમમાં ભાગવાનું ટાળીને બીજો કોઈ યોગ્ય વિકલ્પ શોધો. કોઈ સાથે વાત કરો, મનગમતી પ્રવૃત્તિ કરો. સૌથી મહત્ત્વની વાત કૅમ્પિંગ કરતાં પહેલાં બાથરૂમ હાઇજીનિક હોય એનું ખાસ ધ્યાન રાખો. ઘણી વાર લોકો બાથરૂમ કૅમ્પિંગ કરતાં પહેલાં એને ઘણીબધી રીતે સજાવતા હોય છે. જેમ કે સેન્ટેડ કૅન્ડલ્સ લગાવે, સ્મૉલ પ્લાન્ટ્સ રાખે, કમ્ફર્ટેબલ સિટિંગ માટે પૅડેડ ટૉઇલેટ સીટ વાપરે, વૉલ પર સ્ટિકર્સ કે ડેકોરેટિવ આઇટમ્સ ચીપકાવે, ઍર-ફ્રેશનર અને એસેન્શિયલ ઑઇલ્સ રાખે.