સીતાફળ ખાઓ રોગ ભગાઓ

18 October, 2019 03:04 PM IST  |  મુંબઈ | વર્ષા ચિતલિયા

સીતાફળ ખાઓ રોગ ભગાઓ

સીતાફળ

સીતાફળમાં એટલા બધા પ્રાકૃતિક ગુણો છે કે શરીરના દરેકેદરેક ભાગ માટે લાભકારક છે. અગણિત ઔષધીય ગુણધર્મો ધરાવતા સીતાફળના સેવનથી શરીર નીરોગી રહે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. કફ, ઉલટી, શરીરમાં રક્તની અછત, દાંતના રોગો, બ્લડ-પ્રેશર સહિત અનેક રોગોના ઉપચારમાં એનો ઉપયોગ થાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે ગર્ભવતી મહિલાઓએ આ ફળ ખાસ ખાવું જોઈએ. જોકે કેટલાંક લોકોનું માનવું છે કે સીતાફળ ખાવાથી કફ-શરદી થઈ જાય છે તો વળી તાવ આવતો હોવાની ફરિયાદ પણ કરતાં હોય છે. હકીકત શું છે? દેખાવમાં ખરબચડું ને સ્વાદમાં ગળ્યું સીતાફળ બજારમાં સહેલાઇથી ઉપલબ્ધ છે અને લગભગ બધાને જ ભાવે છે ત્યારે એના વિશે એ ટૂ ઝેડ જાણી લો.

ઓળખ વિશે

ભારતમાં મુખ્યત્વે મહારાષ્ટ્ર, ઓડિશા, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને આસામમાં સીતાફળની ખેતી થાય છે. અંગ્રેજીમાં એને કસ્ટર્ડ એપલ, હિંદીમાં શરીફા અને સંસ્કૃતમાં જાનકીફલ અથવા સીતફલમ કહે છે. અનોના રેટિક્યુલાટા વનસ્પતિની જાતિના આ ફળનું સાયન્ટિફિક નામ અનોના સ્ક્વેમોસા છે. સીતાફળમાં લાલ, ગુલાબી અને પર્પલ રેડ કલરની વેરાઇટી પણ મળે છે. રંગ, રૂપ અને સ્વાદના કારણે અન્ય ફળોની તુલનામાં સીતાફળ નોખું તરી આવે છે. ફળ કાચું હોય ત્યારે જ એને વૃક્ષ પરથી ઉતારી લેવામાં આવે છે. સીતાફળના ગર્ભમાં લંબગોળ આકારના વીસથી ત્રીસ કાળા લીસા બીજની ફરતે સફેદ રંગના મુલાયમ અને રસદાર ભાગને આપણે ખાઈએ છીએ. જોકે, સીતાફળના વૃક્ષના પાન, ફળની છાલ અને બીજ પણ ઉપયોગી છે.

હેલ્થ બેનિફિટ

સીતાફળ પોષક તત્વોથી ભરપૂર છે. ખાસ કરીને વીટામીન સી આપણા શરીરને રોગો સામે લડવાની શક્તિ પ્રદાન કરે છે. એના સેવનથી સ્નાયુઓ મજબૂત થાય છે અને હૃદયને આરામ મળે છે. ટાઇપ ટૂ ડાયાબિડીઝનું જોખમ ઘટાડવામાં સીતાફળ હેલ્પ કરે છે. થાક અને સુસ્તી જેવું લાગતું હોય ત્યારે આ ફળ ખાવાની સલાહ આપવામાં આવે છે.

સીતાફળના હેલ્થ બેનિફિટ વિશે વાત કરતાં ન્યુટ્રિશનિસ્ટ પ્રિયા પાલન કહે છે, ‘ડાયટરી ફાઇબર, પોટેશિયમ, મેગનેશિયમ, વીટામીન સી અને નેચરલ શુગરથી ભરપૂર કસ્ટર્ડ એપલના ઘણા ફાયદા છે. એન્ટિઑક્સિડન્ટ પ્રોપર્ટીનો ગુણધર્મ ધરાવતા વીટામીન સી થી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે. ડાયટરી ફાઇબરથી ડાયજેશન સિસ્ટમ ઇમ્પ્રુવ થાય. પોટૅશિયમ રીચ ફ્રૂટ હોવાથી બ્લડ-પ્રેશર અને હૃદય સંબંધિત સમસ્યા હોય એવા દરદીએ કસ્ટર્ડ એપલનો આહારમાં સમાવેશ કરવો જોઈએ. ડાયાબિટીઝના દરદી પણ એને ખાઈ શકે છે. જોકે માત્રા ડાયાબિટીઝના પ્રકાર પ્રમાણે નક્કી થાય. ડાયાબિટીઝમાં વજન ઘટી રહ્યું હોય એવા દરદી માટે કસ્ટર્ડ એપલ બેસ્ટ છે, પરંતુ વજન વધતું હોય તો કેલેરી કાઉન્ટ કરવી પડે.’

