05 March, 2025 07:59 PM IST | Mumbai | Kajal Rampariya
ઑલટાઇમ હિટ ABC જૂસ દરરોજ પીઓ તો શું થાય?
આમ તો શાકભાજી અને ફળોના રસને હેલ્ધી નથી ગણવામાં આવતા, પરંતુ ડાયટની દૃષ્ટિએ ABC જૂસ એટલે કે ઍપલ, બીટરૂટ અને કૅરટનો જૂસ સૌથી લોકપ્રિય ડ્રિન્ક છે. સેલિબ્રિટીઝ અને ફિટનેસ ફ્રીક લોકો પણ તેમની ડાયટમાં સૌથી જૂનો વાઇરલ જૂસ સામેલ કરવા લાગ્યા છે. આજે એક્સપર્ટ પાસેથી જાણીએ આ ત્રણ ચીજોનો રસ કઈ રીતે સ્વાસ્થ્યવર્ધક બને છે
ઘણા લોકો પોતાના ડાયટ-પ્લાનમાં એક જૂસ તો રાખે જ છે પછી એ ટ્રેન્ડી ગ્રીન જૂસ હોય કે પછી કોઈ ફ્રૂટનો જૂસ હોય. છેલ્લા કેટલાક સમયથી ABC જૂસ પૉપ્યુલર થઈ રહ્યો છે. અભિનેત્રી મલાઈકા અરોરા તેની ડાયટમાં આ જૂસ અચૂક ઉમેરે છે. થોડા સમય પહેલાં તેણે પોતાના ડાયટ- પ્લાન વિશે વાત કરતાં જણાવ્યું હતું કે મેં મારા રૂટીનમાં ABC જૂસ રાખ્યો છે. એ મને હેલ્ધી રહેવામાં બહુ મદદ કરે છે. મલાઈકાના આ નિવેદન પરથી તમને સવાલ થતો હશે કે સંતરાં, મોસંબી, ચીકુ અને સફરજનના જૂસનાં નામ સાંભળ્યાં છે પણ આ ABC જૂસ એટલે શું? ABC એટલે ઍપલ, બીટરૂટ અને કૅરટથી બનેલો જૂસ. આમ તો હેલ્થ એક્સપર્ટ ફળોના જૂસ કરતાં આખાં ફળો ખાવાની સલાહ આપે છે કારણ કે જે પોષણ ફળ આપી શકે છે એ એનો જૂસ નથી આપી શકતો, પણ ડાયટની દૃષ્ટિએ ABC જૂસને સૌથી હેલ્ધી જૂસ માનવામાં આવે છે. એના અઢળક હેલ્થ બેનિફિટ્સ છે એટલી જ સાઇડ ઇફેક્ટ્સ પણ છે ત્યારે ડાયટ ક્ષેત્રે ૧૪ વર્ષનો અનુભવ ધરાવતાં ડાયટિશ્યન માનસી પાડેચિયાએ આ જૂસ વિશે રસપ્રદ માહિતી આપી છે.
ABC જૂસ એટલે?
ABC જૂસમાં A એટલે ઍપલ, B એટલે બીટરૂટ અને C એટલે કૅરટ. આ ત્રણેય સામગ્રીને મિક્સ કરીને બનાવવામાં આવતા જૂસને ડાયટની ભાષામાં ABC જૂસ કહેવાય છે. આ જૂસ શરીરને પોટૅશિયમ, ઝિન્ક અને આયર્ન જેવાં મિનરલ્સ અને શરીરને રોગપ્રતિકારક શક્તિ પૂરાં પાડતાં ઑક્સિડન્ટ્સ પૂરાં પાડે છે. સફરજનમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર, વિટામિન C, પોટૅશિયમ અને વિટામિન E હોય છે ત્યારે બીટમાંથી ફોલેટ, પોટૅશિયમ અને પ્રોટીન મળે છે. વિટામિન A અને B6 માટે ગાજર સૌથી ઉત્તમ સ્રોત કહેવાય છે. ત્રણેય ઇન્ગ્રીડિયન્ટ્સની સમાનતા એ છે કે એમાંથી ભરપૂર પ્રમાણમાં ફાઇબર, વિટામિન C અને પોટૅશિયમ મળે છે. આ જૂસમાં સફરજન એટલા માટે નખાય છે કારણ કે બીજા ફ્રૂટ કરતાં એમાં ફાઇબરનું પ્રમાણ વધુ છે. સંતરાં, મોસંબી, દાડમ કે તરબૂચ જેવાં ફ્રૂટના જૂસ બનાવવામાં આવે તો એમાંથી ફાઇબર નીકળી જાય છે અને એનાં પોષક તત્ત્વો ઓછાં થઈ જાય છે. આવાં ફળોના જૂસ સજેસ્ટ ન કરવાનું બીજું કારણ એ પણ છે કે એક ગ્લાસ જૂસ બનાવવો હોય તો એમાં ત્રણથી ચાર સંતરાંની જરૂર પડે. એટલે કે એક નંગમાંથી ક્વૉન્ટિટી ઓછી નીકળે છે. જોકે ABC જૂસમાં ક્વૉન્ટિટી સારી મળે છે. બધું થોડું-થોડું નાખવામાં આવે તો એક ગ્લાસ બની જાય છે અને એમાં કોઈ જ પોષક તત્ત્વો ઓછાં થતાં નથી.
