ઉંમર વધવા સાથે સમજ શાર્પ થાય કે બુઠ્ઠી?

14 September, 2022 01:55 PM IST  |  Mumbai | Pallavi Acharya

માનસિક હેલ્થનાં અનેક રિસર્ચમાં કહેવાયું છે કે શરીર વૃદ્ધ થવાની સાથે મગજની કાર્યક્ષમતા ઘટી જાય છે. જોકે આ બાબતે મનોચિકિત્સકો અને અનુભવી વડીલો શું માને છે એ જોઈએ

ઉંમર વધવા સાથે સમજ શાર્પ થાય કે બુઠ્ઠી?

સાઠે બુદ્ધિ નાઠી અને ઘરડાં ગાડાં વાળે એ બે ગુજરાતી કહેવતો પરસ્પર વિરુદ્ધ છે, પણ વડીલોની બુદ્ધિ યા સમજની એમાં વાત છે. માનસિક હેલ્થનાં અનેક રિસર્ચમાં કહેવાયું છે કે શરીર વૃદ્ધ થવાની સાથે મગજની કાર્યક્ષમતા ઘટી જાય છે. જોકે આ બાબતે મનોચિકિત્સકો અને અનુભવી વડીલો શું માને છે એ જોઈએ

પલ્લવી આચાર્ય
feedbackgmd@mid-day.com

જુદી-જુદી ઉંમરે વ્યક્તિના મગજની વિવિધ ક્ષમતાઓ ટોચ પર હોય છે, જેમ કે માહિતીને આત્મસાત્ કરવાની ઝડપ ૧૯ વર્ષે  શ્રેષ્ઠ હોય છે ને પછી ઘટવા લાગે. યાદશક્તિ ૩૫ વર્ષ પછી ઘટવા લાગે. ૪૦ અને ૫૦ના દાયકામાં વ્યક્તિની ભાવનાત્મક સ્થિતિના મૂલ્યાંકનની ક્ષમતા સારી હોય છે. તાજેતરના એક રિસર્ચ મુજબ ૭૦ના દાયકામાં વ્યક્તિ પાસે સમુદ્ધ શબ્દકોશ હોય છે. વ્યક્તિનું મગજ ગતિશીલ રીતે સતત બદલાતું જાય છે, ક્ષમતા ઘટતી જાય છે, પણ એને ટકાવી રાખવા માટે અવિરત શીખવાની વૃત્તિ, વધુ વાંચન અને સતત કાર્યદક્ષતા શ્રેષ્ઠ પરિણામ લાવે છે.

આ જ વાતને વધુ વિસ્તારથી સમજાવતાં જાણીતા સાઇકિયાટ્રિસ્ટ રાજીવ આનંદ એક સિમ્પલ ઉદાહરણ આપતાં કહે છે, ‘ગાડીને ચાલુ રાખવા એમાં પેટ્રોલ નાખતાં રહેવું પડે, એને ચાલતી રાખવી પડે. એમ ના કરો તો એ જર્ક ખાય, બંધ પડી જાય. વહેતું પાણી અટકી જાય તો સડી જાય. એ જ રીતે મગજને સતત કાર્યક્ષમ ના રાખો તો એની ક્ષમતા ઓછી થઈ જાય.’
વડીલોની આ હાલતને સાઇકોલૉજિકલ ટર્મમાં સમજાવતાં ડૉ. રાજીવ કહે છે, ‘મોટા ભાગના વડીલોએ ૬૦ પછીની જિંદગીને પ્લાન કરી જ નથી હોતી. રોજની ઘટમાળમાં તેમનું મગજ જે રીતે મેકૅનિકલી પ્રોગ્રામ્ડ થયું હોય છે એ નિવૃત્તિ સાથે અચાનક બદલાઈ જાય છે. પર્સનાલિટીનો ન્યુરોનલ પૅટર્ન ટ્રૅક બદલાઈ જાય છે. વ્યસ્તતામાંથી અચાનક સાવ નવરાશ થઈ જાય, ખાલી બેસવાની આદત નહોતી, પણ હવે કશું નથી. આમ વ્યક્તિમાં માઇલ્ડ ડિપ્રેશનની શરૂઆત થઈ જાય છે. ક્યાંય જવું નથી તો શા માટે જલદી ઊઠે? જીવનનો કોઈ ઉદ્દેશ ન રહે, જીવન પ્રત્યે તેનો વ્યવહાર ઉદાસીન થઈ જાય, વાળ-દાઢી ન બનાવે, પ્રેઝન્ટેબલ ન રહે. આ બધાને લઈને લોકો પણ તેમને વધુ ભાવ ન આપે, કંઈ પૂછે નહીં. આ સિચુએશનના કારણે લોકોને લાગે કે તે ‘સઠિયાઈ ગયો છે, જે સ્થિતિ મોટા ભાગના વડીલોની માનસિક અને ફિઝિક્લ હેલ્થને ડૅમેજ કરે છે, તેમની ઇમ્યુનિટી ઘટી જાય  છે ત્યારે તેઓ કોઈ મોટી બીમારીનો ભોગ બને છે. તેથી જ વધતી વયમાં મગજને કોઈ પણ રીતે સતત કાર્યરત રાખવું જરૂરી છે.’