કસ્ટર્ડ એપલનો ડાયટ ચાર્ટમાં સમાવેશ થવો જોઈએ એવી ભલામણ કરતાં પ્રિયા કહે છે, ‘કસ્ટર્ડ એપલ કેલેરી બેઝ્ડ ફ્રૂટ છે તેથી એની સટિસફેક્શન વેલ્યુ વધી જાય છે. ઘણીવાર આપણને એવું થાય કે બહુ ભૂખ નથી લાગી પણ જરાતરા ખાવું છે. આવા ટાણે કસ્ટર્ડ એપલ ખાઈ લો તો સંતોષ થાય. સીતાફળની ન્યુટ્રિશન વેલ્યુ ઘણી વધુ છે તેથી એને ફિલર તરીકે ખાઈ શકાય. વેઇટ ગેઇન કરવા માગતા હોય તેમને કસ્ટર્ડ એપલનો સૌથી વધુ ફાયદો મળે છે.’

ગર્ભાવસ્થામાં ઉપયોગી

મહિલાઓ માટે સીતાફળ ખૂબ લાભકારી છે. ગર્ભાવસ્થા દરમ્યાન સગર્ભા રોજ એક સીતાફળ ખાય તો બાળકનું મગજ સારી રીતે વિકસિત થાય છે તેમ જ પ્રસવ પીડાની તીવ્રતામાં ઘટાડો થાય છે એવું આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે. સીતાફળ મધુર અને શીતળ હોવાથી ગર્ભાવસ્થા દરમ્યાન સેવન કરવાથી ભ્રૂણનો વિકાસ સારી રીતે થાય છે તેમ જ ગર્ભપાતનું જોખમ ઘટે છે. વિજ્ઞાન કહે છે કે સીતાફળમાં વીટામીન બી-૬ની માત્રા મોર્નિંગ સીકનેસ અને ઉલટીમાં રાહત આપે છે. આ સમય દરમ્યાન શરીરને વધુ ઉર્જાની જરૂર પડે છે જે સીતાફળમાંથી મળી રહે છે. આ ઉપરાંત પ્રેગનન્ટ મહિલાઓમાં કબજિયાત અને ટેમ્પરરી બ્લડ-પ્રેશરની સમસ્યામાં પણ સીતાફળ સહાયકનું કામ કરે છે.

પ્રેગનન્ટ લેડીને કસ્ટર્ડ એપલ ખાવાની સલાહ આપવામાં આવે છે એનું કારણ જણાવતા પ્રિયા કહે છે, ‘પ્રેગનન્સીમાં મૂડસ્વિંગ્સ થયા કરે છે. શુગર બૂસ્ટ તમારા મૂડસ્વિંગ્સને કંટ્રોલ કરે છે. બીજું આ સમય દરમ્યાન ક્રેમ્પ્સ ફિલિંગ આવે છે. એમાં પણ કસ્ટર્ડ એપલના સેવનથી રિલિફ થાય છે. પ્રેગનન્ટ મહિલાઓ ઓછી માત્રામાં રોજ કસ્ટર્ડ એપલ ખાઇ શકે છે. જોકે, એના સીડ્સ પેટમાં ન જાય એ બાબત ખાસ ધ્યાન આપવું.’

મેડિકલ યુઝ

એન્ટિઑક્સિડન્ટનો ગુણધર્મ ધરાવતા સીતાફળના પાન સૂર્યના તાપથી ત્વચાનું રક્ષણ કરે છે. એના પાનને પાણીમાં નાખી સ્નાન કરવાથી સંધિવાની બિમારીમાં રાહત થાય છે. પાનને વાટી મલમ બનાવી ઘાવ પર લગાવવાથી હિલિંગનું કામ કરે છે. સીતાફળના પાન ઉમેરી બનાવવામાં આવેલી ગ્રીન ટી પીવાથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને ત્વચા નીખરે છે. એન્ટિ એજિંગ પ્રોડક્ટ્સમાં સીતાફળના પાનનો ઉપયોગ થાય છે. સીતાફળના બીજને વાટીને માથામાં લગાવવાથી જૂ-ટોલા મરી જાય છે.