ઇમ્યુનિટી બૂસ્ટર
ABC જૂસ ન્યુટ્રિઅન્ટ્સથી ભરપૂર હોય છે અને એમાંથી મળતું ફાઇબર શરીરના હીમોગ્લોબિનના લેવલને સુધારવામાં મદદરૂપ સાબિત થાય છે. આ સાથે સફરજન, બીટ અને ગાજરમાં વિટામિન C હોવાથી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. લોહીની ઊણપ હોય અથવા શરીરમાં શ્વેતકણો ઓછા હોય એવા લોકોને આ જૂસ પીવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે એ શ્વેતકણો એટલે કે વાઇટ બ્લડ સેલ્સના પ્રોડક્શનને વધારવાનું કામ કરે છે. આ ઉપરાંત વિટામિન્સની કમી હોય અને ડાયટ બરાબર ન લેવાને કારણે છાશવારે માંદા પડતા હોય એવા લોકોને પણ આ જૂસ પીવાથી ફાયદો થાય છે.
જૂસ નહીં, ડીટૉક્સ ડ્રિન્ક
ઠંડીની સીઝનમાં જો આ જૂસ નિયમિત રીતે પીવામાં આવે તો એ લિવર અને સ્કિનને ડીટૉક્સ કરવાનું કામ પણ કરે છે. ઘણી યુવતીઓ વેડિંગ ડેના દિવસે સ્કિન ગ્લો કરે એ માટે આ ડ્રિન્ક પીતી હોય છે. એ અંદરથી સ્કિનને ડીટૉક્સ કરે છે. સતત ૩૦ દિવસ સુધી જો ABC જૂસ પીવામાં આવે તો પાચન સંબંધિત સમસ્યાઓ હોય તો પણ એ દૂર થાય છે અને કબજિયાતનો પ્રૉબ્લેમ હોય એવા લોકોને પણ રાહત મળે છે. આ ઉપરાંત ગાજરમાં રહેલું વિટામિન A ત્વચાની સાથે આંખોના સ્વાસ્થ્ય માટે પણ સારું છે.
વેઇટલૉસ માટે કારગત
વેઇટલૉસ કરતા લોકો માટે પણ આ પીણું ફાયદાકારક સાબિત થઈ શકે છે. એનાથી શરીરનું મેટાબોલિઝમ સુધરે છે અને જમા થયેલી ચરબી ઓગળવાનું શરૂ થાય છે અને ફરીથી એને જમા થવા દેતું નથી. ABC જૂસમાંથી કૅલરી ઓછી અને ફાઇબરનું પ્રમાણ વધુ હોવાથી એ વેઇટલૉસમાં કારગર સાબિત થાય છે.
હાર્ટ-હેલ્થ માટે સારું
ABC જૂસમાંથી ઘણાં પોષક તત્ત્વો મળતાં હોવાથી એ હાર્ટ-હેલ્થ માટે પણ સારો માનવામાં આવે છે. સફરજનમાં રહેલું પેક્ટિન નામનું પોષક તત્ત્વ કૉલેસ્ટરોલ લેવલને પણ નિયંત્રણમાં રાખે છે ત્યારે બીટ બ્લડ-સર્ક્યુલેશનને નિયમિત કરવામાં તથા લો બ્લડ-પ્રેશરને નૉર્મલ કરવામાં એ ફાયદો આપે છે. ગાજર પણ શરીરનાં ફંક્શન્સને સરળ બનાવવાનું કામ કરે છે.
કેવી રીતે બનાવવો?