ડૉ. રાજીવ દૃઢપણે માને છે કે વડીલોએ લાઇફ કોર્સથી અલગ થવાની જરૂર નથી. હવે ભગવાન લઈ લે તો સારું, જીવીને શું કરવું છે, કોઈ પૂછે તો કહે ચાલે છે બધું... જેવા નિરાશાજનક અને જીવંત ન હોય એવા વિચારો અને વલણથી દૂર રહી પ્રવૃત્તિમય રહેવાની જરૂર છે. મેડિકલ વર્લ્ડમાં હવે જેરિયૅટ્રિક સાઇકિયાટ્રીમાં ઘણાં રિસર્ચ થઈ રહ્યાં છે, જે વડીલોની આ સમસ્યાને ઉકેલવામાં મદદરૂપ થશે.

ઉપયોગ પર નિર્ભર

ડૉક્ટરે તો સાઇકિયાટ્રિક રિસર્ચના સંદર્ભમાં વાતો કરી, પણ યુવાન વડીલ જાણીતા નાટ્યકાર,લેખક પ્રવીણભાઈ સોલંકીએ જીવનના નિચોડસમી બહુ અમૂલ્ય વાત આ સંદર્ભમાં કરી. તેમનું માનવું છે કે ‘સાઠે બુદ્ધિ નાઠી’ કે ‘ઘરડાં ગાડાં વાળે’ એ બેમાંથી કશું જ સાચું નથી, કારણ ઉંમર એક આંકડો માત્ર છે. અનુભવથી જે  વૃદ્ધ છે તે જ ગાડાં વાળી શકે. ઉંમર સાથે બુદ્ધિને કંઈ જ લેવાદેવા નથી. એનો ઉપયોગ તમે કેવી રીતે કરો છો એના પર તમારી  બુદ્ધિમત્તાનો આધાર છે. તેઓ કહે છે, ‘માણસ માનસિક રીતે ૬૦  વર્ષે પણ ૨૦ વર્ષ જેવો યુવાન રહી શકે છે. તમારી બુદ્ધિ, તમારા મગજને તમે કેવી રીતે વાપરો છો એના પર બધો આધાર છે. આપણા ઋષિમુનિઓ સો વર્ષે જીવતા હતા અને એ વયે પણ કેવાં મહાન સર્જન કર્યાં હતાં. બુદ્ધિનો ઉપયોગ ભૂતકાળમાં તમે કેવી રીતે કર્યો છે એ મહત્ત્વનું છે, તેથી જ બુદ્ધિનો ઉપયોગ સતત કરતા રહો, નહીં તો એ કાટ ખાઈ જશે. ૬૦ વર્ષે બુદ્ધિ કાટ ન ખાઈ જાય એ માટે યુવાનીથી જ એનો સતત ઉપયોગ કરતા રહો, નહીં તો પછી સાઠે બુદ્ધિ નાઠી જેવું થવાનું જ છે. માણસનું આયુષ્ય અગાઉ પંચાવનથી અઠ્ઠાવન વર્ષ હતું એ હવે વધીને ૭૦-૭૨ વર્ષ થયું છે. ઉંમર સાથે બુદ્ધિને નાતો નથી, બધો આધાર એનો ઉપયોગ તમે કેવી રીતે કરો છો એના ઉપર છે.’

