સૉરાયસિસ માટે જવાબદાર હોઈ શકે મનમાં રહેલો ગુસ્સો

28 February, 2025 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સૉરાયસિસ માટે માઇન્ડથેરપી ખૂબ મહત્ત્વની છે કારણ કે આ રોગ પાછળ મનમાં છુપાયેલી લાગણીઓ જવાબદાર હોઈ શકે છે

પ્રતીકાત્મક તસવીર

સૉરાયસિસ એક ચર્મરોગ છે અને એ સાઇકોસોમૅટિક ડિસીઝ ગણવામાં આવે છે. સૉરાયસિસમાં ચામડીના અમુક નિશ્ચિત એરિયા પર એક જાડું લેયર આવે જે ખૂબ જ રફ હોય, એવું લાગે કે એનું એક પડ કે પોપડો બની ગયો છે. સાઇકોસોમૅટિક કૅટેગરીમાં મોટા ભાગે એ રોગો આવે છે જે ક્રૉનિક હોય એટલે કે લાંબા સમયથી હોય જેમ કે ડાયાબિટીઝ, બ્લડપ્રેશર, ઍસિડિટી, ખરજવું, કોલાઇટિસ, રૂમૅટિઝમ, ઍલર્જી જેવા રોગોને સાઇકોસોમૅટિક ડિસીઝ કહેવાય. કોઈ રોગ ત્યારે જ લાંબો ચાલે જ્યારે શરીર અને મન બન્ને સાથે એ જોડાયેલો હોય. સાઇકોસોમૅટિક રોગોની ખાસિયત છે કે એમાં શરીરનું જ નહીં, મનનું પણ ડિસ્ટર્બન્સ હોય છે. એટલે જો ફક્ત શરીરનો ઇલાજ કરીએ તો ન ચાલે, મનનો ઇલાજ પણ જરૂરી છે.

સૉરાયસિસ માટે માઇન્ડથેરપી ખૂબ મહત્ત્વની છે કારણ કે આ રોગ પાછળ મનમાં છુપાયેલી લાગણીઓ જવાબદાર હોઈ શકે છે. આ રોગ પાછળ દબાયેલો ગુસ્સો કારણભૂત હોય છે. કોઈક કેસમાં દબાયેલા ગુસ્સા સાથે ભળેલું દુઃખ પણ ભાગ ભજવે છે. જેમ કે એક કેસમાં એક સ્ત્રીને છૂટાછેડા પછી સૉરાયસિસની તકલીફ આવી હતી. એક ૨૮ વર્ષનો છોકરો હતો જેને તેના પપ્પા મારતા હતા અને તેનો ગુસ્સો મનમાં જ દબાયેલો હતો. જ્યારે એ બહાર આવ્યો ત્યારે તે ઠીક થયો. આ થોડું કૉમ્પ્લેક્સ વિજ્ઞાન લાગે પણ થેરપી એટલી વૈજ્ઞાનિક છે કે એનાં પરિણામો સચોટ છે.

સૉરાયસિસ માટે એક માન્યતા એવી છે કે એ જીવનભર ચાલતો રોગ છે, પરંતુ હકીકત એ છે કે દરેક કેસ પ્રમાણે એનું પરિણામ જુદું હોય છે. આ રોગનો સંપૂર્ણ ઇલાજ પણ શક્ય છે. ઘણા કેસમાં એ સદંતર ક્યૉર થતો હોય છે. અમુક કેસમાં એ ક્યૉર થઈ જાય અને પછી પાછો આવતો હોય છે તો અમુક કેસમાં થોડા-થોડા સમયે એ આવ્યા કરે છે. આ રોગમાં કોઈ એક નહીં, બધા જ પ્રકારનું ધ્યાન રાખવું જરૂરી છે. અમુક પ્રકારની ખોરાકમાં પરેજી, અમુક નિશ્ચિત એક્સરસાઇઝ દ્વારા મેદ પર કન્ટ્રોલ જરૂરી છે. આ સિવાય નિયમિત ધ્યાન અને હોમિયોપૅથી પણ જરૂરી છે. જે જગ્યાએ ખૂબ જ ખંજવાળ આવતી હોય ત્યાં હર્બલ રેમેડી, ફ્લાવર રેમેડી કે ટિશ્યુ સૉલ્ટની મદદથી પણ આંતરિક જે ઊથલપાથલ થઈ છે એમાં સંતુલન રાખીને એને દૂર કરી શકાય છે. શારીરિક અને માનસિક રીતે જ્યારે ઊથલપાથલ થઈ હોય ત્યારે દરેક દિશામાંથી પ્રયાસ અનિવાર્ય છે. એવું કરીએ ત્યારે જ ઇચ્છનીય પરિણામો મળી શકે છે.

health tips mental health columnists life and style