ABC જૂસ બધા લોકો તેમના સ્વાદના હિસાબે અલગ-અલગ રીતે બનાવે છે. એક સફરજન, એક બીટ અને બે નાનાં ગાજરને સમારીને મિક્સરમાં પીસીને પી શકાય છે પણ એમાં કોઈ સ્વાદ હોતો નથી. તેથી ઘણા લોકો એમાં જલજીરા, લીંબુનો રસ અને એક ચપટી મરી પાઉડર નાખે છે. આ ઉપરાંત ઘણા લોકો ફક્ત આદુંનો રસ નાખીને ટેસ્ટને એન્હૅન્સ કરે છે. આ બધી જ રીતે જૂસને પી શકાય છે, કારણ કે આમાંથી કોઈ એક સામગ્રી ઉમેરવાથી જૂસનાં ન્યુટ્રિઅન્ટ્સ ઓછાં થતાં નથી. આ જૂસ સાત વર્ષથી લઈને વરિષ્ઠ નાગરિકો પી શકે છે. જોકે બાળકો અને વૃદ્ધોની પાચનશક્તિ નબળી હોવાથી કાચો જૂસ તેમને નુકસાન પહોંચાડી શકે એમ હોવાથી સફરજન, બીટ અને ગાજરને પાણીમાં કાચાંપાકાં બાફી લેવાં અને પછી એનો જૂસ બનાવીને આપવાથી ફાયદો થશે. કાચો જૂસ આમ તો વધુ સારો, પણ નબળી પાચનશક્તિ હોય એવા લોકો માટે આ રીતે જૂસ બનાવી શકાય. આ જૂસને પ્રમાણસર લેવામાં આવે તો એ દવાનું કામ કરે છે. સવારના સમયે ચા કે કૉફી પીવાને બદલે આ જૂસ પીવાથી હેવી નાસ્તો કર્યો હોય એવી ફીલિંગ આવશે. સાડાદસથી અગિયાર વાગ્યામાં સુધીમાં એનો ઇન્ટેક આઇડિયલ માનવામાં આવે છે. ૨૦૦ મિલીલિટર જેટલો જ જૂસ પીવો જોઈએ. સતત ૩૦ દિવસ આ જૂસ પીધા બાદ ચારથી પાંચ દિવસનો બ્રેક લઈને પછી ફરીથી શરૂ કરવો જોઈએ.
કોઈ પણ ચીજનો અતિ ઉપયોગ થાય તો એ નુકસાન તો કરશે જ. તેથી જો એનો ઉપયોગ મર્યાદિત પ્રમાણમાં કરવામાં આવે તો જ ફાયદો મળે છે. ૨૦૦ મિલીલિટર કરતાં વધુ ક્વૉન્ટિટીમાં જૂસ પીવામાં આવે તો બ્લડ-શુગર લેવલ અનિયંત્રિત થઈ શકે છે. ડાયાબિટીઝ હોય એવા લોકોને ડૉક્ટરની સલાહ લીધા વગર આ જૂસ પીવો ન જોઈએ. આ ઉપરાંત ABC જૂસનો વધુપડતો ઇન્ટેક ઍસિડીટી અને ગૅસની સમસ્યાઓ પણ ઊભી કરે છે. ઘણા લોકોને ઍલર્જી થઈ જતી હોવાથી પેટમાં બળતરા અને સ્વેલિંગની સમસ્યા પણ થાય છે કારણ કે બધાની તાસીર એકસરખી નથી હોતી. ઘણા લોકોને આ જૂસ સૂટ નથી થતો તેથી પહેલી વાર જો આ જૂસ પીતા હો તો બેથી ત્રણ દિવસ સુધી એ પી જુઓ. જો શરીરમાં કોઈ સમસ્યા ન થાય તો જ એને કન્ટિન્યુ રાખવો નહીં તો તરત જ એ પીવાનું બંધ કરવું જોઈએ. જો કોઈ ગંભીર બીમારી કે પેટ સંબંધિત સમસ્યા હોય તો ડૉક્ટર કે ડાયટિશ્યનની સલાહ લીધા બાદ જ એ પીવો જોઈએ. આ એક જ કૉમ્બિનેશન જૂસ છે જે શરીરને ફાયદો આપે છે. બાકી કોઈ પણ વાઇરલ જૂસ પીવાના અખતરા કરવાનું ટાળવું જોઈએ. હવે ઉનાળો આવે છે તો શરીરને હાઇડ્રેશનની જરૂર પડશે ત્યારે આ રીતે કાકડી, અળસી અને ફુદીનાનો જૂસ પીવાથી ફાયદો થશે.
સવારના સમયે ચા કે કૉફી પીવાને બદલે આ જૂસ પીવાથી હેવી નાસ્તો કર્યો હોય એવી ફીલિંગ આવશે. સાડાદસથી અગિયાર વાગ્યામા સુધીમાં એનો ઇન્ટેક આઇડિયલ માનવામાં આવે છે. સતત ૩૦ દિવસ આ જૂસ પીધા બાદ ચારથી પાંચ દિવસનો બ્રેક લઈને પછી ફરીથી શરૂ કરવો જોઈએ.
- માનસી પાડેચિયા, ડાયટિશ્યન