આડઅસર

કસ્ટર્ડ એપલની કોઈ આડઅસર નથી એમ જણાવતા પ્રિયા કહે છે, ‘એનાથી કફ થાય કે તાવ આવે એ માન્યતા ખોટી છે. જોકે કેલેરીની વેલ્યુ વધુ હોવાથી વેઇટ લોસમાં સહાય કરતું નથી. ઓબીસ પેશન્ટે અથવા કેલેરી કાઉન્ટ કરતાં હોવ તો ૧૦૦ ગ્રામ (અંદરનો પલ્પ)થી વધુ માત્રામાં કસ્ટર્ડ એપલ ન ખવાય. વજન નિયંત્રણમાં રાખવા કે ઘટાડવા

ફ્રૂટને ડાયરેક્ટ જ ખાવું જોઈએ. જૂસ બનાવીને પીવાથી શુગરનું લેવલ વધી જાય છે. ઉપર જણાવ્યા અનુસાર ખાતી વખતે સીડ્સ પેટમાં ન જાય એનું ખાસ ધ્યાન રાખવું. કસ્ટર્ડ એપલના સીડ્સ હાનિકારક હોય છે. એનાથી પેટમાં દુખે છે અને ગેસ્ટ્રો સંબંધિત સમસ્યા ઊભી થવાની શક્યતા છે. આ સિવાય બીજી કોઈ તકેદારી રાખવાની જરૂર નથી. વાસ્તવમાં ફ્રૂટ એવો આહાર છે જેને યોગ્ય રીતે ખાવાથી ક્યારેય કોઈ નુકસાન થતું નથી. 

આ પણ વાંચો : યોગ ગરદનના દુખાવામાં કેવી રીતે ઉપયોગી થઈ શકે?

આટલું ધ્યાન રાખો

સીતાફળ મધુર, શીતળ અને બળ આપનારું પોષ્ટિક ફળ છે તેથી બધાએ ખાવું જોઈએ, પરંતુ એમાં જીવાત પડે છે તેથી સીતાફળની ખરીદી કરતી વખતે કાળજી લેવી ખૂબ જ જરૂરી છે એવી ભલામણ કરતાં અમદાવાદના એગ્રીકલ્ચર એક્સપર્ટ અને એન્ટોમોલોજીસ્ટ (જંતુ વિજ્ઞાનના જાણકાર) ડૉ. મયંક પટેલ કહે છે, ‘સામાન્ય રીતે સીતાફળની ખેતી ચિકટો જીવાત દ્વારા અને ફુગ જન્ય રોગ દ્વારા નુકસાન પામે છે. સીતાફળ જ્યારે ખરીદવામાં આવે છે ત્યારે ફળની સપાટી પર ખાંચામાં સફેદ રંગના કપાસના રૂ જેવી નાની જીવાત જોવા મળે છે એ મુખ્યત્વે ચિકટો તરીકે ઓળખાય છે. અંગ્રેજીમાં એને મિલીબગ કહે છે. વધુ ફુગ હોય તો ફળની છાલ પર ગોળાકાર કાળા રંગના ટપકાં પણ જોવા મળે છે. શક્ય હોય ત્યાં સુધી આવા સીતાફળ ખરીદવાનું ટાળવું જોઈએ. જો આ પ્રકારના નિશાન ઓછી માત્રામાં હોય તો સીતાફળને ગરમ પાણીમાં બરાબર ધોઈને સાફ કરી પછી ઉપયોગમાં લઈ શકાય. ફુગજન્ય રોગ દ્વારા નુકશાન પામેલા ફળ ખાવાથી ફૂડ પોઇઝનિંગ થવાની શક્યતા વધી જાય છે. ફળ ખરીદતી વખતે આ બાબત ધ્યાનમાં રાખવી હિતાવહ છે.’

ન્યુટ્રિશન વેલ્યુ (સો ગ્રામ વાઇટ પલ્પમાં)

કાર્બોહાઇડ્રેટ - ૨૦થી ૨૫ ગ્રામ

ડાયટરી ફાઇબર - ૫ ગ્રામ

ફેટ - ૦.૨૯ ગ્રામ

પ્રોટીન - ૨.૦૫ ગ્રામ

વીટામીન સી - ૮૦ ટકા

મેગનૅશિયમ - ૨૦થી ૨૫ મિલીગ્રામની રેન્જમાં

પોટૅશિયમ - ૨૫૦ મિલીગ્રામની આસપાસ

વીટામીન બી૧ - ૧૧ મિલીગ્રામ

વીટામીન બી૬ - ૦.૨ મિલીગ્રામ

health tips Varsha Chitaliya