માત્ર દોડતી વખતે જ કમર દુખે છે

13 June, 2022 11:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં એક ફિઝિયોથેરપિસ્ટે મને ક્લિનિકલી ચેક કરીને કહ્યું કે રનર્સ સિન્ડ્રૉમ છે. રનર્સ સિન્ડ્રૉમમાં તો ફક્ત ઘૂંટણમાં તકલીફ થાય કે બૅકમાં પણ થાય? હું દોડવાનું છોડવા નથી માગતો. મારે શું કરવું?

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

હું ૩૪ વર્ષનો છું. હું અત્યાર સુધીમાં ૧૮ મૅરથૉન દોડી ચૂક્યો છું. ટ્રેઇનિંગ માટે લગભગ દરરોજ ૧૫ કિલોમીટર દોડતો હોઉં છું. શિયાળામાં ૨૦ કિલોમીટર દોડું છું. જોકે છેલ્લા ૬ મહિનાથી મને કમરમાં ખૂબ દુખાવો રહે છે. દોડું ત્યારે એ વધે છે. એટલે દોડવાનું સાવ બંધ થઈ ગયું છે. હું ઘણા જુદા-જુદા ઑર્થોપેડિક ડૉક્ટર્સ પાસે ગયો. બૅકનો MRI પણ કરાવ્યો. જોકે મારો પ્રૉબ્લેમ પૂરી રીતે ઠીક થયો જ નથી. હાલમાં એક ફિઝિયોથેરપિસ્ટે મને ક્લિનિકલી ચેક કરીને કહ્યું કે રનર્સ સિન્ડ્રૉમ છે. રનર્સ સિન્ડ્રૉમમાં તો ફક્ત ઘૂંટણમાં તકલીફ થાય કે બૅકમાં પણ થાય? હું દોડવાનું છોડવા નથી માગતો. મારે શું કરવું?
   
સારું છે કે નિદાન યોગ્ય સમયે થઈ ગયું. મોટા ભાગના રનર્સ સાથે આ તકલીફ થાય છે. ખાસ કરીને દરરોજ ૧૦ કિલોમીટરથી વધારે દોડનારા લોકો આ તકલીફનો ભોગ બને છે. જોકે તમે ચિંતા ન કરો. રનર્સ સિન્ડ્રૉમને આઇટી બૅન્ડ સિન્ડ્રૉમ કહે છે. મોટા ભાગે આ પરિસ્થિતિમાં ઘૂંટણ અને હીપ જૉઇન્ટમાં પેઇન થાય છે એવું લોકોને લાગે છે, પરંતુ આઇટી બૅન્ડ પગની બહારની બાજુ હીપ અને ઘૂંટણની સાથે જોડાયેલો એક સ્નાયુ છે. એ કડક થઈ જાય તો હીપ મૂવમેન્ટમાં તકલીફ થાય છે જે ઘૂંટણ, હીપ કે પછી બૅક પ્રૉબ્લેમ બનીને સામે આવે છે. હાલમાં જો કમર પર ધ્યાન ન આપ્યું તો ઘૂંટણનો દુખાવો પણ શરૂ થઈ શકે છે. 
રનિંગ ખૂબ સારી એક્સરસાઇઝ છે, પણ જે રનર્સ ફક્ત રનિંગ સિવાય બીજી કોઈ એક્સરસાઇઝ નથી કરતા તેમને આ તકલીફ ખૂબ વધારે થાય છે, કારણ કે તેમના શરીરના બીજા સ્નાયુઓને તેઓ કામે લગાડતા નથી અને એક જ મૂવમેન્ટ થકી એ એક જ પ્રકારના સ્નાયુઓને કડક કરી રહ્યા છે. આ રનર્સ સિન્ડ્રૉમમાં આઇટી બૅન્ડને તમારે ટ્રીટમેન્ટ થકી લૂઝ કરવાનો છે. એ માટે ફિઝિયોથેરપી લેવી જરૂરી છે. એકદમ સાજા થઈ ગયા પછી પણ એ ધ્યાન રાખવાનું છે કે તમે દરરોજ ૧૦ કિલોમીટરથી વધુ ન ભાગો. રનિંગ સિવાય સ્વિમિંગ, સાઇક્લિંગ, યોગ જેવી એક્સરસાઇઝ પણ કરો. એનાથી તમારી ઓવરઑલ હેલ્થ પર ફરક પડશે. દોડો, પણ વધુ નહીં. એક્સરસાઇઝ કરતા લોકોએ આ વાત સમજવા જેવી છે કે મૉડરેશન જરૂરી છે. કોઈ પણ વસ્તુ અતિ કરશો તો શરીરમાં તકલીફ ઊભી તો થશે જ. 

health tips columnists