ઘરડાં ગાડાં વાળે...

જુહુમાં રહેતા ૭૨ વર્ષના મુકેશ દેસાઈ નિવૃત્ત ટેક્સટાઇલ એન્જિનિયર છે. મોટી કંપનીઓ સાથે તેમણે કામ કર્યું છે. તેમનું માનવું છે કે એ વાત સાચી છે કે ઘરડાં ગાડાં વાળે. તેઓ કહે છે, ‘વડીલોના માથે વાળ સફેદ કંઈ એમ જ તડકાને લીધે નથી થતા, તેમની પાસે ભરપૂર અનુભવો છે.  વધતી ઉંમરે માણસમાં મૅચ્યોરિટી આવે છે, સમજણશક્તિ વધે છે. માણસનો અભિગમ સમતળ થાય છે, યુવાનીમાં લાગણીઓના પ્રવાહમાં તે ખેંચાઈ જાય એવું બને. તેની લાગણીઓ બદલાઈ નથી જતી, પણ ઘડપણમાં તેનો વ્યુ બૅલૅન્સ્ડ થાય છે, સુખમાં છકી ન જાય અને દુખમાં ભાંગી ન પડે. સબંધોને તે હકારાત્મક રીતે જોઈ શકે છે.’

નિવૃત્તિ પછી મુકેશ દેસાઈએ સામાજિક કાર્યો અને યોગ કરવાનું શરૂ કર્યું છે. એક પ્રસંગ ટાંકતાં તેઓ કહે છે, ‘આપવડાઈ નથી કરતો, પણ અમારા એક સગાને ત્યાં લગ્ન હતાં. પાર્ટીપ્લૉટમાં મંડપ સહિત લગ્નની બધી જ તૈયારી થઈ ગઈ હતી. ડિસેમ્બર મહિનો હતો, સરસ વાતાવરણ હતું ને લગ્નના આગલા દિવસે ભારે વરસાદ પડ્યો. પાર્ટીપ્લૉટમાં મંડપ સહિત લગ્નની બધી જ તૈયારી કાદવ-કાદવ થઈ ગઈ. છેલ્લી ઘડીએ હવે શું કરવું? બધા મૂંઝાયા, બીજો ઑપ્શન શોધવા લાગ્યા, પણ લગ્નની સીઝન હતી, બધું પૅક. મેં તેમને કહ્યું તમને યોગ્ય લાગે તો તમારા બિલ્ડિંગમાં જે હૉલ છે ત્યાં શિફ્ટ કરો. તેમને આ સલાહ ગમી, ફટાફટ તૈયારી કરી અને ત્યાં વાજતેગાજતે લગ્ન થયાં. આજે પણ એ લોકો યાદ કરીને મારો આભાર માને છે.’
નિવૃત્તિ પછી જૉબ, બિઝનેસ કે પૈસા કમાવાનું કામ કરવું જરૂરી નથી, એમ જણાવતાં મુકેશ દેસાઈ કહે છે, ‘મને સ્પોર્ટ્સ અને સંગીતનો શોખ છે. ટેબલટેનિસ રમું છું અને ક્રિકેટના મંડળનું ઍડમિનિસ્ટ્રેશન સાંભળું છું. મારી યાદશકિત તેજ છે. બધાના બર્થડે મને યાદ રહે છે, મારે એ ક્યાંય લખી નથી રાખવા પાડતા. કોઈ ફૉર્મ ભરવાનું હોય તો હું ફટાફટ ભરી લઉં છું મને બધા જ પાસવર્ડ યાદ છે. ઑનલાઇન બૅન્કિંગ કરું છું એ માટે મને કોઈની  હેલ્પની જરૂર નથી પડતી.’

