યોગિક ડાયટ : શું, કેટલું અને ક્યારે ખાવું?

08 December, 2021 04:43 PM IST  |  Mumbai | Ruchita Shah

પૂર્વના યોગાચાર્યોએ આપેલા ‘મિતાહાર’ના કન્સેપ્ટને આજે ઘણા ડાયટિશ્યનો પણ ફૉલો કરી રહ્યા છે. તમારો આહાર સીઝનલ એટલે કે ઋતુ પ્રમાણેનો અને રીજનલ એટલે કે જે સ્થળે જે ઊગતો હોય એવો હોવો જોઈએ. આહારને લઈને આવી તો ઘણી રસપ્રદ વાતો છે યોગગ્રંથોમાં

યોગિક ડાયટ : શું, કેટલું અને ક્યારે ખાવું?

મિતાહારં વિનાયસ્તુ, 
યોગારમ્ભં તુ કારયેત
નાનારોગા ભવન્ત્યસ્ય, 
કિંચિદ્ યોગો ન સિધ્યન્તિ
જેઓ મિતાહાર કર્યા વિના યોગાભ્યાસનો આરંભ કરે છે તેમને ક્યારેય એમાં સફળતા નથી મળતી. એને બદલે તેમને નવા રોગો થાય છે. (ઘેરણ્ડ સંહિતા)
સુસ્નિગ્ધ મધુર આહારણ 
ચતુર્થાંશ વિવ‌ર્જિત: |
ભુજ્યતે શિવ સમ્પ્રીત્યે 
મિતાહાર: સ ઉચ્યતે ‍‍||
જે સ્નિગ્ધ છે એટલે કે ફ્રેશ અને રસથી ભરપૂર છે. મધુર એટલે માત્ર ગળપણની દૃષ્ટિએ નહીં પણ ચિત્તની પ્રસન્નતાની દૃષ્ટિએ પણ જે પ્રિયકર અને સુપાચ્ય છે એવો આહાર શિવને અર્પ‌િત કરીને ભૂખનો ચોથો ભાગ ખાલી રાખીને લેવાય એ મિતાહાર છે. (હઠયોગ પ્રદિપિકા)
‘ઘેરણ્ડ સંહિતા’ નામના લગભગ સત્તરમી સદીમાં લખાયેલા ગ્રંથમાં ઋષિ ઘેરણ્ડે પાંચમા અધ્યાયના ૧૬મા શ્લોકથી ૩૧મા શ્લોક સુધી મિતાહાર એટલે શું, ક્યારે ખાવું, કેટલું ખાવું અને શું ન ખાવું વગેરેનું વિગતવાર વર્ણન કર્યું છે. એવી જ રીતે લગભગ પંદરમી સદીમાં લખાયેલા યોગના પુસ્તક ‘હઠયોગ પ્રદિપિકા’માં યોગી સ્વાત્મારામજી પહેલા અધ્યાયના સોળમા શ્લોકમાં દસ યમનો ઉલ્લેખ કરે છે. યમ એટલે એવું અનુશાસન જે સામાજિક દૃષ્ટિએ અપેક્ષિત છે. હઠયોગના આ દસ યમમાં એક યમ છે મિતાહાર. પ્રત્યેક વ્યક્તિના જીવનમાં આહારનું અદકેરું મહત્ત્વ છે. આહારથી માત્ર તમારું શરીર જ નહીં, સંપૂર્ણ અસ્તિત્વ પ્રભાવિત થાય છે. તમારા વ્યક્તિત્વ પર, તમારા વિચારો અને તમારા સ્વભાવ પર આહારનો પ્રભાવ પડે છે. અન્ન એવું મન એ સદીઓ જૂની કહેવતથી આપણે બધા જ ચિરપરિચિત છીએ. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય પર આહારનો આવો ઊંડો પ્રભાવ જાણ્યા પછી જ આપણા લગભગ દરેક ધર્મગ્રંથમાં આહારની વાત થઈ છે. તો ચાલો આજે જાણીએ યોગની દૃષ્ટિએ આહાર વિશે.
સૂક્ષ્મતા સાથેનું વર્ણન
આપણાં વેદો-ઉપનિષદોથી લઈને અનેક નાના-મોટા ગ્રંથોમાં સાત્ત્વિક આહારનાં ગુણગાન તો ગવાયાં જ છે; પરંતુ સાથે આહાર લેવાનો સમય, આહાર લેતી વખતે મનના ભાવ વગેરે બાબતો પર પણ પૂરતું ધ્યાન કેન્દ્રિત કરાયું છે એમ જણાવીને ભારતીય શાસ્ત્રોના અભ્યાસી અને યોગનો એના મૂળ સ્વરૂપે પ્રચાર કરી રહેલા કનૈયા ભારદ્વાજ કહે છે, ‘ભગવાન શ્રીકૃષ્ણ યુક્તાહાર વિશે વાત કરે છે. સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં જ ભોજન લેવાવું જોઈએ. સાત્ત્વિક આહાર લીધાના ત્રણ કલાક સુધી કંઈ જ ન ખાવું. ન અતિ ખાવું કે ન અતિ ભૂખ્યા રહેવું જેવી કાળને લગતી ઘણી બાબતોનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. યોગાભ્યાસ કરવો હોય, પ્રાણાયામ કરવા હોય એ બધામાં આ મહાન યોગીઓએ આહારને પ્રાઇમ ભૂમિકામાં મૂક્યો છે. ખૂબ ખાવું એ તો યોગનાં પુસ્તકોમાં સદંતર વર્જ્ય ગણવામાં આવ્યું છે. સાથે જ ડગલે ને પગલે ભોજન પહેલાં એને શિવને અર્પણ કરવાની વાત છે એની પાછળનો ભાવાર્થ પણ સમજવા જેવો છે. જ્યારે તમે પૂરા આદર સાથે, પવિત્રતાના ભાવ સાથે આહાર લો છો ત્યારે તે તમારા શરીરમાં સપ્તધાતુને, પ્રાણઊર્જાને બળ પ્રદાન કરે છે. ઋતુ પ્રમાણે, તમે જે સ્થળમાં રહો છે એ સ્થાન પ્રમાણે અને તમારી પ્રકૃતિ પ્રમાણે આહાર લેવાનું યોગનાં વિવિધ પુસ્તકોમાં વર્ણન મળે છે.’
ખોરાકના ત્રણ પ્રકાર
તમે જેવો આહાર લો એવો વ્યવહાર, એવો સ્વભાવ અને એવી જ તમારી પર્સનાલિટી બને. શ્રીમદ્ ભગવદ્ગીતાના ૧૭મા અધ્યાયમાં ૮, ૯ અને ૧૦ નંબરના શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ સત્ત્વ, રજસ અને તમસ એમ ત્રણ પ્રકારનું વ્યક્તિત્વ ધરાવતા લોકોની ખોરાકની પસંદનું વર્ણન કરે છે. આ ત્રણ ગુણ સાથે તાલમેલ ધરાવતો આહાર કયો અને એમાંથી તમારા રૂટીનમાં કયા પ્રકારના આહારનું વિશેષ સેવન થાય છે એ ચેક કરી લો અને નક્કી કરો કે તમારે શું ચેન્જ લાવવો છે તમારી ડાયટ પૅટર્નમાં. 
સાત્ત્વિક આહાર
આયુ: સત્ત્વબલ આરોગ્ય સુખ પ્રીતિ વિવર્ધાના:‍
રસ્યા: સ્નિગ્ધા: સ્થિરા હૃદયા આહારા: સાત્ત્વિકપ્રિયા: ॥૮॥
સાત્ત્વિક લોકો એવા પ્રકારનો 
આહાર પસંદ કરે છે જે દિર્ઘાયુ આપનારો, સદ્ગુણો, શક્તિ, સ્વાસ્થ્ય, પ્રસન્નતા અને સંતોષ વધારનારો છે. આ એવા ખાદ્ય પદાર્થો છે જે રસદાર, 
પૌષ્ટિક અને કુદરતી રીતે જ સ્વાદિષ્ટ હોય છે. અનપ્રોસેસ્ડ  અને પિઝર્વેટિવ્સ વિનાનું ભોજન, તાજાં શાકભાજી, ફળો, દાળ, કઠોળ, આખું ધાન 
વગેરેનો સમાવેશ સાત્ત્વિક આહારમાં થાય છે. 
રાજસિક ડાયટ :
કટુ અમ્લ લવણ અતિઉષ્ણ 
તીક્ષ્ણ રુક્ષ વિદાહિન:
આહાર રાજસસ્યેષ્ટા દુ:ખ શોકામયપ્રદા: ॥૯॥
અતિ કડવો, ખાટો, તીખો, મિર્ચ-મસાલાયુક્ત તળેલો, સૂકો, અતિશય ગરમ, બળતરા જન્માવનારો આહાર રાજસિક વ્યક્તિઓને પસંદ પડે છે. આ આહાર રોગ, પીડા અને દુખ ઉત્પન્ન કરનારો હોય છે. આ પ્રકારનો આહાર રજોગુણ વધારે છે. તળેલાં ફરસાણ, તીખી વાનગીઓ, ચા, કૉફી, વધારે પડતું પ્રોસેસ્ડ ફૂડ વગેરે રાજસિક આહારની કૅટેગરીમાં આવે. 
તામસિક ડાયટ : 
યાતાયામં ગતરસં 
પૂતિ પર્યુષિતં ચ યત્
ઉચ્છિષ્ઠમપિ ચામેધયં ભોજનં તામસપ્રિયમ્ ॥ ૧૦ ॥
ખૂબ વધારે બફાયેલું, ભૂંજાયેલું ભોજન, વાસી, સડવાને કારણે પ્રદૂષિત થયેલું અશુદ્ધ ભોજન તમસ પ્રકૃતિનું હોય છે. જે આહાર લેવાથી આળસ આવે, થાક લાગે. માંસ-મદિરા, અતિ પાકેલાં ફળો, દાઝેલું ભોજન, આથો આવેલી વસ્તુ, ડીપ ફ્રાય કરેલું ફરસાણ, લસણ, કાંદા, તીવ્ર ગંધ હોય એવા મસાલાઓ વગેરેનો તામસિક આહારમાં સમાવેશ થાય છે.
 

