એક વર્ષ બાદ જિમ જૉઇન કરવાથી ઇન્જરી થઈ ગઈ છે, શું થઇ શકે?

26 March, 2021 10:05 PM IST  |  Mumbai | Dr.Tushar Agrawal

તમને જાણીને થોડી રાહત થશે કે તમારા જેવી હાલત ઘણા યુવાનોની છે. ૧ વર્ષ જેઓ કંઈ ખાસ એક્સરસાઇઝ કરી શક્યા નથી તેમને એકદમ એક્સરસાઇઝ ચાલુ કરવાથી પેઇન, લિગામેન્ટ અને જૉઇન્ટના ઇશ્યુઝ આવી રહ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

હું ૩૨ વર્ષનો એક આઇટી પ્રોફેશનલ છું અને છેલ્લા ૧ વર્ષથી ઘરેથી જ કામ કરું છું. લૉકડાઉન પહેલાંનાં બે વર્ષ હું રેગ્યુલર જિમ જતો હતો અને એકદમ હેલ્ધી હતો. લૉકડાઉન પછી ઘરે મેં કોશિશ કરી, પરંતુ ઘરે ખૂબ કંટાળો આવતો હતો. શરૂઆતમાં થોડી એક્સરસાઇઝ થઈ પણ એ ધીમે-ધીમે છૂટતી ગઈ. એને કારણે મારું ૯ કિલ્લો વજન વધી ગયું. જિમ ફરીથી ખૂલ્યાં ત્યારે હું એકદમ એક્સાઇટ થયો અને મેં ફરીથી જૉઇન કર્યું. પરંતુ બે દિવસ જિમ ગયા પછી મને કમરનો, કોણીનો અને પીઠનો દુખાવો શરૂ થઈ ગયો છે. સૌથી વધુ મારી કમરમાં પ્રૉબ્લેમ છે. ડૉક્ટર પાસે ગયો તો તેમણે કહ્યું કે ૧ મહિનો જિમ નહીં જવાય. દુખાવો અને મારી હાલત જોતાં તો લાગે છે કે ૧ મહિનો તો શું હું હવે ક્યારેય જિમ નહીં જઈ શકું. આ વિચારે જ ખૂબ ગભરામણ થાય છે. મારે શું કરવું?

તમને જાણીને થોડી રાહત થશે કે તમારા જેવી હાલત ઘણા યુવાનોની છે. ૧ વર્ષ જેઓ કંઈ ખાસ એક્સરસાઇઝ કરી શક્યા નથી તેમને એકદમ એક્સરસાઇઝ ચાલુ કરવાથી પેઇન, લિગામેન્ટ અને જૉઇન્ટના ઇશ્યુઝ આવી રહ્યા છે. અહીં મૂળભૂત ભૂલ એ જ થઈ રહી છે કે તમે એકદમ ઇનૅક્ટિવ મોડ પરથી ઍક્ટિવ મોડ પર કૂદકો મારી રહ્યા છો. એક્સરસાઇઝ કરતી વખતે તકલીફ ત્યારે થાય જ્યારે તમારા સ્નાયુઓ તમારું વજન ઉપાડી શકે એટલી એનામાં શક્તિ ન હોય અથવા તો એક્સરસાઇઝની ટેક્નિક ખોટી હોય. તમે લૉકડાઉન પહેલાં જે સ્ટૅમિના ધરાવતા હતા એ સ્ટૅમિના અત્યારે નથી જ એ સત્ય સ્વીકારીને એક્સરસાઇઝ શરૂ કરવી જોઈએ. પહેલાં ઘરે થોડા દિવસ નૉર્મલ કાર્ડિયો કે ફંક્શનલ ટ્રેઇનિંગ સાથે એક અઠવાડિયું વિતાવ્યું હોત અને પછી જિમ શરૂ કર્યું હોત તો વાંધો ન આવત. હાલમાં તમે દવા સાથે ફિઝિયોથેરપી શરૂ કરો. એ પતે પછી ઘરે ફિઝિયો એક્સરસાઇઝ કરી સ્નાયુની સ્ટ્રેંગ્થ વધારો. ત્યાર બાદ જિમ જૉઇન કરી શકશો જ એટલે દુખી ન થાઓ. જે ફિટનેસ વર્ષના બેઠાડુ જીવનને કારણે ગુમાવી છે એ બે દિવસમાં પાછી ન લાવી શકાય. એને વાર લાગશે. ધીરજથી આગળ વધો. જિમ ફરી શરૂ કરો ત્યારે ઇન્સ્ટ્રક્ટર વગર એક્સરસાઇઝ ન કરશો.

columnists health tips