ઉંમર-બુદ્ધિને લેવાદેવા નથી

અંધેરી-ઈસ્ટમાં રહેતાં ૬૭ વર્ષનાં નિવૃત્ત શિક્ષિકા મીનાક્ષી ભટ્ટે ૬૬મા વર્ષે ઇન્ટરનૅશનલ યોગટીચર બનવાનો કોર્સ કર્યો અને યોગટીચર બન્યાં. તેઓ હાલ સિનિયર સિટિઝનોને ફ્રીમાં ઑનલાઇન યોગ શીખવે છે. મીનાક્ષી ભટ્ટનું માનવું છે કે, ‘કટાક્ષ કે જોક માટે સાઠે બુદ્ધિ નાઠી વપરાતું હશે, બાકી ઉંમર વધવા સાથે વ્યક્તિનો અનુભવ વધે, પરિપકવતા આવે અને સમજ પાકટ બને.’ મીનાક્ષી ભટ્ટ કહે છે, ‘ફૉરેનમાં લોકો માને છે કે ૪૦-૫૦ વર્ષ પછી જ જિંદગી ચાલુ થાય છે. નિવૃત્ત થયા પછી મેં મારા શોખને વિકસાવી પૂરા કરવાનું ચાલુ કર્યું છે. રોજ ૧ કલાક વૉક કરું છું, યોગ-પ્રાણાયામ કરું છું, લાઇબ્રેરી જાઉં છું, યોગના ક્લાસ લઉં છું અને સિનિયર સિટિઝનો માટેના ગ્રુપમાં જાઉં છું. હવે હું સ્વિમિંગ શીખવાની છું. ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી બધું ફરી છું ને યુએસ, લંડન, સાઉથ આફ્રિકા ફરી છું. લંડનમાં દીકરીના ગાઇડન્સ મુજબ ત્યાં રહેતાં સગાંઓના ઘરે એકલી જ જતી હતી.’

સંયુક્ત પરિવાર સાથે નેપિયન સી રોડ વિસ્તારમાં રહેતાં મીનાક્ષી અલગ થઈને અંધેરી રહેવા આવ્યા પછી ડિપ્રેશનમાં સરી પડ્યાં હતાં. એમાંથી નીકળવા ૪૪મા વર્ષે તેમણે બીએડ્ કર્યું અને શિક્ષિકા તરીકે ઘાટકોપરની ગુરુકુળ સ્કૂલમાં જોડાયાં. તેઓ કહે છે, ‘ઉંમર વધવા સાથે પેન્સિલની અણી જેમ બુદ્ધિ શાર્પ થાય છે, સમજ કેળવાય છે, નવું શીખવાની ભાવના હોય તો એ માટે પૂરતો સમય મળે છે. ઉંમર અને બુદ્ધિને કંઈ રિલેશન નથી.’

ટૂંકમાં વડીલોએ તન અને મનથી સ્વસ્થ રહેવા માટે તન અને મનથી પ્રવૃત્તિશીલ રહેવું જરૂરી છે. જો એમ નહીં કરો તો મગજ કટાઈ જશે.

એક રિસર્ચ મુજબ ૭૦ના દાયકામાં વ્યક્તિ પાસે સમુદ્ધ શબ્દકોશ હોય છે. વ્યક્તિનું મગજ ગતિશીલ રીતે સતત બદલાતું જાય છે, ક્ષમતા ઘટતી જાય છે ઉંમર એક આંકડો માત્ર છે. અનુભવથી જે વૃદ્ધ છે તે જ ગાડાં વાળી શકે. ઉંમર સાથે બુદ્ધિને કંઈ જ લેવાદેવા નથી. બુદ્ધિનો ઉપયોગ તમે કેવી રીતે કર્યો છે એ મહત્ત્વનું છે : પ્રવીણ સોલંકી

columnists health tips