ત્રણ ગોલ્ડન રૂલ : ‘હિત્ ભૂક’, ‘ઋત્ ભૂક્’, ‘મિત્ ભૂક્’

આયુર્વેદમાં આવતા આહારના ગોલ્ડન રૂલનું વર્ણન કરતાં વેદિક શાસ્ત્રોના નિષ્ણાત કનૈયા ભારદ્વાજ કહે છે, ‘એક વાર ચરક ઋષિના શિષ્ય વાગ્ભટ્ટજીને કોઈએ પૂછ્યું કે આખા આયુર્વેદનો નિચોડ શું? એ સમયે વાગ્ભટ્ટજી નદીમાં સ્નાન કરી રહ્યા હતા. તેમણે ત્રણ ડૂબકી સાથે ત્રણ શબ્દો કહ્યા જેમાં આયુર્વેદનાં તમામ આહારશાસ્ત્રોનો નિચોડ આવી જાય છે. પહેલો શબ્દ હતો ‘હિત્ ભૂક’ એટલે તમારા સ્વાદને માફક આવે એવું નહીં પણ જે તમારા શરીરને પોષણ આપનારું ભોજન છે, હિતકારી અન્ન છે એ લો. બીજો શબ્દ હતો ‘ઋત્ ભૂક્’ એટલે કે જે સીઝન છે, જે ઋતુ ચાલી રહી છે એમાં જે પ્રકારનું અનાજ પ્રકૃતિ તમારા માટે ઉગાડે છે એને આહારમાં સ્થાન આપો અને ત્રીજો શબ્દ હતો ‘મિત્ ભૂક્’ એટલે કે આહારને પ્રમાણસર લો. ભૂખ કરતાં ઓછું ખાઓ. સ્વસ્થ રહેવા માગતી દરેક વ્યક્તિ આ ત્રણ ગોલ્ડન રૂલને અમલમાં મૂકે તો ક્યારેય બીમાર ન પડે.’

ફન્ડા ચોથા ભાગનો
 ધીરેન્દ્ર બ્રહ્મચારી સાથે કામ કરી ચૂકેલા સિનિયર યોગનિષ્ણાત અને આત્મબોધ ઍકૅડેમી ઑફ યોગના ફાઉન્ડર પરમાનંદ અગ્રવાલ કહે છે, ‘ભક્તિસાગર નામના ગ્રંથમાં ભ‌ક્તિયોગી ચરણદાસજીએ લખ્યું છે કે ‘સૂક્ષ્મ, ચીકના, હલકા ખાવે, ચોથા ભાગ છોડ કરી પાવે.’ યોગીએ પોતાની ભૂખથી એક-ચતુર્થાંશ એટલે કે ચોથા ભાગનો આહાર ઓછો લેવો જોઈએ. બે ભાગ આહાર, એક ભાગ પાણી અને એક ભાગ હવા અને આકાશ તત્ત્વ માટે જ્યારે ખાલી રહેવા દો ત્યારે પાચન સરસ રીતે થતું હોય છે. ચરણદાસજી બીજા એક દોહામાં કહે છે, ‘ખાવે અન્ન વિચાર કે, ખોટા ખરા સંસાર, તૈસા હી મન હોત હૈ, જૈસા કરે આહાર.’ એટલે કે તમે જેવો આહાર લો છો એવું તમારું મન બને છે અને જેવું મન હોય એવું જ જીવન લાંબા ગાળે બનતું હોય છે.’

columnists ruchita shah