સાઉથ મુંબઈની ફેમસ ગુજરાતી થાળી ઘરે માણો

08 April, 2021 12:52 PM IST  |  Mumbai | Bhakti D Desai

બપોરનો તપતો સૂરજ માથે હોય અને થાળીમાં કેરીનો તાજો મીઠો રસ અને પૂરી આવે ત્યારે લાગે કે ખરો ઉનાળો આવી ગયો. વીક-એન્ડમાં ક્યાંય બહાર જવાનું નથી ત્યારે ભરપેટ ખાઈને બપોરની લાંબી ઊંઘ ખેંચવાનો વિચાર કરવા જેવો ખરો.

શ્રી ઠાકર ભોજનાલય

સાઉથ મુંબઈમાં એવી ઘણી રેસ્ટોરાં છે જે ઉત્કૃષ્ટ થાળી માટે પ્રખ્યાત છે. અહીં વર્ષોથી નહીં, દાયકાઓથી પ્રખ્યાત એવી રેસ્ટોરાંઓની વાત થઈ રહી છે, જેનો જોટો મુંબઈમાં ક્યાંય નહીં જડે. આ થાળીઓની માગ ઉનાળાની ઋતુમાં વધી જાય છે. આનું મુખ્ય કારણ એ છે કે ખાવા-પીવાના શોખીન લોકો જો આખા વર્ષ દરમ્યાન થાળી ખાવા ન પણ જાય, તોય વળી ઉનાળાની રજાઓમાં કેરીના રસ સાથે પીરસાતી ગુજરાતી થાળી માણવા અને બાળકોને ફેરવવા સાઉથ મુંબઈ જરૂર પહોંચી જતા હોય છે. પણ આ વખતે કોરોનાને કારણે લોકોનું બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે અને હવે મહારાષ્ટ્ર સરકારે જાહેર કરેલી નવી ગાઇડલાઇન્સ અનુસાર રેસ્ટોરાંમાં ડાઇનિંગ પણ બંધ થઈ ગયું છે. જોકે નિરાશ થવાની કોઈ જરૂર નથી. સાઉથ મુંબઈની ઘણી રેસ્ટોરાં હવે મુંબઈમાં કુરિયરના માધ્યમથી થાળીની પાર્સલ સર્વિસ આપતી થઈ ગઈ છે. તો આવો જાણીએ કયાં વ્યંજનો પીરસાઈ રહ્યાં છે અને ભોજનની કઈ-કઈ વિવિધતાઓ કેટલા ભાવમાં ઉપલબ્ધ છે. 

થાળીની મજા જમે તે જ જાણે

ચર્ચગેટ જઈએ તો સમ્રાટ રેસ્ટોરાંની યાદ આવ્યા વગર ન રહે. આ રેસ્ટોરાંમાં થાળી જમવા માટે મુંબઈના લોકો તો આવે જ છે, પણ મુંબઈગરાઓને ત્યાં મહેમાન તરીકે આવનાર વિદેશીઓ પણ એક વાર તો અહીંની થાળી જમવાનો સમય કાઢે જ છે. સમ્રાટ રેસ્ટોરાંના પાર્ટનર રજનીશ શાહ કહે છે, ‘અમારે ત્યાં વર્ષોથી એક જ સ્વાદ અને એક જ પ્રકારની થાળી પીરસવામાં આવે છે. આશરે ૪૯ વર્ષથી પ્રખ્યાત અમારી આ રેસ્ટોરાંમાં લોકોના સ્વાદને સંતોષવાનું અમે ધ્યાન રાખ્યું છે અને અમારી લોકપ્રિયતાને કારણે લોકોની અપેક્ષાઓ પર ખરા ઊતરવું અમારા માટે જરૂરી છે.’

થાળીમાં શું છે?

સમ્રાટની થાળીમાં ૪ શાક, દાળ, કઢી, શ્રીખંડ અથવા ગુલાબજાંબુમાંથી એક મીઠાઈ, ઘૂઘરા અથવા સમોસામાંથી એક ફરસાણ અને ૧૦ પૂરી અથવા ૬ ફૂલકા રોટલી અને ભાત અથવા પુલાવ આપે છે. આ સિવાય છાશ, પાપડ, અથાણું, સૅલડ પણ હોય છે. આરામથી બે જણ આ થાળીમાંથી ખાઈ શકે છે અને થાળીની કિંમત રૂપિયા ૪૧૦ છે. વી-ફાસ્ટ કુરિયર દ્વારા મુંબઈમાં પાર્સલ સર્વિસ ઉપલબ્ધ છે, જેનો ખર્ચો ગ્રાહકે આપવાનો રહે છે. આ થાળીમાં કેરીના રસનો સમાવેશ નથી, પણ આનો ઑર્ડર અલગથી આપી શકાય છે.

કેરીનો રસ ને સ્વાદિષ્ટ વ્યંજનો

જો આપને થાળીમાં આમરસની મજા માણવી હોય તો કાલબાદેવીના ૭૫ વર્ષ જૂના શ્રી ઠાકર ભોજનાલય તરફ નજર માંડવી. અહીં બોનસ એ છે કે શ્રીખંડ અને ગુલાબજાંબુ પણ મીઠાઈમાં મળે જ છે. આમાં ગુજરાતી ભોજનના સ્વાદની સાથે મારવાડી સ્વાદની છાંટ પણ હોય છે. અહીંના મૅનેજર કૃષ્ણ પુરોહિત કહે છે, ‘અમારે ત્યાં મિની થાળીથી લઈને ફુલ ટિફિન સુધીના ચાર થાળીના પર્યાયો ઉપલબ્ધ છે. જેમ કે મિની થાળી, ફુલ થાળી, ફૅમિલી ફુલ ટિફિન અને હાફ ટિફિન. વધુ ઑપ્શન હોવાથી લોકોને પોતાની જરૂરિયાત મુજબ ફ્લેક્સિબિલિટી રહે.’

થાળીમાં શું?

મિની ટેક-અવે. એમાં બે શાક, દાળ, ભાત અથવા ખીચડી અને કઢી (બેમાંથી એક), બે કટકા ફરસાણના, એક મીઠાઈ અને પાપડ તથા આચાર આપવામાં આવે છે. એક ફૅમિલી પૅક અથવા ફુલ ટિફિનમાં ચાર વ્યક્તિ જમી શકે. શનિવાર અને રવિવાર માટે સ્પેશ્યલ મેનુ હોય છે. આમાં ત્રણ મીઠાઈ, ત્રણ ફરસાણ, પાંચ સબ્જી, દાળ, કઢી, ભાત અને પુલાવ તથા ૩૦ રોટલી અથવા ૪૦ પૂરી આપવામાં આવે છે. દરેક વ્યંજનનું પ્રમાણ વધારે હોય છે. આમાં જ હાફ ટિફિનનો પણ પર્યાય છે.

થાળીની કિંમત ૨૫૦થી ૩૨૦૦ રૂપિયા સુધી છે. વી-ફાસ્ટ દ્વારા આખા મુંબઈમાં બધે આ ટિફિન પહોંચાડી શકાય છે. જોકે આનો ખર્ચો ગ્રાહકે આપવાનો રહે છે.

columnists Gujarati food bhakti desai