પગની એડીમાં અસહ્ય દુખાવો થાય છે. એ દૂર કરવા શું કરવું?

27 December, 2021 03:35 PM IST  |  Mumbai | Dr. Tushar Agrawal

એડીનો દુખાવો ખૂબ જ સામાન્ય સમસ્યા છે

પ્રતીકાત્મક તસવીર

હું ૫૩ વર્ષનો છું અને મને છેલ્લા આઠ-નવ મહિનાથી બન્ને પગની એડીઓમાં સખત દુખાવો રહે છે. હાડકાંના ડૉક્ટરે પહેલાં પેઇનકિલર આપી દીધી. એ પછી પણ ન મટ્યું એટલે કહ્યું કે ગાદીવાળી ચંપલ પહેરો અને સાથે-સાથે ગરમ તથા ઠંડા પાણીનો શેક કરો. એનાથી પણ ફરક ન પડ્યો તો અમુક ટેસ્ટ કરાવ્યા, પણ રિપોર્ટ બધા નૉર્મલ આવ્યા. ડૉક્ટરે કહ્યું કે ફિઝિયોથેરપીથી મટશે. તેમણે કહ્યું કે રોજ થેરપી માટે આવવું પડશે. કમસે કમ ૧૦થી ૧૨ દિવસ લાગશે અને દિવસના ૩૦૦ રૂપિયા ચાર્જ કરશે જે હાલના સંજોગોમાં ખર્ચવા વધારે પડતા લાગે છે. પગનો દુખાવો સહન થતો નથી. જો કોઈ દવાથી આનો ઇલાજ થઈ જાય તો વધુ સારું. બાકી ફિઝિયો મારા ગજાબહારની વાત છે.
 
એડીનો દુખાવો ખૂબ જ સામાન્ય સમસ્યા છે. એને અમે સેલ્ફ-લિમિટિંગ પ્રૉબ્લેમ ગણીએ છીએ. એટલે કે એ એની મેળે ઉદ્ભવે છે અને એની મેળે જતો રહે છે. જોકે એની મેળે જવામાં ક્યારેક એ વર્ષોનો સમય લે છે. ગાદીવાળાં ચંપલ ફક્ત બહાર નથી પહેરવાનાં, ઘરમાં પણ વગર સ્લિપરે તમારે નથી રહેવાનું અને પગ જમીન પર નથી મૂકવાનો. એને લીધે આ સમસ્યા વધશે અને પેઇન જશે જ નહીં. બીજું એ કે ગરમ-ઠંડા પાણીવાળો શેક કારગર થશે જ, પણ એ માટે થોડી ધીરજ રાખો. ફાયદો થાય કે નહીં એ ચાલુ રાખો, રિઝલ્ટ મળશે. 
સુખની વાત એ છે કે આ તકલીફ એની મેળે જતી રહેશે એટલે એ બાબતે ખાસ ચિંતા કરવાની જરૂર નથી, પણ અત્યારે જે પેઇન છે એ માટે તમારા ડૉક્ટર સાચા છે. ફિઝિયોથેરપી કામ લાગશે. આ માટે તમારી આસપાસ કોઈ ચૅરિટેબલ હૉસ્પિટલ હોય ત્યાં જાવ. ત્યાં અરજી કરશો તો તમને માફક આવે એવા ભાવમાં ફિઝિયોથેરપી મળશે. ચૅરિટેબલ હૉસ્પિટલનો લાભ લો. એ જરૂરી પણ છે અને ઉપયોગી પણ થશે. બાકી આ તકલીફ માટે સ્ટેરૉઇડ ઇન્જેક્શન આવે છે જે સીધું એડી પર જ લેવાનું હોય છે. આ ઇન્જેક્શન સેફ પણ છે અને અસરદાર પણ. ફક્ત આ ઇન્જેક્શન એટલું પેઇનફુલ છે કે લો ત્યારે રાડ ફાટી જાય એટલું પેઇન થઈ શકે છે, પણ પછી એકદમ રાહત થઈ જાય છે. જો તમારી સહનશક્તિ થોડી સારી હોય તો આ એક વારનું ઇન્જેક્શન લઈ લો. તમને ફાયદો થશે.

columnists health tips