૬ વર્ષનું બાળક ભયંકર ગુસ્સો કરે તો શું કરવું?

23 July, 2021 01:02 PM IST  |  Mumbai | Dr. Neha Patel

મારો ૬ વર્ષનો દીકરો છે, જે ખૂબ જ ઉત્પાતી છે. જીદ્દી પણ છે, પરંતુ આ બધાથી ઉપર તેનો ગુસ્સો ખૂબ ખરાબ છે. જ્યારે એનું ધાર્યું ન થાય અથવા એને કોઈ ખીજાય ત્યારે તે ભયંકર ગુસ્સે થાય છે અને ગુસ્સામાં એનો ચહેરો આખો લાલ થઈ જાય છે

પ્રતીકાત્મક તસવીર

મારો ૬ વર્ષનો દીકરો છે, જે ખૂબ જ ઉત્પાતી છે. જીદ્દી પણ છે, પરંતુ આ બધાથી ઉપર તેનો ગુસ્સો ખૂબ ખરાબ છે. જ્યારે એનું ધાર્યું ન થાય અથવા એને કોઈ ખીજાય ત્યારે તે ભયંકર ગુસ્સે થાય છે અને ગુસ્સામાં એનો ચહેરો આખો લાલ થઈ જાય છે. એ બધી વસ્તુઓ ઉપાડીને ફેંકવા લાગે છે. જ્યાં હોય ત્યાંથી પછડાય છે, રાડો પાડે છે. એને આ સમયે કાબૂમાં કરવો ખૂબ જ અઘરો થઈ જાય છે. થોડા દિવસ પહેલાં તો એણે મને ગુસ્સામાં જોરથી મારી પણ દીધું હતું. આ પરિસ્થિતિમાં મને સમજાણું નહીં કે હું શું કરું? એને મારવાથી કે ખીજાવાથી કામ નહીં જ બને એ હું જાણું છું, પરંતુ એને સમજાવવાથી પણ કામ નથી થઈ રહ્યું. હું શું કરું? એનો ગુસ્સો કાબૂમાં કેમ લાવું?           

આ પ્રકારનું વર્તન તમારા ઘરમાં કોઈ કરે છે, જેને જોઈને તે આ શીખ્યું છે? સામાન્ય રીતે જે ઘરમાં બાળકને જોઈતું બધું જ એને પ્રૉવાઇડ કરાવવાની આદત હોય એ ઘરમાં આવું થતું હોય છે કે જ્યારે એને ના પાડો ત્યારે તે ટેન્ટ્રમ થ્રો કરે છે. શરૂઆતમાં જ્યારે તેણે આવું બિહૅવ કર્યું હશે ત્યારે તમે એને જોઈતું કરી આપ્યું હશે એટલે જ એને સમજાઈ ગયું છે કે હવે મારે કઈ પણ જોઈતું હોય કે મારી ઇચ્છા પ્રમાણે કરાવવું હોય તો આ પ્રકારનું વર્તન કરવું. જો આ કારણ ન હોય તો એવું કશુંક પણ હોય શકે જે તમારા બાળકને અંદરથી ભયંકર અકળાવે છે. એ જાણવાની કોશિશ કરો.

બાકી આ માટે તમે કોઈ સાયકોલૉજિસ્ટની પણ મદદ લઈ શકો છો, કારણ કે આ ઉંમરમાં હોય શકે કે બાળકને કોઈ ડેવલપમેન્ટલ ઇશ્યુ પણ હોય શકે છે. જોકે એ તપાસ પછી જ ખબર પડી શકે. બીજી બાબત એ કે આવું થાય ત્યારે શું કરવું? બાળક જે ગુસ્સામાં ગાંડપણ કરે છે એ સમયે એને સમજાવો નહીં, એ જે કરી રહ્યું છે એનાથી તમે અસરગ્રસ્ત થયા છો એવું પણ દેખાડો નહીં. જે બાબતે ના પાડી છે એના પર અટલ રહો. એને જતાવો કે આ બધું કરવાથી કઈ ફાયદો નહીં થાય, ઊલટું નુકસાન જ થશે. એક-બે વાર એના આ પ્રકારના વર્તન પર તમે ધ્યાન નહીં આપો એટલે આપોઆપ તે સુધરશે. ધીરજ તમે રાખો અને અડગ બનો. બાકી જરૂર લાગે તો પ્રોફેશનલ મદદ પણ લઈ શકો છો.

life and style health tips