બાળકોને ચા આપી શકાય કે નહીં?

25 November, 2022 02:33 PM IST  |  Mumbai | Yogita Goradia

હકીકત એ છે કે ૧૦-૧૨ કપ ચા નુકસાનદાયક છે. ૧-૨ કપ જેટલી ચા બાળકોને આપી શકાય.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

દસ વર્ષના દીકરાને શરદી થઈ હતી એટલે ડૉક્ટરના કહેવા મુજબ તેને તુલસી-આદુની ચા આપતા. તેની શરદીમાં તો રાહત થઈ. અમારા ઘરમાં બધા જ ચા પીએ છે અને એટલે તેને પણ ચા ખૂબ જ ભાવે છે, પરંતુ નાનાં બાળકોને ચાની આદત લગાડવી ખોટી એમ માનીને મેં ચા બંધ કરી. એ દિવસથી તે થોડો નબળો લાગી રહ્યો છે. બપોરે એ ક્યારેય નહોતો ઊંઘતો, પણ હમણાંથી ઊંઘી જાય છે. ચા આપીને મેં કંઈ ખોટું કર્યું?

 બાળકોને ચા આપવી કે નહીં એ વર્ષોથી મહાચર્ચા છે. હકીકત એ છે કે ૧૦-૧૨ કપ ચા નુકસાનદાયક છે. ૧-૨ કપ જેટલી ચા બાળકોને આપી શકાય. ચામાં રહેલું ટેનિન નામનું તત્ત્વ મગજને સ્ટિમ્યુલેટ કરવાનું કામ કરે છે. આપણે ત્યાં કોઈ પણ જાતનાં સ્ટિમ્યુલેટર બાળકોને ન જ આપવાં જોઈએ એવું લગભગ દરેક ઘરના લોકો માને છે. નાનકડા બાળકના મગજને સ્ટિમ્યુલેટ કરવાની જરૂરત જ શી છે એ વિચાર યોગ્ય છે અને જો એ કારણસર બાળકને ચા ન આપતાં હોઈએ તો કોઈ પ્રૉબ્લેમ નથી, પરંતુ ચાની જેમ કોકો પણ એક જાતનું સ્ટિમ્યુલેટર જ છે. જો તમે બાળકને ચા ન પીવા દેતા હોવ તો ચૉકલેટ પણ ન જ ખાવા દેવી જોઈએ, કારણકે ચા કરતાં ચૉકલેટ વધુ સ્ટિમ્યુલેટ કરે છે. 

બીજું એ કે તમને જે એ નબળું લાગે છે એ ચાને કારણે ન પણ હોય. તમે જ કહ્યું કે એ હમણાં માંદું હતું. ઇન્ફેક્શન જતું રહે પણ માંદગીને કારણે બાળકોમાં પાછળથી થોડી વીકનેસ રહી જતી હોય છે. ચા ન પીવો તો આળસ આવે. વીકનેસ ન લાગે. જો બાળકને ચા ભાવે છે તો ચા આપવામાં કોઈ પ્રૉબ્લેમ નથી. મહત્ત્વનું એ છે કે તમે તેને કેવી ચા પીવડાવો છો. કડક, મીઠી, અમીરી ચા બાળકને ક્યારેય ન પીવડાવાય. જયારે બાળકને ચા પીવડાવવાની હોય ત્યારે એક વાત ખાસ ધ્યાન રાખવી કે ચા પૂરા દૂધની જ હોય, એમાં પાણી નાખવું નહીં. બીજું એ કે એક કપ ચામાં પા ચમચી ચાની ભૂકી બસ છે. સ્ટ્રૉન્ગ ચા બાળક માટે જરૂરી નથી. ફક્ત ચાની ફ્લેવર આવે એટલું ઘણું. વળી, તેમની ચા વધુ ઉકાળવી પણ નહીં. ચામાં તુલસી, આદું, ફુદીનો નાખીને પણ બનાવી શકાય, જે બાળકની ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે અને પાચનપ્રક્રિયાને બળ આપે છે. આવી ચા બાળકને ફાયદો જ કરે છે, નુકસાન કરતી નથી.

columnists health tips